દરરોજ શારીરિક સ્પર્શ તમારા માટે કેમ જરૂરી છે?

PC: websitebuilder.prositehosting.co.uk

સામાન્ય સંજોગોમાં લોકો સાથેના વહેવારમાં આપણે સ્પર્શ કરતાં આંખ અને કાનનો વધુ ઉપયોગ કરતાં હોઇએ છીએ, પરંતુ માણસ માટે શારીરિક હૂંફ પણ એટલી જ જરૂરી છે. સ્પર્શથી બે માણસો એકબીજા વચ્ચેનો સંબંધ અનુભવી શકે છે. બાળકના વિકાસમાં માતાપિતાનો સ્પર્શ જરૂરી હોય છે. શારીરિક સ્પર્શથી જે હૂંફ અને લાગણીનો અનુભવ કરી શકાય છે એ દૂર રહીને કંઇ પણ બોલવાથી નથી કરી શકાતો. આ બાબતમાં વિખ્યાત માનસશાસ્ત્રી હેરી હાર્લોએ વાંદરાના બચ્ચાં પર કરેલો એક પ્રયોગ બહુ જ પ્રચલીત બન્યો છે. વાંદરાના બચ્ચાંને થોડા દિવસ માટે ખોરાક અને માતાના શારીરિક સ્પર્શ બંનેથી વંચિત રાખવામાં આવ્યા અને પછી એમને ખોરાક અને શારીરિક સ્પર્શ એમાંથી એકની પસંદગી કરવાની તક આપવામાં આવી તો બચ્ચાંએ માતાનો સ્પર્શ પસંદ કર્યો. માણસો માટે દરરોજ શારીરિક સ્પર્શ શા માટે જરૂરી છે એના પાંચ કારણો આ રહ્યા.

1. સ્પર્શથી કોમ્યુનિકેશન વધુ અસરકારક બને છે
માણસ સામાજીક પ્રાણી છે એટલે એ અન્ય માણસ સાથે એ સતત કોમ્યુનિકેટ કરતો રહે છે. કોમ્યુનિકેશન મોટે ભાગે શબ્દોથી થતું હોય છે, પરંતુ ક્યારેક એમાં સ્પર્શ જરૂરી બની જાય છે. બે વ્યક્તિઓ વચ્ચેના કોમ્યુનિકેશન માટે સ્પર્શ જરૂરી છે. તમે જ્યારે અન્ય વ્યક્તિ સાથે કોઇ ખાસ વાત કરો, એની સાથે મજાક કરો કે કોઇ લાગણીસભર વાત કરો ત્યારે એને સ્પર્શ કરીને એમ કરતા હોવ છો, કારણ કે સ્પર્શ દ્વારા તમે વધુ સારી રીતે કોમ્યુનિકેટ કરી શકતા હોવ છો. પોતાનાથી નાની ઉંમરની વ્યક્તિ પર હેત વરસાવવા માટે કે પ્રિયજનને પ્રેમનો અહેસાસ અપાવવા માટે પણ સ્પર્શ જરૂર બની જતો હોય છે.

2. લાગણીની અભિવ્યક્તિ માટે જરૂરી
લાગણીનું આદાનપ્રદાન કરવા માટે સ્પર્શ એકદમ જરૂરી છે. આપણે જ્યારે કોઇ ડર કે આશ્ચર્ય અનુભવીએ ત્યારે શરીરમાં એક પ્રકારની સંવેદના અનુભવતા હોઇએ છીએ અને સમયે કોઇનો સ્પર્શ આપણને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થતો હોય છે. યાદ કરો જ્યારે તમે તમારા પ્રિયજન સાથે ગાર્ડનમાં કે હોટલમાં કલાકો સુધી બેઠા હતા. શું તમે ફક્ત વાતો જ કરી હતી? ઘૂંટણ પર પ્રિયત્તમના હાથનો એ સ્પર્શ અને એ ઝણઝણાટી હજુ પણ તમને યાદ હશે. જો આવું કંઇ નહીં બન્યું હોય તો તમે ચોક્કસ એવી લાગણી અનુભવી હશે કે એને તમારામાં બહુ રસ નથી. હવે તો વર્ચ્યુઅલ રિયાલિટીની ટેકનોલોજી દ્વારા પણ દૂર રહીને સ્પર્શ જેવી અનુભૂતી કરી શકાય એવી ડિવાઇસની શોધ થઇ રહી છે.

3. કોઇની પાસે કામ કરાવવા માટે પણ સ્પર્શ જરૂરી બને છે
ક્યારેક તમારું કામ કરાવવા માટે પણ સ્પર્શ જરૂરી બની જાય છે. તમે જ્યારે કોઇને આદેશ કે સૂચના આપો ત્યારે શબ્દોથી આપતા હોવ છો, પરંતુ જ્યારે એમાં હળવો સ્પર્શ ઉમેરાય ત્યારે એની અસર વધુ ઘેરી બને છે. ક્યારેક તમે કોઇની સાથે મહત્ત્વની વાત કરતાં પહેલા એના હાથનો સ્પર્શ કરતા હોવ છો. આ રીતે તમે ફક્ત એટલું જ કહેવા માંગતા હોવ છો કે મારી તરફ જો, હું કહું છું એ ધ્યાનથી સાંભળ.

4. પોઝિટિવ એનર્જીની આપ-લે કરવા માટે સ્પર્શ જરૂરી
તમારા સ્પર્શમાં બહુ તાકાત હોય છે. એના દ્વારા તમે તમારી પોઝિટિવ એનર્જી અન્ય વ્યક્તિમાં ટ્રાન્સફર કરી શકો છો. જ્યારે તમે કોઇને આશ્વાસન આપી રહ્યા હોવ અથવા એને હિંમત આપી રહ્યા હોવ ત્યારે તમે એના ખભા પર હાથ રાખીને કે એની પીઠ થબથબાવીને એનામાં તમારી પોઝિટિવ એનર્જી ઊતારવાની કોશિષ કરતાં હોવ છો.

5. સ્પર્શનો એક થેરાપી તરીકે ઉપયોગ થઇ શકે છે
શારીરિક તકલીફો દૂર કરવા માટે એક્યુપ્રેશર અને મસાજ જેવી થેરાપીનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. આ પ્રકારના સ્પર્શથી શરીરના સ્નાયુઓ મજબૂત બને છે. થેરપિક સ્પર્શથી ફક્ત શારીરિક જ નહી, માનસિક રોગની સારવાર પણ થતી હોય છે. માનસિક આઘાત પામેલા કે અન્ય કોઇ દુઃખદ અનુભવમાંથી પસાર થઇ ચુકેલા લોકોને માનસ ચિકિત્સકો થેરપિક સ્પર્શ દ્વારા સાજા કરતાં હોય છે. સ્વજનોનો સ્પર્શ ઘણીવાર આપણા દુઃખ દર્દ ભૂલાવી દેતો હોય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp