26th January selfie contest

ફ્લાઇટમાં મહિલા પર પેશાબ કરનાર પુરુષને આ સજા મળી, એર ઈન્ડિયાએ FIR પણ કરી

PC: economictimes.indiatimes.com

એર ઈન્ડિયાની ફ્લાઈટમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકાથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં એક નશામાં ધૂત વ્યક્તિએ 70 વર્ષની મહિલા પર પેશાબ કર્યો. હવે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન અને એર ઈન્ડિયાએ આ મામલે સંજ્ઞાન લીધું છે. DGCAએ કહ્યું છે કે 'અમે એરલાઇન પાસેથી રિપોર્ટ માંગી રહ્યા છીએ અને જેણે બેદરકારી દાખવી હશે તેમની સામે કાર્યવાહી કરીશું.'

અહીં તમને જણાવી દઈએ કે, 26 નવેમ્બર 2022ના રોજ એર ઈન્ડિયાના બિઝનેસ ક્લાસમાં એક નશામાં ધૂત પુરુષ પેસેન્જરે મહિલા સહ-યાત્રી પર પેશાબ કર્યો હતો. એર ઈન્ડિયાએ 26 નવેમ્બરે બનેલી આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એર ઈન્ડિયાના અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે વિમાન JFK (US)થી દિલ્હી જઈ રહ્યું હતું.

એર ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'એર ઈન્ડિયાએ આ ઘટનામાં આંતરિક સમિતિની રચના કરી છે અને પુરુષ પેસેન્જરને 'નો-ફ્લાય લિસ્ટ'માં મૂકવાની ભલામણ કરી છે. આ મામલો સરકારી સમિતિ હેઠળ છે અને નિર્ણયની રાહ જોવાઈ રહી છે.'

અમેરિકાથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં નશામાં ધૂત એક વ્યક્તિએ 70 વર્ષની મહિલા પેસેન્જર પર પેશાબ કર્યો. વૃદ્ધ મહિલાએ કેબિન ક્રૂને આ વિશે જણાવ્યું, તેમ છતાં તે વ્યક્તિ પકડાયો નહીં અને તે સરળતાથી એરપોર્ટથી નીકળી ગયો. એટલું જ નહીં, સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે મહિલાએ ટાટા ગ્રુપના ચેરમેન N ચંદ્રશેખરનને પત્ર લખ્યો ત્યારે કેસની તપાસ શરૂ થઈ.

વૃદ્ધ મહિલાએ તેના પત્રમાં લખ્યું છે કે, કેબિન ક્રૂ આવી પીડાદાયક અને સંવેદનશીલ પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્રિય ન હતો. પત્ર અનુસાર, મહિલાએ કહ્યું, 'મને ક્રૂ તરફથી જવાબ મેળવવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી અને આ દરમિયાન મારે પોતે મારી વાત તેમની સમક્ષ મૂકવી પડી હતી. આ ઘટના દરમિયાન, એરલાઈને મારી સુરક્ષા જાળવવા અને આરામ માટે કોઈ પ્રયત્ન પણ કર્યો નથી.'

એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, 'આ ઘટનાની જાણ DGCAને કરવામાં આવી છે, જેથી આગળની કાર્યવાહી થઈ શકે.' એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, 'એર ઈન્ડિયાએ આ ઘટનાની ખૂબ જ ગંભીર નોંધ લીધી છે જેમાં ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટમાં સવાર એક મુસાફરે અસ્વીકાર્ય અને અસભ્ય વર્તન કર્યું હતું, જેના કારણે મહિલા પેસેન્જરને ભારે તકલીફ થઈ હતી.' આ મામલે પોલીસે પહેલાથી જ ફરિયાદ નોંધી લીધી છે. એર ઈન્ડિયા પીડિત મુસાફરને ન્યાય સુનિશ્ચિત કરવા કાયદા અમલીકરણ એજન્સીઓ તેમજ નિયમનકારી અધિકારીઓને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.

એર ઈન્ડિયાએ કહ્યું કે, પહેલા પગલા તરીકે અમે પેસેન્જરને 30 દિવસ માટે નો ફ્લાય લિસ્ટમાં રાખ્યો છે. આ મામલે આગળની કાર્યવાહી માટે DGCAને જાણ કરવામાં આવી છે. અમે એર ઈન્ડિયાના ક્રૂની ક્ષતિઓની તપાસ કરવા અને આ મામલે તાત્કાલિક પગલાં લેવામાં વિલંબના કારણો શોધવા માટે એક આંતરિક સમિતિની પણ રચના કરી છે. અમે તપાસ અને રિપોર્ટિંગ પ્રક્રિયા દરમિયાન પીડિત મુસાફર અને તેના પરિવારના નિયમિત સંપર્કમાં પણ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp