આજુ બાજુમાં મુસ્લિમોના ઘર, વચ્ચે 250 વર્ષ જૂનું શિવ મંદિર, કહ્યું...
એવો દાવો કરવામાં આવ્યો હતો કે વારાણસીના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં સંભલ જેવું જ એક મંદિર મળ્યું હતું, જેના પછી આ વિસ્તારમાં હંગામો વધી ગયો હતો. સનાતન રક્ષક દળે આ મંદિર ખોલવા અને ત્યાં પૂજા કરાવવા પોલીસને અરજી આપી છે. તેની માલિકી અંગે, મંદિરની બાજુમાં આવેલા ઘરના મુસ્લિમ માલિકે દાવો કર્યો છે કે, તે તેની મિલકત છે અને તેના પિતાએ તેને વર્ષ 1931માં ખરીદ્યું હતું. આ મુસ્લિમ પરિવારે એમ પણ કહ્યું કે, જો કોઈ અહીં આવીને કોઈ પણ હોબાળો કર્યા વગર મંદિરમાં પૂજા કરવા ઈચ્છે તો તેઓ તેનું સ્વાગત કરે છે.
હકીકતમાં, વારાણસીના દશાશ્વમેધ પોલીસ સ્ટેશન વિસ્તારના મદનપુરા વિસ્તારમાં ગોળ ચબૂતરા પાસે મુસ્લિમોના ઘરની બાજુમાં એક મંદિર છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે અને લગભગ અઢીસો વર્ષ જૂનું છે. પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓથી તે બંધ હાલતમાં છે.
આ દાવા અંગે સનાતન રક્ષક દળ દ્વારા પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી હતી, ત્યાર પછી પોલીસ પ્રશાસન એક્શનમાં આવ્યું હતું અને મંદિરની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી હતી. તેમણે કહ્યું કે, મંદિર અને તેની આસપાસની જમીન મુસ્લિમ પરિવાર દ્વારા કબજે કરવામાં આવી છે. તેઓએ તેને તાળું મારીને રાખ્યું છે, જેથી ત્યાં પૂજા ન થઈ શકે.
જોકે, મંદિરની બાજુમાં આવેલા ઘરોના મુસ્લિમ માલિકો આ વાત સાથે બિલકુલ સહમત નથી. તેમણે જણાવ્યું કે 1931માં તેમના પિતાએ આ પ્રોપર્ટી ખરીદી હતી, જેમાં તેમનું ઘર અને મંદિર સામેલ હતું. એટલું જ નહીં, મુસ્લિમ પરિવાર સમયાંતરે મંદિરનું સમારકામ, સફાઈ અને રંગકામ પણ કરાવે છે. મંદિરમાં પૂજા કરવા આવનારને પણ માલિકે આવકારતા કહ્યું કે, જો કોઈ પણ શ્રદ્ધાળુ અહીં આવીને પોતાની આસ્થા વ્યક્ત કરે તો તેમને કોઈ પ્રકારની સમસ્યા નથી.
મંદિરની માલિકીનો દાવો કરનારા મુસ્લિમ પરિવારના મોહમ્મદ ઝાકી કહે છે કે, તેમના પિતાએ આ મિલકત 1931માં લીધી હતી. આ મિલકતમાં સ્થિત મંદિર મોટાભાગે બંધ રહે છે. એક વખત મંદિરને ઉધઈ લાગવાને કારણે નુકસાન થયું હતું. જ્યારે પોલીસ સ્ટેશનમાં માહિતી આપવામાં આવી ત્યારે પોલીસે કહ્યું કે, તમે તેને રિપેર કરાવી લો, કારણ કે તે તમારા જ ઘરમાં છે. તે સમયે અમે અંદર જોયું તો ત્યાં માત્ર એક ઓરડો હતો અને બીજું કંઈ જ મળ્યું ન હતું. રીપેરીંગ કર્યા પછી તેને ફરીથી તાળું મારી દેવામાં આવ્યું હતું.
મુસ્લિમ પરિવારે જણાવ્યું કે, અહીં તેમના પિતા અને કાકા સહિત કુલ ચાર પરિવાર રહે છે. કુલ મળીને લગભગ 24-25 લોકો હશે. દસ્તાવેજો અંગે તેણે જણાવ્યું કે, તેના મોટા કાકા બહાર રહે છે, ઘર અને મંદિરના દસ્તાવેજો ક્યાં છે, તે માત્ર તેઓ જ કહી શકે છે. પરંતુ મંદિરને બંધ કરીને કબજે કરવામાં આવ્યું હોવાનો દાવો કરવો એ બધું ખોટું છે. અમે આ મંદિરના માલિક પણ છીએ. કબજો કરીને શું કરીશું, અમારે થોડી અહીંયા પૂજા કરવાની છે.
તેમણે વધુમાં કહ્યું કે, અમારી આજુબાજુ હિન્દુઓની વસ્તી છે અને અમે તમામ લોકો સાથે હળીમળીને રહીએ છીએ. સાડી બજાર હોય તો હિન્દુ ગ્રાહકો પણ આવે છે. બનારસમાં રોડ પહોળા કરવા દરમિયાન ઘણા મંદિરો તોડી પાડવામાં આવ્યા, પરંતુ કોઈએ કંઈ કહ્યું નહીં. જો તમારી શ્રદ્ધા હોય તો અહીં આવીને પૂજા કરો, શું વાંધો છે? જેઓ શ્રદ્ધા ધરાવે છે, તેઓ અહીં આવીને પૂજા કરી શકે છે, અમારી તરફથી કોઈ પ્રતિબંધ નથી.
જ્યારે, પરિવારના મોહમ્મદ શહાબુદ્દીને કહ્યું કે, તેઓ શરૂઆતથી મંદિરને બંધ જોતા આવ્યા છે અને હજુ પણ તે જ હાલતમાં છે. શહાબુદ્દીને જણાવ્યું કે, માત્ર તેનો મુસ્લિમ પરિવાર જ ચૂનો પાણી અને મંદિરની સાફ સફાઈ કરે છે. તેની સંભાળ રાખવા માટે બીજું કોઈ આવતું નથી. તેમણે કહ્યું કે જો હિંદુઓ અહીં આવીને પૂજા કરે છે તો તેમને કોઈ સમસ્યા નથી.
જ્યારે પરિવારના અન્ય એક સભ્યએ કહ્યું કે, તે બાળપણથી મંદિરના દરવાજા પર તાળું જોતો આવ્યો છે અને તે હજુ પણ એમ જ છે. તેમણે કહ્યું કે ઘણા લોકો ઘણી વાતો કરશે કે પૂજા ચાલુ રાખવી જોઈએ, પરંતુ જો એવું હોત તો આપણે અહીં રંગ રોગાન કેમ કરાવતે? સભ્યએ કહ્યું કે મંદિર પર કબજો કરવાની વાત સંપૂર્ણપણે ખોટો છે, બનારસમાં આવું ન થઈ શકે. જો કોઈ અહીં દર્શન અને પૂજા માટે આવે તો અમને કોઈ તકલીફ નથી. પરંતુ ખોટા આરોપો ન લગાવવા જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp