એરપોર્ટ પર કોરોના સેમ્પલ લેવાય છે પણ રિપોર્ટ યાત્રીઓને પહોંચાડાતો નથી!

PC: Khabarchhe.com

(રાજા શેખ) સુરત એરપોર્ટ પર આવતી ફ્લાઈટોમાં આવતા યાત્રીઓના અહીં પણ ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ સુરત મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવે છે. પાલિકાએ આ કામ વિવિધ ખાનગી લેબ એજન્સીને સોંપ્યું છે અને તે માટે સ્થળ પર જ યાત્રી પાસે રૂ. 800 વસૂલી લેવામાં આવે છે. જોકે, આશ્ચર્યજનક રીતે એક પણ યાત્રીને તેનો કોરોના રિપોર્ટ શું આવ્યો તે અંગે સંબંધિત ખાનગી લેબ એજન્સી દ્વારા જાણ કરવામાં આવતી નથી!! ઘણાં જાગૃત નાગરિકો જાતે લેબનો સંપર્ક કરીને પોતાનો રિપોર્ટ જાણી રહ્યાં છે કે મંગાવી રહ્યાં છે પરંતુ મહાનગર પાલિકા, લેબ કે એરપોર્ટ ઓથોરિટી તે સંબંધિત યાત્રીને જણાવવાની તસ્દી લેતુ નથી.

આ મામલે હાલમાં જ શારજહાંથી સુરત આવેલા એક આખા ગ્રુપને પણ આવો જ અનુભવ થતા આખી વાત બહાર આવી. આ ગ્રુપના આરટીપીસીઆરના સેમ્પલ રાત્રિએ ફ્લાઈટ આવ્યા બાદ નાકોડા ડાયગ્નોસીસ નામની લેબ દ્વારા લેવામાં આવ્યા હતા અને ભરાવડાવાયેલા ફોર્મમાં મેઈલ આઈડી તેમજ મોબાઈલ નંબર લેવામાં આવ્યા હતા. સ્થળ પરથી લેબના કર્મચારીઓએ જણાવ્યું હતું કે તમને રિપોર્ટ મેઈલ કરી દેવાશે અથવા મોબાઈલ પર વોટ્સએપ થકી કે એસએમએસ થકી જાણકારી આપી દેવાશે કે તમે નેગેટિવ છો કે પોઝિટિવ પરંતુ તેવું ન થયું. આખરે આ જાગૃત ગ્રુપે નાકોડા લેબમાં કોલ કર્યો અને પોતાનો રિપોર્ટ શું છે તે જાણકારી ફ્લાઈટ આવ્યાને ત્રીજા-ચોથા દિવસે માંગી. સદ્નનસીબે બધા નેગેટિવ જ હતા.

આ અંગે અમે નાકોડા લેબમાં કોલ કર્યો અને કારણ જાણ્યું તો તેઓએ કહ્યું કે, અમે મનપાના આદેશ મુજબ તમામ રિપોર્ટ સુરત એરપોર્ટ ઓથોરિટીની મોકલી આપીએ છીએ અને ત્યાંથી જાણકારી આપવામાં આવે છે. જોકે, અમે સુરત એરપોર્ટના મેનેજર શ્રીકાંતને કોલ કરતા તેમણે કહ્યું કે , અમે આ રિપોર્ટ સુરત મહાનગર પાલિકાને મોકલી આપીએ છીએ અને તેમના થકી જ યાત્રીઓને જાણ કરવામાં આવે છે. અગર કોઈ યાત્રી પોઝિટિવ હોય તો તેને ક્વોરેન્ટાઈન કરી સારવાર શરૂ કરવામાં આવે છે. એરપોર્ટ પર ઉતરતા તમામ યાત્રીઓને સાત દિવસ હાેમ ક્વોરેન્ટાઈનના સિક્કા પણ હાથ પર મારવામાં આવે છે. આ મામલે મનપાના આરોગ્ય અધિકારીઓનો સંપર્ક કરવાની અમારા દ્વારા વારંવાર કોશિશ કરાય પણ તેઓનો સંપર્ક થઈ શક્યો નહીં.

નોંધનીય છે કે, જે દેશોમાં ફ્લાઈટ શરુ છે અથવા અન્ય પ્રદેશોમાં યાત્રીઓએએ ફરજિયાત આરટીપીસીઆર નેગેટિવ હોય તો જ યાત્રા કરવાની ફલાઈટમાં મંજૂરી છે અને પરત ફરતા પણ ફરી 72 કલાક પહેલાનો આરટીપીસીઆર નેગેટિવ હોવો જોઈએ. તમામ જગ્યા પર ફરીથી આરટીપીસીઆર કરવામાં આવે છે અને બીજા દિવસે યાત્રીના મોબાઈલ પર તે નેગેટિવ છે કે પોઝિટિવ તે મેસેજ આવી જાય છે. અગર પોઝિટિવ હોય તો સંબંધિત પ્રદેશ કે દેશમાં જ તેની સારવાર શરૂ થાય છે. સુરત મહાનગર પાલિકા સિસ્ટમ તો કડકાઈથી ફોલો કરાવે છે પરંતુ રૂ.800 ભરવા છતા યાત્રીઓને રિપોર્ટની જાણકારી આપતી નથી તે જરૂર શંકાના દાયરામાં લાવે છે. યાત્રીઓ શંકા પણ કરી રહ્યાં છે કે માત્ર ખાનગી લેબ એજન્સીને કમાણી કરાવી આપવા માટે સેમ્પલ લેવાય રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp