વિશ્વ દૃષ્ટિ દિનઃ લોક દૃષ્ટિ ચક્ષુ બેંકમાં 26 વર્ષમાં 41888 ચક્ષુઓનું દાન આવ્યું

PC: khabarchhe.com

જીવનમાં શરીરનો દરેક ભાગ ઉપયોગી છે, પરંતુ બીજા કોઈપણ અંગો કરતાં આંખનું મૂલ્ય ઘણું વધારે છે. તેથી આંખોની જાળવણી, ચક્ષુ રોગોની રોકથામ અને તેની સારવાર અંગે જાગૃતિ લાવવા વિશ્વભરમાં ઑક્ટોબરના બીજા ગુરૂવારે દૃષ્ટિ દિનની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ દૃષ્ટિ દિને કોઈના અંધારાને ઉલેચીને એક નવી આશાનું કિરણ બનીએ., સૃષ્ટિ છોડ્યા બાદ પણ ફરી એકવાર બીજાની નજરે વિશ્વને માણીએ. જીવનના સફરને અલવિદા કહ્યા બાદ પણ ચાલો કોઈ અજાણ્યાના જીવનને સદૈવ રોશની થકી ઉજાગર કરીએ. ચાલો વિશ્વ દૃષ્ટિ દિનના અવસરે ચક્ષુદાન કરવાનો સંકલ્પ કરીએ. છેલ્લા 26 વર્ષથી આવા જ ઉમદા સંકલ્પને સિદ્ધ કરી 41,888 ચક્ષુઓનું દાન મેળવીને સુરતની લોક દૃષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લોક દૃષ્ટિ ચક્ષુ બેંકે પ્રજ્ઞાચક્ષુના જીવનમાં નવો ઉજાસ ફેલાવ્યો છે. સંસ્થા પ્રતિદિન 2 થી 3 અને માસિક 70 થી 90 ચક્ષુદાન પ્રાપ્ત કરે છે.

લોક દૃષ્ટિ ચક્ષુ બેંકના સ્થાપક ચેરમેન તેમજ સુરત જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ ડૉ.પ્રફુલ શિરોયા સંસ્થાને સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યાં છે. સંસ્થાની સ્થાપનાની પ્રેરણા વિષે તેઓ જણાવે છે કે, વર્ષ 1994-95 દરમિયાન આદિવાસી વિસ્તારોમાં રહેતાં લોકોને જ્યારે દૃષ્ટિમાં ખામી જણાતી, આંખોની સમસ્યા ઉદ્દભવતી ત્યારે તેઓ ઘરેલું ઉપચાર થકી સારવાર લેતા, જેના કારણે તેમની આંખોને વધુ નુકસાન પહોંચતું અને છેવટે તેમને આંખોની દૃષ્ટિ નબળી પડવા સાથે આંખો ગુમાવવાનો પણ વારો આવતો હતો. આવા બનાવોએ મને લોક દૃષ્ટિ ચક્ષુ બેંક શરૂ કરવા પ્રેરિત કર્યો. આખરે વર્ષ 1995માં મેં આ સંસ્થા શરૂ કરી જેના શરૂઆતના 3 થી 4 મહિનાના સમયગાળામાં મને લોકોનો નહિવત પ્રતિસાદ મળ્યો, જેનું મુખ્ય કારણ હતું લોકોમાં ચક્ષુદાનની જાગૃતતાનો અભાવ. આજે લોકજાગૃત્તિ વધવાના કારણે આજે પ્રતિદિન 2 થી 3 અને માસિક 70 થી 90 ચક્ષુદાન મેળવીએ છીએ અને દૃષ્ટિના જરૂરિયાતમંદ લોકોને આંખોની રોશની મળે એ માટે ફાળવવામાં આવે છે.

મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વતની પ્રફુલ વધુમાં જણાવે છે કે, વિટામીન-એ ડેફીશ્યન્સી, આંખમાં ઈજા અથવા કેમિકલના કારણે તેમજ મોતીબિંદુના ઓપરેશન બાદ દૃષ્ટિહીન લોકોને ચક્ષુદાન થકી નવી દૃષ્ટિ આપી શકાય છે. સંસ્થામાં 21 ટ્રસ્ટીઓ સેવાભાવના સાથે કાર્યરત છે. જેમાં ચક્ષુદાન ઉપરાંત દેહદાન, મેડિકલ કેમ્પો તેમજ વિધવા બહેનો, નિરાધાર વૃદ્ધો-બાળકોનું વિનામૂલ્યે આંખોનું ચેક-અપ, મોતિયા બિંદુની સારવાર અને ચશ્માનું વિતરણ કરવામાં આવે છે. આજનો યુવાવર્ગ શિક્ષણ, ખેલકૂદ, ટેકનોલોજીના ક્ષેત્રમાં નામના મેળવી રહ્યાં છે, ત્યારે તેઓ ચક્ષુદાન પ્રત્યે પણ જનજાગૃત્તિ માટે સંકલ્પબદ્ધ બની કાર્ય કરે એ ખુબ જરૂરી છે, જેથી વધુમાં વધુ લોકો ચક્ષુદાન પ્રત્યે જાગૃત બને અને કોઈકના જીવનના અંધકારને અજવાળામાં પરિવર્તિત થવામાં નિમિત્ત બને એમ પ્રફુલભાઇએ ઉમેર્યું હતું.

મૃત્યુ પછી ચક્ષુદાન કરવાંથી અંધજનને દૃષ્ટિ મળે છે. તેથી દરેક વ્યક્તિ, મૃતકના પરિવારજનોએ ચક્ષુદાન કરવા અને મૃત્યુ બાદ આંખો લેવા માટે સ્થાનિક ડૉક્ટરો- સેવાભાવી સંસ્થાનો સંપર્ક કરવો જોઈએ એમ તેઓ જણાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp