દેશના આ શહેરમાં ફેલાયો 'ગુઇલેન-બેરી સિન્ડ્રોમ' નામનો રોગ, લકવો મારી જાય અને...

PC: nari.punjabkesari.in

ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (GBS)એ પુણે શહેરમાં ગભરાટ ફેલાવ્યો છે, અત્યાર સુધીમાં 26 કેસ નોંધાયા છે. શહેરની ત્રણ મોટી હોસ્પિટલોએ GBSના વધતા જતા કેસ અંગે આરોગ્ય અધિકારીઓને ચેતવણી આપી છે. ડોક્ટરોએ મીડિયાને જણાવ્યું કે દર્દીઓ મુખ્યત્વે સિંહગઢ રોડ, ધાયરી અને આસપાસના વિસ્તારોના છે. 26 શંકાસ્પદ કેસ નોંધાયા પછી, મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગે આ રોગના કેસોમાં અચાનક વધારો થવાની તપાસ માટે એક ટીમની રચના કરી છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC)ના આરોગ્ય વિભાગે દર્દીઓના નમૂનાઓ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (ICMR-NIV)ને પરીક્ષણ માટે મોકલ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આમાંથી મોટાભાગના કેસ શહેરના સિંહગઢ રોડ વિસ્તારમાંથી નોંધાયા છે.

ડોકટરોના મતે, ગુઇલેન-બેરે સિન્ડ્રોમ એક દુર્લભ વિકાર છે જે અચાનક સુન્ન મારી જવું અને સ્નાયુઓની નબળાઇનું કારણ બને છે. આ સાથે, આ રોગમાં હાથ અને પગમાં તીવ્ર નબળાઈ જેવા લક્ષણો પણ છે. એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ, ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (GBS) એક દુર્લભ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે, જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી પેરિફેરલ નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે. આ સ્થિતિ નબળાઈ, નિષ્ક્રિયતા અને ગંભીર કિસ્સાઓમાં, લકવો મારવાનું કારણ બની શકે છે. જોકે GBS કોઈને પણ અસર કરી શકે છે, તેનું ચોક્કસ કારણ જાણવામાં આવ્યું નથી.

સ્વસ્થ થવામાં વધારે સમય લાગી શકે છે, મોટાભાગના લોકો થોડા અઠવાડિયાથી મહિનાઓ સુધીમાં સ્વસ્થ થઈ જાય છે. લગભગ 80 ટકા લોકો સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે, જ્યારે 15 ટકા લોકો નબળા રહી શકે છે અને 5 ટકા લોકોને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. સમયસર સારવાર એ જ એકમાત્ર ઉપાય છે.

GBSના લક્ષણો સામાન્ય રીતે અચાનક દેખાય છે અને થોડા દિવસો કે અઠવાડિયામાં ઝડપથી વિકસી શકે છે. સામાન્ય લક્ષણોમાં નબળાઈ અને ઝણઝણાટીનો સમાવેશ થાય છે, જે ઘણીવાર પગમાં શરૂ થાય છે અને હાથ અને ચહેરા સુધી ફેલાઈ શકે છે. લોકોને ચાલવામાં પણ તકલીફ પડે છે, જે ગતિશીલતા અને સંતુલનને અસર કરી શકે છે. તે ન્યુરોપેથિક પીડાનું કારણ પણ બને છે, જે પીઠ અને અંગોમાં જોવા મળે છે. ગંભીર કિસ્સાઓમાં અનિયમિત હૃદયના ધબકારા, બ્લડ પ્રેશરમાં વધઘટ અને ગંભીર કિસ્સાઓમાં શ્વાસ લેવામાં તકલીફ. ગંભીર કિસ્સાઓમાં GBS સંપૂર્ણ લકવો મારવાનું કારણ બની શકે છે, જેને વેન્ટિલેશનની જરૂર પડે છે.

કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડૉ. નીના બોરાડેએ જણાવ્યું હતું કે, શહેરની છ હોસ્પિટલોમાં GBSના 26 શંકાસ્પદ કેસ નોંધાયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજ્યના આરોગ્ય વિભાગે પુણે શહેર અને આસપાસના વિસ્તારોમાં GBSના કેસોમાં અચાનક થયેલા વધારાને તપાસવા માટે એક ઝડપી પ્રતિભાવ ટીમ (RRT)ની રચના કરી છે.

બોરાડેએ સમજાવ્યું કે, બેક્ટેરિયલ અને વાયરલ ચેપ સામાન્ય રીતે GBSનું કારણ બને છે, કારણ કે તે દર્દીઓની રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. તેમણે કહ્યું, 'આ બાળકો અને યુવાનો બંને વય જૂથમાં થઈ શકે છે. જોકે, GBS કોઈ મહામારી કે વૈશ્વિક મહામારીનું કારણ બનશે નહીં. સારવારથી, મોટાભાગના લોકો આ સ્થિતિમાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય છે.' મોટાભાગના શંકાસ્પદ દર્દીઓ 12થી 30 વર્ષની વયના હોય છે. જોકે, એક 59 વર્ષીય દર્દીનો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp