ચોર ગોવાની કોર્ટમાં પ્રવેશ્યો, પુરાવા તરીકે જપ્ત કરેલી રોકડ લઈને ભાગી ગયો

PC: jansatta.com

જે સ્થળે પોલીસ પણ અદબ કરીને ઉભી રહેતી હોય છે તે સ્થળ પરથી એક 'બહાદુર' ચોર ચોરી કરી ગયો, તેણે પોલીસ તો ઠીક પણ અદાલતની સુરક્ષાના પણ ધજાગરા ઉડાડી દીધા. ગોવામાં જ એવો એક કિસ્સો સામે આવ્યો છે, જોઈએ કે પોલીસ અને અદાલત આ ઘટના અંગે કેવું વલણ દાખવે છે.

ગોવાની રાજધાની પણજીમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટની બિલ્ડિંગના એવિડન્સ રૂમમાં એક ચોર ઘૂસ્યો. આ દરમિયાન વિવિધ કેસોમાં પુરાવા તરીકે જપ્ત કરાયેલી રોકડ રકમ લઈને ચોર ફરાર થઈ ગયો હતો. પોલીસે બુધવારે આ જાણકારી આપી.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના પોર્ટુગીઝ યુગની બિલ્ડિંગમાં સ્થિત કોર્ટમાં મંગળવાર-બુધવારની વચ્ચેની રાત્રે બની હતી. તેણે જણાવ્યું કે કોર્ટ પરિસરમાં એક ગાર્ડ ફરજ પર તૈનાત હતો. પોલીસે જણાવ્યું કે, ચોર ઈમારતની પાછળની બાજુની બારી તોડીને પરિસરમાં પ્રવેશ્યો હતો.

પોલીસ અધિક્ષક (ઉત્તર) નિધિન વલસાને જણાવ્યું હતું કે, ઘૂસણખોરી કર્યા પછી, ચોરે અલમારીને નિશાન બનાવ્યું, જેમાં રોકડ, સોનું અને અન્ય દસ્તાવેજો સહિતના પુરાવા રાખવામાં આવ્યા હતા. જોકે કેટલી ચોરી થઈ છે, તે અંગે માહિતી આપવામાં આવી નથી. SPએ કહ્યું કે, ચોર રોકડ લઈ ગયો છે, તેણે ચલણમાંથી બહાર થઇ ગયેલી ચલણી નોટો છોડી દીધી છે.

તેમણે કહ્યું કે શક્ય છે કે, આ ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ પાસે અંદરથી કોર્ટની પ્રક્રિયા અને બિલ્ડિંગ વિશેની માહિતી હોય. તેમણે કહ્યું કે, આરોપી આ વિસ્તારના CCTV ફૂટેજમાં જોવા મળ્યો છે. પોલીસ ટૂંક સમયમાં આરોપીઓને શોધી કાઢશે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું ચોર કોઈ ચોક્કસ કેસ સાથે સંબંધિત પુરાવા મેળવવા માંગે છે. આ અંગે SP વાલ્સને કહ્યું કે, પોલીસ અને કોર્ટના અધિકારીઓ હાલમાં દસ્તાવેજોનું વિશ્લેષણ કરી રહ્યા છે, ત્યારબાદ જ ખબર પડશે કે કેટલું નુકસાન થયું છે.

અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે, ડ્યુટી પરના ગાર્ડને તેની જાણ કેવી રીતે ન થઈ. ઘટનાની તપાસ ચાલી રહી હોવાથી બુધવારે કોર્ટ સંકુલમાં આવેલી ત્રણ જિલ્લા અદાલતોની કામગીરીને અસર થઈ હતી. ન્યાયાધીશોએ બુધવાર માટે સૂચિબદ્ધ બાબતો માટે નવી તારીખો નક્કી કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp