બીટનું જ્યૂસ કસરત પછી લાગતો થાક ઘટાડે છે

17 Sep, 2017
06:31 AM
PC: doctoroz.com

જીમમાં કસરત કર્યા બાદ અથવાતો એકાદ કલાક ઘેર યોગાભ્યાસ કર્યા બાદ જો થાક લાગતો હોય તો હવે પ્રોટીનની ચોકલેટ ખાવાનું છોડી દેવાનો સમય આવી ગયો છે કારણકે આપણને મળી ગયું છે થાક ઉતારવાનો એક કુદરતી ઉપાય. આ ઉપાયનું નામ છે બીટ! અત્યારસુધીના સર્વેક્ષણમાં એવું સાબિત થયું હતું કે બીટ એ શરીર અને મગજની સુખાકારી માટે શ્રેષ્ઠ છે, પરંતુ એક નવા સર્વેક્ષણ અનુસાર બીટ એ કસરત કર્યા પછી લાગતો થાક ઘટાડવામાં પણ એટલીજ મદદ કરે છે.

યુનિવર્સીટી ઓફ નોર્થમબ્રિયાના વૈજ્ઞાનિકોએ શારીરિકરીતે એક્ટીવ એવા 30 પુરુષો જેમની ઉંમર 18 અને 28 વર્ષ વચ્ચેની હતી અને અઠવાડિયામાં બે વખત કસરત કરતા હતા તેમના પર આ રીસર્ચ કર્યું હતું. આ તમામને પોતાના પગ પર ભાર આવે એ રીતે સતત 100 વખત ઝડપથી કુદકા મારવાની કસરત કરવાનું કહેવામાં આવ્યું હતું.

આ તમામને આગલા ત્રણ દિવસ સુધી ઉપર જણાવ્યા અનુસાર સઘન કસરત કર્યા બાદ 200 મીલી બીટરૂટ જ્યૂસ અથવાતો 125 મીલી બીટરૂટ જ્યૂસ અને પ્લેસબો નામની એક દવા લેવાનું કહેવામાં આવ્યું હતું. આ સંશોધન કરનાર ટીમના લીડર ડોક્ટર ટોમ ક્લીફર્ડના કહેવા અનુસાર ત્રણ દિવસ સતત આ પ્રમાણે માત્ર બીટરૂટ જ્યૂસ લેનારા વ્યક્તિઓના મસલ્સને થાકમાંથી તુરંત રાહત થતી જોવા મળી હતી જે બીટરૂટ અને પ્લેસબો દવા બંને લેનાર વ્યક્તિઓ કરતા 18% ઝડપી હતી.

ડોક્ટરનું કહેવું છે કે જે વ્યકિતને કસરત કરવા માટે ઓછો સમય મળતો હોય તેના માટે કસરત કર્યા બાદ બીટનો જ્યૂસ પીવો સલાહભર્યું રહેશે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.