ઉંચી ઇમારતોના કાચની સફાઇ કરવા માટે મજૂરોએ લટકવું નહીં પડે

PC: news18.com

ગુજરાતમાં આવેલી મલ્ટીસ્ટોરિયેડ ઇમારતોના કાચની સફાઇ કરનારા મજૂરોના જીવ જોખમમાં મૂકાતા અટકી જશે, કારણ કે બે પ્રોફેસરોના માર્ગદર્શન હેઠળ 10 વિદ્યાર્થીઓએ એવો રોબોટ વિકસાવ્યો છે કે જેના થકી ઉંચામાં ઉંચી ઇમારતના કાચની સફાઇ થઇ શકશે. આ રોબોટ હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

સરકારી પોલિટેકનિકના પ્રોફેસર ઝંખના મહેતા અને ઉર્વશી સોની ઉપરાંત વિદ્યાર્થીઓએ ઝીરો કર્ટ મશીન નામના આ રોબોટને વિકસાવ્યો છે. હાલ મલ્ટીસ્ટોરિયેડ ઇમારતોમાં બહારની સાઇડે લગાવેલા કાચની સફાઇ મજૂરો ઇમારત ઉપર ચઢીને કરતા આવ્યા છે પરંતુ હવે આ કામ માટે મજૂરોને રાખવા નહીં પડે. આ રોબોટ કોઇપણ વ્યક્તિનો જીવ જોખમમાં મૂક્યા વિના ઝડપથી કાચની સફાઇ કરી શકશે. આ મશીન ઇનોવેશન લેબોરેટરીમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે.

બન્ને પ્રોફેસરોએ કહ્યું હતું કે ઉંચી ઇમારત પર લટકાવેલા સ્વિંગ પર બેસીને મજૂર કાચ સાફ કરે છે. ઘણાં કિસ્સામાં મજૂર નીચે પણ પટકાઇ જતા હોય છે. અત્યંત જોખમી કામગીરીને ધ્યાને લઇને અમે એક રોબોટ મશીન વિકસાવ્યું છે. જે ટેકનોલોજીના આધારે કામ કરે છે.

સ્વચાલિત રોબોટ કાચની સપાટી પર ઉતરશે અને તેને સાફ કરશે. આ સફાઇમાં ઝડપ પણ આવશે. નિર્ધારિત ઉંચાઇ સુધી આ રોબોટને સ્થિર કરી શકાય છે. રાજ્યમાં હવે 20 કે 30 માળની ઇમારતો બની રહી છે અને કાચની બારીઓ રાખવામાં આવતી હોય છે જેને થોડાં સમયના અંતરે સાફ કરવામાં આવે છે. કાચ સાફ કરનારા કોન્ટ્રાક્ટરો તેમના મજૂરો મારફતે આ સફાઇ કરાવે છે પરંતુ હવે એજન્સી કે મિલકતના સંચાલક આવો રોબોટ વસાવી શકશે.

આ રોબોટની કમાન નીચે ઉભા રહેલા વ્યક્તિ પાસે હશે જે રોબોટને દિશાનિર્દેશ આપશે. સરકારી પોલિટેકનિકના 10 વિદ્યાર્થીઓની ટીમે બે પ્રોફેસરોના માર્ગદર્શન હેઠળ આ રોબોટ તૈયાર કર્યો છે જેમાં વાઇપર, રોલર અને વોટર સ્પ્રે જોડાયેલું હોય છે. આ રોબોટ ડ્રોન જેવું કાર્ય કરે છે. આ રોબોટના ઉત્પાદન માટે વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યાં છે જે મોટી ઇમારતોના કાચની સફાઇ માટે કામ લાગશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp