દિલ્હી સરકારનો નિર્ણય-દિલ્હીમાં IPL નહિ રમાય, મહારાષ્ટ્ર સરકારે આપ્યા 2 વિકલ્પ

PC: twimg.com

કોરોના વાયરસના વધતા મામલાની વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગના આયોજનને લઈને ચાલી રહેલા સસ્પેન્સ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે તેમનો નિર્ણય લઈ લીધો છે. આ પહેલા IPL અંગે વિદેશ મંત્રાલયે ચોખ્ખું કહી દીધું છે કે તેઓ હાલના સમયમાં IPLના આયોજન કરવાના પક્ષમાં નથી. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આ ટૂર્નામેન્ટનું આયોજન કરવું કે નહીં તેનો નિર્ણય આયોજકોએ લેવાનો છે. અમારા અનુસાર આ ટૂર્નામેન્ટનું આયોજન થવું જોઈએ નહીં. હાલમાં જે રીતની સ્થિતિ છે તેને જોતા ટૂર્નામેન્ટ નહીં યોજાઈ એ જ યોગ્ય છે. પણ જો આયોજકો ટૂર્નામેન્ટનું આયોજન કરવા માગે છે તો એ તેમનો નિર્ણય છે. દિલ્હી સરકારે જાહેરાત કરી દીધી છે કે, દિલ્હીમાં IPLની મેચ નહીં રમાડી શકાય. આ સિવાય દિલ્હીમાં તમામ ખેલ આયોજનો પર રોક લગાવી દેવામાં આવી છે

મહારાષ્ટ્ર સરકારે IPLના આયોજન અંગે નિર્ણય લઈ લીધો છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે, અથવા તો IPLની મેચો દર્શકો વિના આયોજન કરવામાં આવે, કે પછી તેને થોડા સમય સુધી સ્થગિત કરી દેવામાં આવે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, કેબિનેટમાં આ વાત પર ચર્ચા થઈ અને અમારું માનવું છે કે મોટા સ્તરે લોકોની ભીડ થવી જોઈએ નહીં. અમારી પાસે બે વિકલ્પ છે. IPLનું આયોજન દર્શકો વિના થવું જોઈએ કે પછી મેચોને સ્થગિત કરી દેવી જોઈએ.

મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય સ્પોર્ટ મિનિસ્ટ્રીની એડવાઈઝરી પછી લીધો છે. જેમાં તેમણે BCCI સહિત રમતના અન્ય સંઘોને કહ્યું છે કે તેઓ સ્વાસ્થ્ય મંત્રાલયે સૂચવેલા નિર્દેશોનું પાલન કરે. સ્પોર્ટ મિનિસ્ટ્રીએ તેમની એડવાઈઝરીમાં એ પણ ચોખ્ખુ કહી દીધુ છે કે, જે રમતોનું આયોજન ટાળી શકાય એમ નથી, તેનું આયોજન દર્શકો વિના જ થવું જોઈએ.

મંત્રાલયની આ એડવાઈઝરી પછી ઈન્ડિયન સુપર લીગની 14 માર્ચે થનારી ફાઈનલ મેચ દર્શકો વિના રમાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. તેવી જ રીતે રણજી ટ્રોફીની ફાઈનલની છેલ્લા દિવસની રમત પણ દર્શકો માટે બંધ કરવામાં આવી છે.

તો BCCIએ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વનડે સીરિઝની છેલ્લી બે મેચો પણ બંધ દરવાજાની વચ્ચે રમાડવાનો નિર્ણય લીધો છે. એટલે કે કોઈ પણ દર્શક આ મેચ જોવા સ્ટેડિયમ જઈ શકશે નહીં.

શનિવાર 14 માર્ચના રોજ IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠલ યોજાવાની છે. જેમાં અંતિમ નિર્ણય લેવાશે તેવી આશા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp