સાબરમતી રીવરફ્રન્ટ પર છેલ્લા 8 માસમાં આટલા આપઘાત, મહિલાઓ કરતા પુરુષો વધુ

PC: allindiaroundup.com

ગુજરાતમાં નર્મદાની કેનાલ પછી અમદાવાદનું રીવરફ્રન્ટ આત્મહત્યા કરવા માટેનું સ્થળ બન્યું છે. સલામતી અને ચેતવણીના બોર્ડ હોવા છતાં લોકો નિરાશાથી આત્મહત્યા કરવા પ્રેરાય છે અને પાણીમાં ડૂબીને મોત વહાલું કરે છે. વધતી જતી ઘટનાઓ અટકાવવા અમદાવાદ પોલીસને રીવરફ્રન્ટ પર બંદોબસ્ત મૂકવાની વ્યવસ્થા કરવી પડી છે.

2021ના વર્ષમાં અત્યાર સુધીમાં રીવરફ્રન્ટમાંથી 106 મૃતદેહ મળી આવ્યા છે જેમીં 18 મહિલા અને 88 પુરૂષ હતા. વર્ષ દરમ્યાન રીવરફ્રન્ટ પર ફરજ બજાવતા ફાયરમેન ભરત ચાંગેલા અને કમલેશ પરમાર દ્વારા આત્મહત્યા કરવા માટે નદીમાં ઝંપલાવનાર 24 લોકોને બચાવી લેવાયા હતા.

અમદાવાદની ખુબસૂરતી વધારતો રીવરફ્રન્ટ બદનામ થઇ રહ્યો છે. જીંદગીથી અત્યંત હતાશ અને નિરાશ થયેલા લોકો અહીં આવીને જીંદગીનો અંત આણવા નદીમાં ઝંપલાવે છે. આવી ઘટનાઓના કારણે રિવરફ્રન્ટ બદનામ થયું છે. 1 જાન્યુઆરી 2021 થી 13 સપ્ટેમ્બર 2021 સુધીમાં સાબરમતી નદી માંથી 106 મૃતદેહમાં મળી આવ્યા હતા.

વર્ષો પહેલાં કાંકરીયા તળાવ આત્મહત્યા કરવા માટેનું સ્યુસાઈડ પોઈન્ટ હતું પરંતુ કાંકરીયા તળાવને લેકફ્રન્ટ તરીકે વિકસાવવામાં આવ્યા બાદ આત્મહત્યાની ઘટનાઓ ઓછી થઇ છે. ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ કહે છે કે લેક ફ્રન્ટ બન્યા બાદ છેલ્લા 10 વર્ષમાં એકપણ આત્મહત્યાની ઘટના લેક ફ્રન્ટ પર બની નથી. આ પહેલાં અમદાવાદમાંથી પસાર થતી નર્મદા નદીની કેનાલમાં આત્મહત્યાની ઘટનાઓ બનતી હતી. જો કે કેનાલમાં હજી પણ નિરાશાથી લોકો ઝંપલાવે છે.

ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે માર્ગ પર આવેલા કેનાલ પુલને ઝાળીથી સુરક્ષિત કરી દેવામાં આવ્યા છે અને ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા છે તેથી માર્ગ પર આવતી કેનાલોમાં આત્મહત્યાની ઘટનાઓ ઘટી ગઇ છે. પોલીસે ચેતવણીમાં એવું પણ લખ્યું છે કે આત્મહત્યા કરવી એ મોટો ગુનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp