26th January selfie contest

આ તારીખે ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ભાજપ ઉમેદવારો નક્કી કરશે

PC: facebook.com/pg/bharatpandyabjp

ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૩ દિવસથી તા.14,15,16 માર્ચના રોજ જે તે લોકસભા જઈને પ્રદેશ નિરીક્ષકો દ્વારા 26 લોકસભાના ઉમેદવારો અંગે સૂચનો-અભિપ્રાયો લેવાનું હિયરીંગનું કામ ચાલુ હતું જે આજે પૂર્ણ થયું છે. આવતીકાલે ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા લોકસભા ચૂંટણી પ્રભારી ઓમજી માથુર, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી સમિતિની બેઠક મળશે. આવતીકાલથી 17, 18, અને 19 માર્ચ એમ, ત્રણ દિવસ ચાલનારી લોકસભા ચૂંટણી સમિતિ બેઠકમાં લોકસભાના નિરીક્ષકો અને જિલ્લા સંકલન સમિતિ સહિત મુખ્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉમેદવારો અંગે ચર્ચા વિચારણા થશે.

ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, આવતીકાલે 17 માર્ચ, રવિવારના રોજ વડોદરા, ભરૂચ, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, વલસાડ, નવસારી, બારડોલી, સુરત, આણંદ અને ખેડા એમ, કુલ 11 બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવશે.

તારીખ 18 માર્ચ, સોમવારના રોજ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ એમ, કુલ 11 બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવશે અને તારીખ 19 માર્ચ, મંગળવારના રોજ બાકી રહી રાજકોટ, કચ્છ, પોરબંદર અને જુનાગઢ એમ, 4 બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ ગુજરાત લોકસભા ચૂંટણી સમિતિ લોકસભા બેઠકદીઠ સંભવિત નામોની યાદી તૈયાર કરી કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ રજુ કરશે તેમ ભરત પંડ્યાએ અંતમાં જણાવ્યું હતું.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp