જો તમે કબૂતરોને દાણાં નાખો છો તો થઇ શકે છે ફેફસાંને નુકસાન, બાળકો-વડીલોને જોખમ
એક સમય હતો જ્યારે રાજાઓ અને બાદશાહો કબૂતરોનો ઉપયોગ કરીને સંદેશા મોકલતા હતા. સંદેશાઓ મોકલવાની આ પદ્ધતિ ઘણા વર્ષો સુધી ચાલુ રહી. બોલિવૂડની સુપરહિટ ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'માં પણ કબૂતરને પોસ્ટમેન તરીકે બતાવવામાં આવ્યો હતો. અમરીશ પુરી 'દિલ વાલે દુલ્હનિયા'માં કબૂતરોને દાણાં નાખતા જોવા મળ્યા હતા. આજે આ દ્રશ્ય દેશના લગભગ દરેક ચોક અને ખૂણા પર જોઈ શકાય છે. દિલ્હીનો ઈન્ડિયા ગેટ હોય કે મુંબઈનો ગેટવે ઓફ ઈન્ડિયા, દરેક જગ્યાએ કબૂતરો રસ્તાઓ પર દાણાં ખાતા જોવા મળશે. કેટલાક લોકોને કબૂતર પાળવાનો શોખ પણ હોય છે. પંજાબ અને હરિયાણામાં કબૂતરોની રેસનું પણ આયોજન કરવામાં આવે છે. ખરેખર, લોકોને ખ્યાલ નથી કે આ માસૂમ દેખાતું પક્ષી સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી છે.
થોડા મહિના પહેલા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)એ કબૂતરોને ખવડાવવા પર પ્રતિબંધ મૂકવાનો વિચાર કર્યો હતો. તેનું કારણ કબૂતરોની વધતી સંખ્યા અને રોગોનો ભય હોવાનું જણાવાયું હતું. લોકો કબૂતરોને દાણાં ખવડાવે છે, જેના કારણે ભારતમાં તેમની સંખ્યા 2000 થી 2023ની વચ્ચે લગભગ 150 ટકા વધી છે. સ્ટેટ ઓફ ઈન્ડિયા બર્ડ્સના રિપોર્ટના આ આંકડા છે. મુંબઈના કેટલાક વિસ્તારોમાં કબૂતરોને દાણાં નાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ઘણી વખત હાઈરાઈઝ સોસાયટીઓમાં રહેતા લોકો કબૂતરોથી પરેશાન થતા હોય છે, કારણ કે તેઓ તેમના બીટને દરેક જગ્યાએ છોડતા રહે છે અને તેમાંથી દુર્ગંધ આવે છે. ગુરુગ્રામની પારસ હોસ્પિટલના ઈન્ટરનલ મેડિસિન વિભાગમાં ડૉ. સંજય ગુપ્તા કહે છે કે, કબૂતરના છોડેલા આ બીટથી ફેફસાંને નુકસાન થાય છે. આ હાઇપર સેન્સેટિવિટી ન્યુમોનીટીસનું કારણ બની શકે છે. આ પક્ષીની બીટમાં એવિયન એન્ટિજેન્સ હોય છે. આ ખતરનાક હોય છે. જ્યારે તેઓ હવા દ્વારા નાકમાં પ્રવેશ કરે છે, ત્યારે તેઓ શ્વાસ દ્વારા ફેફસામાં પહોંચે છે. જેના કારણે ફેફસાના ટિશ્યુને નુકસાન થવા લાગે છે. જે લોકો સતત કબૂતરોને ખવડાવે છે, તેમના ફેફસાંને ઝડપથી નુકસાન થઈ શકે છે. આ રોગમાં દર્દીની શ્વાસ લેવાની ક્ષમતા ઘટી જાય છે અને શરીરમાં ઓક્સિજનની કમી થાય છે. જો સ્થિતિ ગંભીર થઇ જાય તો ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવા પડે છે.
અસ્થમાથી પીડિત લોકોએ ન તો કબૂતરને ખવડાવવું જોઈએ અને ન તો તેમને તેમની બાલ્કનીમાં આવવા દેવા જોઈએ. ક્યારેક અસ્થમા કબૂતરને કારણે પણ થઈ શકે છે. જે લોકોના ફેફસાં નબળા હોય છે, તેઓ કબૂતરો દ્વારા થતા ઇન્ફેકશનમાં જલ્દીથી આવી જતા હોય છે. જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેવા લોકોને પણ આવું થઈ શકે છે. તેથી તેઓએ પોતાને સુરક્ષિત રાખવાની જરૂર છે. બાળકો અને વૃદ્ધ લોકોએ કબૂતરને દાણાં ન નાખવા જોઈએ.
મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, કબૂતરમાંથી E-કોલાઈ માનવ શરીરમાં પ્રવેશી શકે છે. હકીકતમાં, જો કબૂતરની ડ્રોપ પાણી, શાકભાજી, ફળો અથવા ખેતરોમાં પડે છે અને આ પાણી અથવા ખોરાકને સાફ કર્યા વિના પીવામાં આવે અથવા ખાવામાં આવે છે, તો E-કોલાઈ બેક્ટેરિયા વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે, જે બેભાન, ઉબકા, માથાનો દુખાવો અથવા તાવનું કારણ બની શકે છે. કબૂતરની બીટ નર્વસ સિસ્ટમને પણ અસર કરી શકે છે. કબૂતરની બીટ સિટાકોસિસનું પણ કારણ બની શકે છે. તેને પોપટ ફીવર પણ કહેવાય છે. તે ક્લેમીડિયા સિટાસી નામના બેક્ટેરિયાને કારણે થાય છે. આમાં ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે. વ્યક્તિને તાવ સાથે થાક અને સ્નાયુઓમાં દુખાવો થાય છે.
કેન્ડિડીઆસીસ કબૂતરના બીટ અથવા પીંછડાંઓ કારણે પણ થઈ શકે છે. આ એક ફંગલ ચેપ છે, જે કેન્ડીડા યીસ્ટના વિકાસને કારણે થાય છે. જો તે મોઢામાં હોય તો તે સૂજી જાય છે અને સફેદ ધબ્બા દેખાવા લાગે છે. મોઢામાં એવું લાગે છે કે જાણે તે રૂ થી ભરાઈ ગયું હોય, ખાવામાં સ્વાદ લાગતો નથી અને મોઢાના બંને ખૂણા લાલ થવા લાગે છે. જો આ ફૂગ ત્વચાને અસર કરે છે તો ત્વચા લાલ અથવા રંગહીન થવા લાગે છે. દુખાવો પણ થાય છે. આ રોગ પ્રાઈવેટ પાર્ટને પણ અસર કરી શકે છે. આ વિસ્તારમાં બળતરા, ખંજવાળ અને સ્ત્રીઓમાં વધુ પડતો સ્રાવ અથવા UTIની સમસ્યા થઇ શકે છે. કેન્ડીડા યીસ્ટ નખને રંગહીન અને જાડા બનાવે છે. ક્યારેક નખ તૂટી પણ જાય છે.
જેઓ કબૂતરોને દાણાં નાખે છે તેઓએ આવું ન કરવું જોઈએ. કેટલીકવાર, જો તમે દાણાં ખવડાવતા હોવ તો ચોક્કસપણે તમારા મોં પર માસ્ક અને તમારા હાથમાં મોજા પહેરી રાખો. જો તમે કબૂતર પાળતા હોવ તો તેમને ખુલ્લી હવામાં દાણાં ખવડાવીને તરત જ પાછા આવો. તેને આંગણા અથવા ટેરેસ પર દાણાં ન ખવડાવો. જો કબૂતર બીટ કરે છે, તો તેને ઘરના સાફ કરવાના કપડાથી નહીં, પરંતુ તરત જ ફેંકી શકાય તેવા કપડાથી સાફ કરો. સફાઈ કરતી વખતે માસ્ક અને મોજા પહેરવાનું ભૂલશો નહીં.
કબૂતરોથી છુટકારો મેળવવા માટે, તમારા ઘરની બાલ્કનીને ઢાંકી દો. જો તમે ઢાંકી શકતા નથી, તો જાળી મૂકો. આજકાલ, બર્ડ સ્પાઇક્સ બજારમાં ઉપલબ્ધ છે, જે રેલિંગ પર ફીટ કરવામાં આવે છે. બર્ડ જેલ પણ આવે છે. ઇલેક્ટ્રિક શોક કેબલ પણ ઇન્સ્ટોલ કરી શકાય છે. જેના કારણે કબૂતરોને ઇલેક્ટ્રિક શોક લાગે છે અને તેઓ તરત જ ત્યાંથી ઉડી જાય છે. આ સિવાય તમે બાલ્કનીમાં નકલી સાપ, ઘુવડ અથવા વિન્ડ ચાઇમ લગાવી શકો છો, આનાથી કબૂતરો બાલ્કનીમાં આવતાં ડરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp