જેટ એરવેઝના ખરાબ સમયમાં એતિહાદ આવી આગળ, કરોડો રૂપિયાની મદદ કરી બચાવી કંપની

PC: telanganatoday.com

નાણાંની કટોકટી સાથે સંઘર્ષ કરતી ખાનગી એરલાઈન્સ જેટ એરવેઝે ફરી એકવાર તેના ખાસ મિત્ર એતિહાદ પાસે મદદ માંગી છે. ઘટના સાથે સંકળાયેલા એક સ્રોતે જણાવ્યું હતું કે નરેશ ગોયલ દ્વારા નિયંત્રિત જેટ એરવેઝે અબુ ધાબી સ્થિત એતિહાદ એરવેઝ પાસે સરળ શરતો પર 35 કરોડ ડોલર (આશરે રૂ. 2,500 કરોડ)ની લોન માંગી હતી. તેના બદલે કંપની એતિહાદને વધારાના શેર પણ ઓફર કરશે. આમ, કરજગ્રસ્ત જેટ એરવેઝને મુશ્કેલીમાંથી ઉગારવા એતિહાદ એરવેઝ આગળ આવી છે.

સંયુક્ત આરબ અમીરાતની એરલાઇન એતિહાદ નવી રેસક્યૂ યોજના સાથે જેટ એરવેઝ અને તેના બેન્કર્સ સાથે ચર્ચાવિચારણા કરી રહી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે એતિહાદ 200 કરોડ ડોલરથી વધુ (આશરે 1,425 કરોડ રૂપિયા)ની મદદ કરવા માટે પણ તૈયાર છે પરંતુ જેટ એરવેઝ તાજેતરમાં રોકડ રકમની ભારે અછતની મુશ્કેલીનો સામનો કરી રહી છે. તેથી આ સમગ્ર મુદ્દા પર તેણે હજી સુધી અંતિમ નિર્ણય લીધો નથી. આ કિસ્સામાં બંને જેટ એરવેઝ અને એતિહાદે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.


પાંચ વર્ષ પહેલાં પણ જેટ નાણાકીય કટોકટીમાંથી પસાર થઈ હતી. કંપની હાલ મૂડી ઊભી કરવા ઘણા રોકાણકારો સાથે વાટાઘાટ કરી રહી છે. 2013 માં એતિહાદ એરવેઝે 2,060 કરોડ રૂપિયાના રોકાણ દ્વારા જેટ એરવેઝનો 24% હિસ્સો ખરીદ્યો હતો. આ ઉપરાંત, તેણે કંપનીને નીચા વ્યાજના દરે 15 કરોડ ડોલરની લોન આપી હતી અને જેટના લોયલ્ટી પ્રોગ્રામ જેટ પ્રિવિલેજમાં 50.1 ટકા હિસ્સો ખરીદ્યો હતો.

આ વર્ષે સપ્ટેમ્બરના અંતે જેટ એરવેઝને 8,052 કરોડનું દેવું હતું. કંપની છેલ્લાં ત્રણ મહિનાથી વરિષ્ઠ કર્મચારીઓને સમયસર વેતન ચૂકવવામાં અસમર્થ રહી છે. ઘણાં પાઇલોટ્સને પગાર ન મળવાથી આ અઠવાડિયામાં કોઈ રોગનું બહાનું આપીને કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો. તેના કારણે જેટને 14 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. કંપની દ્વારા નોન પ્રોફિટેબલ રૂટ્સ ઉપર ફ્લાઇટમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ઝડપથી વિકસી રહેલ એવિએશન માર્કેટમાં ફ્યુઅલના ઊંચા ભાવ, કમજોર થતો રૂપિયો અને દેશમાં એરલાઇનો વચ્ચે ભાવયુદ્ધને કારણે જેટ એરવેઝની મુશ્કેલી વધી ગઇ છે. તો હવે જેટ એરવેઝનું ભાવિ કેટલાં લાંબા સમય સુધી ટકી રહે છે તે તો હવે સમય જ બતાવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp