દીકરા-દીકરીને વિદેશ મોકલવા એ મારી ભૂલ હતીઃ અનિલ નાયક, ગ્રુપ ચેરમેન, એલ એન્ડ ટી

PC: khabarchhe.com

ગુજરાતમાંથી સંખ્યાબંધ વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જાય છે. ખાસ કરીને ઉચ્ચ મધ્યમ અને ઉચ્ચવર્ગમાં તો આ ટ્રેન્ડ જ બની ગયો હોય તેમ લાગે છે. જોકે, ગુજરાતની સરકારી શાળામાં ભણ્યા પછી, ગુજરાતની જ કોલેજમાંથી એન્જિનિયરીંગ કરી એલ એન્ડ ટી જેવી વિશાળ કંપનીના ગ્રુપ ચેરમેન અનિલ નાયક કહે છે કે આપણે સંતાનોને વિદેશ મોકલવા જોઇએ નહીં.

રવિવારે યોજાયેલા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પદગ્રહણ સમારોહમાં અતિથિ વિશેષ પદે હાજર રહેલા એલ એન્ડ ટીના ગ્રુપ ચેરમેન અનિલ નાયકે કહ્યું હતું કે મારી પાસે ઘણા લોકો સલાહ લેવા આવે છે. હું તેમને પહેલા જ કહી દઉં છું કે વિદેશ જવાની સલાહ લેવા આવ્યા હો તો હું નહીં આપી શકું. ચા પીઓ અને કોઇ બીજી વાત કરવી હોય તો કરો. કારણ કે હું માનું છે કે આપના દેશમાં ઘણી તકો છે. ઘણું કરી શકાય છે. હું આણંદની ઇજનેરી કોલેજમાં ભણતો હતો ત્યારે એલ એન્ડ ટીમાં નોકરી કરવાનું સપનું હતું. જોકે, ત્યારે આઇઆઇટી પાસ કરેલા હોય તેમને જ અહીં નોકરી મળતી હતી. જોકે, મારૂં નસીબ સારૂં કે મને નોકરી મળી. પરંતુ ત્યાર પછી મેં આઇઆઇટી કરીને આવેલા કે વિદેશ ભણીને આવેલા લોકોને પણ પાછળ મૂકી દીધા. એટલે જીવનમાં ધગશ અને કમિટમેન્ટ હોય તો કંઇ પણ કરી શકાય છે. મારો જન્મ સુરતમાં થયો. ગામ મારૂં નવસારી નજીક છે. મારે સફળતા મેળવવા વિદેશ જવાની જરૂર નથી પડી.

જોકે, તેમનો પુત્ર અને પુત્રી વિદેશમાં જ છે. તેમણે આ અંગે કહ્યું કે દીકરી તો હવે પોતાની કહેવાય નહીં પરંતુ પુત્ર તો પાછો આવશે. નાયકે કહ્યું કે તેમને વિદેશ મોકલવાએ મારી ભૂલ હતી.
હાલ કેન્દ્ર સરકારના સ્કીલ ડેવલપેન્ટ પ્રોગ્રામના ચેરમેન અનિલ નાયકે કહ્યું કે જર્મનીમાં યુવાનો પાસે ડિગ્રી હોય કે નહીં પરંતુ તેમનામાં સ્કીલ હોય છે. તે કોઇપણ દેશના મેનેજર કરતા વધુ સ્કીલ ધરાવે છે. એટલે આપણા યુવાનોને પણ સ્કીલની તાલીમ આપવી જરૂરી છે.

તેમણે એમ પણ કહ્યું કે હવે ગામડાઓના વિકાસ પર ધ્યાન આપવું જરૂરી છે. નવસારી નજીક એંધલ ખાતે મારા ગામમાં વર્ષમાં 3 વાર જાઉં છું. આખું ગામ ખાલી થઇ ગયું છે. યુવાનો શહેર તરફ વળ્યા છે. ગામમાં 70 વર્ષની ઊંમરના જ લોકો જોવા મળે છે એટલે કે ગામની સરેરાશ ઊંમર 70 વર્ષની છે. આજે ગામની હાલત એવી છે કે કોઇ માણસ મરી જાય તો ચાર ખાંધિયા પણ મળે તેમ નથી. એટલે મે નક્કી કર્યું કે મારે શહેરની ઇકોનોમી હવે ગામમાં લાવવી છે જો ગામની ઇકોનોમી સુધરશે ગામની સરેરાશ ઊંમર 40ની થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp