26th January selfie contest

હવે પાટીદાર સમાજને રાજકીય ગ્રહણ લાગવા નહીં દઈએ: દિલીપ સાબવા

PC: facebook.com/pg/Dilipsabva.official

પાટીદાર અનામત આંદોલનના સહ પ્રભારી દિલીપ સાબવાએ બોટાદના ભાવનગર રોડ પર આવેલી ઓફિસમાં એક પ્રેસ કોન્ફરસ બોલાવી હતી. દિલીપ સાબવાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારું આસ્થાનું પ્રતીક ખોડલધામ કાગવડ અને ઉમિયાધામ ઊંઝા દ્વારા ચૂંટણીમાં સારા વ્યક્તિની સાથે રહેવાની વાત કરવામાં આવતી હોય ત્યારે અમે પણ તેમાં સુર પુરાવીએ છીએ.

રાજકીય પાર્ટીઓ પર પ્રહારો કરતા દિલીપ સાબવાએ જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી રાજકીય પાર્ટીઓ પાટીદાર સમાજને ફૂટબોલની જેમ રમાડે છે. પરંતુ પાટીદાર અનામત આંદોલન સમિતિ કોઈપણ રાજકીય પાર્ટીના એજન્ટ કે, ગુલામ નથી. રાજકીય પાર્ટીના સિમ્બોલથી ખોટા અને ગદ્દાર નેતાઓ ચૂંટણી જીતીને પોતાના સ્વાર્થ માટે સમાજ સાથે વિદ્રોહ કરતા હોય છે. ત્યારે સમાજના સારા અને નરસા કામમાં સાથે રહ્યા હોય તેવા વ્યક્તિઓને સમર્થન આપવા માટે અમે નિર્ણય કરવા જઈ રહ્યા છીએ.

દિલીપ સાબવાએ વધુમાં જણાવ્યું હતું કે, વિભીષણ પણ ન્યાય સાથે રહ્યા હતા. GMDC મેદાનમાં 25 લાખ લોકો ભેગા થયા હતા. તે કોઈ રાજકીય પાર્ટી માટે ભેગા થયા ન હતા, ફક્ત સમાજના સારા મુદ્દા અને સમાજનાં ન્યાયની વાત લઇને સમાજના આંદોલનકારીઓ સાથે પાટીદાર સમાજ રહ્યો હતો. કોઈપણ પાર્ટીને મદદ કરવા જતા નેતા જ જો વફાદાર ન હોય તો સમાજને મોટું નુકસાન થઈ શકે તેમ છે. એટલે હવે પાટીદાર સમાજને રાજકીય ગ્રહણ લાગવા નહીં દઈએ.

લોકસભાની ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારને સમર્થન કરવા બાબતે દિલીપ સાબવાએ જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલન સમિતિ સમગ્ર ગુજરાતમાંથી આંદોલનકારીઓ અને સામાજિક આગેવાનોને સાથે રાખીને જે પણ સારા ઉમેદવાર છે તે ભલે ગમે તે પાર્ટીના હોય તેને સમર્થન કરવાનો નિર્ણય 21 એપ્રિલના રોજ કરીને તેનું લિસ્ટ જાહેર કરવામાં આવશે.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp