26th January selfie contest

અમદાવાદથી પસાર થયા પછી સાબરમતીનો રંગ લીલો અને પાણી સી ગ્રેડનું થઇ જાય છે

PC: youtube.com

ગુજરાતના આર્થિક પાટનગર અને જાગૃત શહેર અમદાવાદના લોકો દ્વારા સાબરમતી નદીમાં દરરોજનું 12.50 કરોડ લીટર ગંદુ પાણી જેમનું તેમ જ છોડી દેવામાં આવી રહ્યું છે, જેના કારણે ખંભાતનો અખાત પ્રદૂષિત થાય છે. અમદાવાદથી ખંભાત સુધીના 24 ગામોની જમીનમાં પ્રદૂષણ આવી ગયું છે. આ માટે જો કોઈ જવાબદાર હોય તો અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) છે, જે ગંદું પાણી અન-ટ્રીટેડ ઠાલવી દે છે.

કેગના વર્ષ 2017ના અહેવાલ મુજબ 8 મહાનગરપાલિકાઓ પૈકી 3 પાસે ઘન કચરા પર પ્રક્રિયા કરીને તેનો નિકાલ કરવાની કોઈ સુવિધા નથી અને 4 મહાનગરપાલિકાઓ પાસે ઘનકચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની કોઈ સુવિધા નથી.

159 નગરપાલિકાઓ પૈકી 155 નગરપાલિકાઓમાં ઘન કચરાનું પૃથ્‍થકરણ (અલગ) કરવામાં આવતો નથી. કોઈ પણ નગરપાલિકાઓમાં ગંદા પાણીના શુધ્‍ધીકરણની સુવિધા નથી. 6 નગરપાલિકાઓમાં ગટર નથી.

ગુજરાતમાં પાણી પ્રદૂષણ નિયંત્રણ ધારો, હવા પ્રદુષણ નિયંત્રણ ધારો અને પર્યાવરણ સંરક્ષણ ધારાનો મહંદઅંશે અમલ થતો નથી. જેનો ભોગ ગુજરાતના નાગરિકો બની રહ્યાં છે. એમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું. જળ, વાયુ પરિવર્તન-ક્લાઈમેટ ચેન્જના નામે મોટી મોટી વાતો કરનારી ગુજરાત અને કેન્દ્ર સરકાર વિકાસના નામે માનવજીંદગી માટે ચેડાં કરી રહી છે. ભારે માત્રામાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો માટે રેડ કાર્પેટ પાથરી રહ્યી છે.

GPCBના 2015-16ના અહેવાલ મુજબ સાબરમતી નદીના પાણીની ગુણવત્તા જાહેર કરેલ છે તે મુજબ સાબરમતી નદી અમદાવાદ શહેરમાં પ્રવેશે તે પહેલાં હાંસોલ બ્રિજ ખાતે BODની માત્રા 2.6 છે અને CODની માત્રા 23 છે. સાબરમતીનું પાણી હાંસોલથી અમદાવાદ શહેર પાસ થઇ અને મિરોલી ગામ પહોંચી ત્યારે BOD 2.6 માંથી 47.05 અને CODની માત્રા 23થી વધીને 170 થઇ જાય છે એટલે કે BOD 19 ગણો વધારો થાય છે અને CODની માત્રામાં 7.5 ગણો વધારો થાય છે. આ વધારાને કારણે સાબરમતી નદી હાંસોલ બ્રિજ ખાતે પાણીની ગુણવત્તા બી ગ્રેડ અને પાણીનો રંગ આછો વાદળી હોય છે તે મિરોલી ગામ અને વૌઠા ખાતે પહોંચતા પાણીની ગુણવત્તા્ સી ગ્રેડ અને રંગ લીલો થઇ જાય છે.

નરોડાથી લઇને સાબરમતી સુધીની 27 કિ.મી. લાંબી મેગા પાઈપલાઈન એએમસી દ્વારા નાંખવામાં આવી છે જેનો ઉપયોગ માત્ર ઈન્ડસ્ટ્રીયલ એફલ્યુએન્ટ માટે જ કરવાનો હતો પરંતુ તેમાં ઘણા ડોમેસ્ટીક જોડાણો પણ અપાયા છે. આ લાઈનમાં વારંવાર ઓવરફલો તથા ભંગાણ થવાના કારણો માટે ઈન્ડસ્ટ્રીઝ અને અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન બંને જવાબદાર છે. ઓઢવ મેગા લાઈનમાં તો એફલ્યુએન્ટ નોર્મ્સમાં આવે છે પરંતુ એએમસીની ડોમેસ્ટીક તથા સ્ટોર્મ વોટર ડ્રેઈન ઉપયોગ ત્યાંની કંપનીઓ પોતાનું એફલ્યુએન્ટ છોડવામાં કરે છે તેવાં ઘણાં રીપોર્ટ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં થયા હોવા છતાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કેમ કોઇ નક્કર પગલાં લેવામાં આવતા નથી. સાબરમતી નદીમાં દરરોજનું 125 એમએલડી એટલે કે 12.5 કરોડ લીટર અન-ટ્રીટેડ પાણી ઠલવાતા પ્રદુષિત થાય છે.

CEPT નદીમાં ગંદુ પાણી COD

નરોડા 30 6000

ઓઢવ 15 600

વટવા 200 1,00,000

નારોલ 1250 1,25,000

અમપા 10,000 40 લાખ

(પાણી લાખ લિટરમાં છે)

સાબરમતી નદીને પ્રદુષિત થતી અટકાવવા માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઇ પગલાં લેવામાં આવતા નથી. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારી રીતરસમોથી માનવ જિંદગી સાથે ચેડાં કરી લાખો નાગરિકોના જીવન સાથે રમત કરી રહ્યું છે. કુદરતી નદીઓનું પાણી પ્રદુષિત થાય છે પરિણામે પીવાલાયક પણ રહેતું નથી.

સુંદર રિવરફ્ટની નીચે નરક

2014 - અમદાવાદના રિવરફ્રન્ટને શોભાવનારી સાબરમતી નદી દેશની ત્રીજા નંબરની પ્રદુષિત નદીઓની યાદીમાં સમાવિષ્ટ થઇ છે. સેન્ટ્ર્લ વોટર કમિશનને જાહેર કરેલાં સ્ટેટસ ઓફ ટ્રેસ એન્ડ ટોક્સિન મેટલ ઇન ઇન્ડિયન રિવર - 2014ના રિપોર્ટમાં એવું જાહેર કર્યું છેકે, સાબરમતી નદીના પાણીની ગુણવત્તા બગડી છે કેમ કે, નદીના પાણીમાં લીડ, કોપર અને આયર્ન જેવા ઝેરી રસાયણોની માત્રા નિયત માત્રા કરતાં વધુ છે. આ ઝેરી તત્વોથી મિશ્રિત પાણી શરીર માટે અતિ હાનિકારક છે. સાબરમતી નદીને સાફ કરવાના બદલે ભાજપે તેની આરતી ઉતારવાનું હવે શરૂ કર્યું છે. ઉદ્યોગ અને શહેરનો કચરો ઠાલવવાના કારણે આમ થયું છે. નદીના પાણીમાં આજે ઝેરી રસાયણો મિશ્રિત થતાં તે શરીર માટે પણ જોખમી છે. આમ અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ પરની નદી કોઈ જૂવે તો તેને સ્વર્ગની અનુભૂતિ થાય છે. પણ અમદાવાદ નીચેની નદીને ભાજપના નેતાઓએ નરક બનાવી દીધી છે, કારણ કે અમદાવાદ પર ભાજપની સત્તા 1987થી છે.

28 પ્રકારના દેખીતા રોગ

સેન્ટ્રલ વોટર કમિશને વર્ષ 2011, 2012, 2013માં દેશભરની નદીઓના પાણી ચકાસતાં સાબરમતી નદીના અમવાદાથી નીચેના વિસ્તારમાં કે જ્યાં શહેર અને ઉદ્યોગોનું પાણી ઠાલવવામાં આવે છે તે વિસ્તારથી લઈને વૌઠા અને દેરોલ બ્રિજ પાસેથી પાણીના નમુના લઈને ચકાસાયા હતા. જેમાં કોપર, લીડ અને આયર્નની માત્રા વધુ મળી આવી છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અનુસાર, નદીના પાણીમાં કોપરની માત્રા 0.05 એમજી , લીડની માત્રા 0.01એમજી અને આયર્નની માત્રા 0.3 એમજી હોવી જોઇએ. આ ઝેરી રસાયણો મિશ્રિત પાણીના ઉપયોગથી હૃદય, ફેફસાં, ચામડીના રોગો થઇ શકે છે. માથાનો દુખાવો, સાંધાનો દુખાવો , યાદશક્તિ ઓછી થવી , પેટના રોગો, લિવર- કિડનીને નુકશાન પહોંચાડી શકે છે. નાના બાળકો અને સગર્ભા માટે આવું પાણી ખૂબ નુકશાનકારક સાબિત થઇ શકે છે. આમ 28 પ્રકારના દેખીતા રોગો થાય છે.

20 પ્રદુષિત નદી પૈકી એક

2018, 7 ફેબ્રુઆરી, કેન્દ્રના એક રિપોર્ટ અનુસાર,ગુજરાતની 20 નદીઓ પ્રદુષિત બની છે. તેમાં સાબરમતી નદીનું પાણી વધુને વધુ પ્રદુષિત થઇ રહ્યું છે. અમદાવાદમાં જીઆઇડીસીમાં વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ હોવા છતાંય ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતાં પાણીમાં સીઓડીનું પ્રમાણ નોંધપાત્ર માત્રામાં રહેલું હોય છે. જે નદીના પાણીને પ્રદુષિત બનાવે છે. અમદાવાદમાં નરોડાથી સાબરમતી સુધી 27 કીમી લાંબી મેગા પાઇપલાઇન માત્ર ઇન્ડસ્ટ્રીયલ એફલ્યુએન્ટ માટે કરવાનો હતો પણ તેમ અમપા દ્વારા ઘર વપરાશના ગટરના જોડાણો આપવામાં આવ્યા છે. વટવા અને ઓઢવના ઉદ્યોગો દ્વારા પણ અનટ્રિટેડ પાણી છોડવામાં આવી રહ્યુ છે. નરોડામાંથી રોજ 30 લાખ લિટર, ઓઢવમાંથી 15 લાખ લિટર, વટવામાં 200 લાખ લિટર અને નારોલમાંથી 1250 લાખ લિટર પાણી અનટ્રિટેડ છોડવામાં આવે છે. GPCB અને રાજકારણીઓને લાખો રૂપિયા તેના પેટે ઉદ્યોગો લાંચ રૂપે ચૂકવે છે.

કેમિકલ નદી

2014, 10 મે, આમ આદમી પાર્ટી દ્વારા પીપળી ગામે સાબરમતી નદીના પટમાં ફેક્ટરીનું ઝેરી ગેસ વાળું કેમિકલ છોડવામાં આવતું હોવાનું શોધી કાઢવામાં આવ્યું હતું. ઝેરી ગેસના કારણે સોનું અને ચાંદી જેવી ધાતુઓ કાળી પડવા લાગી છે. પાણી પીવાના કારણે ગાયો અને ભેંસો મરી જાય છે. સરોડા ગામ ખાતે વીસથી પચ્ચીસ વર્ષથી સાબરમતી નદીમાં કેમિકલ વાળું આવે છે. જેથી ખેતીના પાકને ખુબ નુકશાન થઈ ગયું છે. ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ધ્વારા પાણીનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. અધિકારીઓ અને ફેકટરીઓના માલિક એક થઇ જતા કોઈ નિવારણ આવ્યું નથી. વૌઠા સાબરમતી નદી સહિત કુલ સાત નદીઓના સંગમ થાય છે. દુર્ગંધ મારતું કેમિકલ યુક્ત પાણી લગભગ 25 વર્ષથી પણ વધુ સમયથી આવે છે સરકારને આખા ગામે રજૂઆત કરી છે, પણ સરકારી કોઈ અધિકારી સંભાળવા તૈયાર નથી. માણસોને ચામડીના રોગો થાય છે. ઢોર પાણી પીવે છે, તેઓ કોઈ રોગથી મૃત્યુ પામે છે. કેમિકલ વાળા પાણીની અસર ઢોરોના દુધમાં પણ જોવા મળે છે. સહીજ રસિકપુરા ગામના પશુઓને જીવ ખોવો પડ્યો છે. બાકરોલ ગામમાં કેમિકલ યુક્ત પાણી ધ્વારા ખેતીનો ગંભીર મુદ્દો જોવા મળ્યો હતો. ઘઉં, ડાંગર અને શાકભાજીની ખેતીમાં કેમિકલ યુક્ત પાણી જ ઉપયોગમાં લેવું પડે છે. કેમિકલ યુક્ત પાણીથી થતી ખેતીનું અનાજ ખાવાથી લોકોના સ્વાસ્થ્યને અસર થતી હશે. વણઝાર, કમોડ, મીરોલી, ગામમાં પાણીમાંથી કેમિકલની દુર્ગંધ મારે છે. કેમિકલ વાળું પાણી છે જે વટવા, નારોલ જી.આઈ.ડી.સી માંથી છોડવામાં આવે છે. નવાગામ ગામાં પાણી નહિ પણ રીતસર કેમીકલ જ નિકળે છે. આ ગામના લોકોએ સાબરમતી નદીને નવું નામ "કેમિકલ નદી" આપ્યું છે. અહીં શ્વાસ લેવો પણ મુશ્કિલ હોય છે. જમીન બિન-ઉપજાઉ બની છે.

નદીના કિનારે આવેલા ગામોના પાણી પીવાલાયક નથી

જમીનના અંદરના પાણી પણ પીવાલાયક રહ્યા નથી. પાણીની જગ્યાએ કલરવાળા પાણી જમીનમાંથી નીકળી રહ્યા છે. પાણી પીવાથી પાણીજન્ય અને ચામડી, હાડકાના રોગો થાય છે. ધોળકા તાલુકાનું સાથળગામ મુખ્ય કહી શકાય. ગામના ટયુબવેલના પાણીના નમુના ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ળઈને લેબોરેટરીમાં ચકાસતાં અહેવાલ આવેલો છે કે, પાણી પીવું નહીં. તીવ્ર દુર્ગંધવાળુ ઘાટા કાળા રંગનું હોય છે. વાસ્મોના અહેવાલ પ્રમાણે પાણી પીવાલાયક કે વાપરવા લાયક નથી અને ગામમાં ચામડીના રોગમાં ખંજવાળ, ગુમડા જેવા અન્ય ચામડીજન્ય રોગો થાય છે. વટામણગામ શાકભાજીની ખેતી કરે છે. જે પ્રદુષિત પાણીથી થાય છે અને આખું અમદાવાદ તે શાક ખાય છે. આવા શાકભાજીથી કેન્સર થવાનો ભય છે. 2001ના ધરતીકંપમાં ગેસ તથા કાળા પાણીના ફૂવારા અહીં નિકળ્યા હતા.

વાસ્મોનો અહેવાલ

સરકારી સંસ્થા વાસ્મોના અહેવાલ પ્રમાણે અમદાવાદથી ખંભાતના અખાત સુધીનું સાબરમતીનું પાણી પીવાલાયક નથી. આમ છતાં કિનારા મોટાભાગના ગામો તે પાણી પીવે છે. ફરજીયાત આવા ગંદા પાણીનો ઉપયોગ પીવામાં, નહાવામાં, રાંધવામાં તથા પશુને પીવડાવવા કરવો પડે છે. સાબરમતી નદીમાં કોઇ જીવ રહી શકતાં નથી. ઝેરી પાણી જમીનમાં ઉતરતા જમીનના પાણી પણ ઝેરી બન્યા છે. પથરી, પાણીજન્ય કમળો, ઝાડાઉલ્ટી, ટાઇફોડ તેમજ ચામડીના રોગો વધવા લાગ્યા છે. ટીડીએસની માત્રા વધારે જોવા મળી હતી.

ટીડીએસ

ધોળકા તાલુકાના પીસાવડામાં 1010, વીરડીમાં 2500, રૂપગઢમાં 1620, વીરપુરમાં 2200, ત્રાંસદમાં 2000, ખાત્રીપુરમાં 2300, આંબારેલીમાં 1580, ભેટાવાડામાં 1560, નેસડામાં 1840, શેખડીમાં 1660, સીમેજમાં 2600, રાયપુરમાં 2600 નો સમાવેશ થાય છે. 700 થી 800 ટીડીએસની માત્રાવાળુ પાણી પીવાલાયક ગણાય છે. અને 1500 સુધીના ટીડીએસની માત્રાવાળુ પાણી પીવા માટે ચલાવી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp