શું છે PM મોદીની 100 લાખ કરોડની ગતિશક્તિ યોજનામાં, 9 મુદ્દામાં સમજો

PC: indianexpress.com

પ્રધાનમંત્રી ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનનું વર્ચ્યુઅલ લોકાર્પણ થયું છે તે 2024-25નો રોડમેપ છે. કેન્દ્રના 16 મંત્રાલયોને એક જ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. કેન્દ્રની 100 લાખ કરોડની યોજનામાં રાજ્યો પણ જોડાઇ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગષ્ટે લાલ કિલ્લા પરથી 100 લાખ કરોડની આ યોજનાની જાહેરાત કરી હતી જે દેશના માસ્ટરપ્લાન અને આંતરમાળખાકીય સુવિધાનો પાયો નાંખશે. જેના કારણે દેશના યુવાનોને નવી રોજગારીની તકો મળશે.

ભવિષ્યમાં આ યોજના હેઠળ નવા આર્થિક ઝોન પણ વિકસાવવામાં આવશે. આ યોજનામાં કેન્દ્ર સરકારના 16 મંત્રાલયો અને વિભાગો જેમાં રેલવે, માર્ગ, ધોરીમાર્ગ, પેટ્રોલિયમ, ગેસ, પાવર, ટેલિકોમ્યુનિકેશન, શિપીંગ, ઉડ્ડયન અને ઔદ્યોગિક ઉદ્યાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓનું નેટવર્ક પ્લાનિંગ ગ્રુપ બનાવવામાં આવશે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ સર્વગ્રાહી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો નાંખવાનું છે.

દેશના તમામ રાજ્યોને આ યોજના હેઠળ આવરી લેવાનો પ્લાન છે કેમ કે યોજના થકી દેશમાં માળખાગત પ્રોજેક્ટ્સને યોગ્ય અમલીકરણની દિશામાં મદદ મળશે. આ પ્લેટફોર્મ લાંબાગાળે ખાનગી ક્ષેત્રને પણ આપી શકાય તેમ છે. અત્યારે સરકારી વિભાગો અલગ અળગ રીતે કામ કરી રહ્યાં હોવાથી પ્રોજેક્ટ્સના અમલીકરણમાં વિલંબ થાય છે અને ખર્ચ વધી જતો હોય છે.

ગતિ શક્તિ પ્રોજેક્ટમાં પહેલાં કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ્સમાં ફેરફારો આવશે ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુધીના સ્તરે લઇ જવાશે. વિભાગોનો તમામ ડેટા એક પ્લેટફોર્મ પર એકીકૃત કરવામાં આવશે. યોજનાના અમલીકરણ માટે સંકલિત મલ્ટીમોડલ નેટવર્ક પ્લાનિંગ ગ્રુપની રચના કરવામાં આવશે જેમાં તમામ વિભાગોના નિષ્ણાંતો તેમજ ઉચ્ચ અધિકારીઓ હશે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ તેની નોડલ એજન્સી હશે.

ગતિ શક્તિ યોજના અંતર્ગત એક વેબસાઇટ લોન્ચ થશે જેમાં કેન્દ્ર સરકારની વર્ષ 2024-25 સુધીની બધી મોટી યોજનાઓની સંપૂર્ણ જાણકારી હશે. દરેક પ્રોજેક્ટનું સ્થાન, તેનો ખર્ચ, પરિયોજના તૈયાર થવાની તારીખ, તેના ફાયદા અને ખતરા જેવી બધી જાણકારી વેબસાઇટ પર મુકવામાં આવશે. આ પ્રોજેક્ટની જીઆઇએસ મેપિંગ અને થ્રીડી ઇમેજ પણ ઉપલબ્ધ રહેશે. એટલે કે કોઇપણ વ્યક્તિ આસાનીથી પ્રોજેક્ટની બઘી વિગતો જાણી શકશે. આ રીતે એક વિભાગના પ્રોજેક્ટની બધી જાણકારી બીજા વિભાગને મળી જશે.

2024-25 સુધી યોજનાની લાક્ષણિકતાઓ....

1.એરપોર્ટ/હેલિપોર્ટ/વોટર એરોડ્રોમની સંખ્યા વધીને 220 થઈ જશે. જેમાં 109 નવા એરપોર્ટ હશે. આ અંતર્ગત દેશમાં 51 એરસ્ટ્રીપ્સ, 18 નવા પ્રોજેક્ટ, 12 વોટર એરોડ્રોમ અને 28 હેલિપોર્ટ્સના નિર્માણનું કામ સામેલ હશે.

2.રાષ્ટ્રીય ધોરીમાર્ગોને 2 લાખ કિલોમીટરની લંબાઇ સુધી વિસ્તૃત કરવામાં આવશે. વર્ષ 2014 માં તે માત્ર 91,000 કિમી હતા અને આ નવેમ્બર એટલે કે 2021 ના અંત સુધીમાં 1.30 લાખ કિલોમીટર થઈ જશે.

3.દેશના સંરક્ષણ ઉત્પાદનમાં પણ ભારે તેજી આવશે. 20,000 કરોડના રોકાણ સાથે ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં બે સંરક્ષણ કોરિડોર બનાવવાની યોજના છે. દેશમાં 1.7 લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ ઉત્પાદનોનું ઉત્પાદન કરવામાં આવશે અને તેમાંથી લગભગ 25 ટકા નિકાસ કરવામાં આવશે.

4.2024-25 સુધીમાં દેશમાં રેલવેની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા હાલની 1200 એમટી થી વધારીને 1600 એમટી કરવામાં આવશે. જેનાથી બે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના નિર્માણને પણ વેગ મળશે.

5.દેશમાં ગેસ પાઇપલાઇન નેટવર્કને બમણું કરાશે. 2027 સુધીમાં દરેક રાજ્યને કુદરતી ગેસ પાઈપલાઈન સાથે જોડાશે.

6.ગંગા નદીમાં 29 એમએમટી ક્ષમતા અને અન્ય નદીઓમાં 95 એમએમટી ક્ષમતાનું માલ પરિવહન કરવાની સરકારની યોજના છે. વારાણસી થી આસામના તિનસુકિયા જિલ્લાના સાદિયા સુધી સમગ્ર વર્ષ દરમિયાન ફેરી શરૂ કરવામાં આવશે.એ જ રીતે દરિયાઈ બંદરોમાંથી દર વર્ષે 1,759 એમએમટી પરિવહન કરવાનો લક્ષ્યાંક છે.

7.વર્ષ 2024 સુધીમાં દૂરસંચાર વિભાગ દ્વારા 35 લાખ કિમી ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક નાખવાની યોજના છે. વીજ મંત્રાલય દ્વારા ટ્રાન્સમિશન નેટવર્કને વધારીને 4.52 લાખ કિમી સર્કિટ કરવામાં આવશે.

8.ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી દેશમાં આશરે 200 મેગા ફૂડ પાર્ક બનાવવાનું, ફિશિંગ ક્લસ્ટર્સને 202 સુધી વધારવાનું, 15 લાખ કરોડના ટર્નઓવર સાથે 38 ઇલેક્ટ્રોનિક ક્લસ્ટર્સ બનાવવા, 90 ટેક્સટાઇલ ક્લસ્ટર્સ બનાવવા અને 110 ફાર્મા અને મેડિકલ ડિવાઇસ ક્લસ્ટર્સ બનાવવાનું લક્ષ્ય છે.

9.માસ્ટર પ્લાન હેઠળ 4 ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર બનાવવાની દરખાસ્ત છે. આવો જ એક ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર યુપીમાં દાદરીમાં, કર્ણાટકમાં તુમુકુરમાં અને મહારાષ્ટ્રના શેન્દ્રા બિડકીનમાં હશે. નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ 2024-25 સુધીમાં દેશભરમાં 11 ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવવાની યોજના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp