રાજકોટની કોલેજમાં છેલ્લા વર્ષમાં ભણતા બારડોલીના વિદ્યાર્થીનું હાર્ટ ઍટેકથી મોત

રાજકોટની એન્જિનયરીંગ કોલેજના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતા મુળ બારડોલીના 28 વર્ષના યુવકનું હાર્ટએટેકને કારણે મોત થયું છે. છાતીમાં અચાનક દુખાવો ઉપડતા યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત થઇ ગયું હતું. આ યુવાને વેક્સિનનના 3 ડોઝ લીધા હોવાનું સામે આવ્યું છે. પરિવારના એકના એક દીકરાના અવસાનને કારણે પરિવાર પર જાણે આભ તુટી પડ્યું છે. છેલ્લાં કેટલાંક સમયથી યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ ગંભીર રીતે વધી ગયું છે.
બારડોલીના રહેવાસી અને રાજકોટની વીવીપી એન્જિનિયરીંગ કોલેજમાં આર્કિટેકચરના છેલ્લાં વર્ષમાં ભણતા કલ્પેશ પ્રજાપતિનું હાર્ટએટેકને કારણે મોત થયું છે. કલ્પેશનું કોલેજનું છેલ્લું વર્ષ હતું અને કોલેજ પુરી થયા પછી તે સામાજિક જિંદગીમાં પગ મુકવાના સપના જોતો હશે, પરંતુ તેના બધા સપનાઓ ચકનાચૂર થઇ ગયા હતા.ગઇ કાલે કલ્પેશને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેની જિંદગી બચાવી શકાય નહોતી.
કોલેજના આચાર્ય દેવાંગ પારેખે મીડિયા સાથેની વાતચીતમા કહ્યું હતું કે, કલ્પેશ અમારી કોલેજમાં છેલ્લાં 4 વર્ષથી આર્કિટેક્ટરનો અભ્યાસ કરતો હતો. તેનું આ છેલ્લું વર્ષ હતું. આચાર્યએ જણાવ્યું કે કલ્પેશને એસીડીટી જેવું લાગતું હતું, એટલે તે સોડા પીવા ગયો હતો. એ વખતે તેને છાતીમાં દુખાવો ઉપડ્યો અને કલ્પેશે તેના મિત્રને ફોન કરીને બોલાવ્યો હતો. એ પછી 108માં કલ્પેશને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ કલ્પેશનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.
જાણવા મળેલી વિગત મુજબ સુરત જિલ્લાના બારડોલીમાં રહેતો કલ્પેશ પ્રજાપતિ એક સામાન્ય પરિવારમાંથી આવતો હતો અને પરિવારના સપના હતા કે તેમનો એકનો એક દીકરો એન્જિનયરીંગનો અભ્યાસ કરીને તેની જિંદગીમાં સેટલ થાય. કલ્પેશને એક મોટી બહેન છે, પરંતુ પરિવારનો તે એક નો એક દીકરો હતો. જ્યારે પુત્રના હાર્ટએટેકથી અવસાનના સમાચાર માતા-પિતાએ જાણ્યા ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. માતાના આક્રંદને કારણે આજુબાજુના લોકોમાં પણ ગમીગીની છવાઇ ગઇ હતી.
આ એક મોટો ચિંતાનો વિષય છે, ગુજરાતમાં આપણે છેલ્લાં કેટલાંક સમયથી જોઇ રહ્યા છીએ કે કિક્રેટ રમતા, લગ્નમાં નાચતા નાચતા કે અચાનક રસ્તામાં હાર્ટ એટેકની કારણે સાવ યુવાન વયના લોકો મોતને ભેટી રહ્યા છે. તાજેતરમાં કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને સવાલ પુછવામાં આવ્યો હતો કે, શું વેક્સીનને કારણે યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધી રહ્યું છે? તેમણે એ વાતનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે, હાર્ટએટેકના વધી રહેલા પ્રમાણને જોતા એક સ્ટડી હાથ ધરવામાં આવી રહ્યો છે,જેનો રિપોર્ટ ટુંક સમયમાં સામે આવશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp