ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ આ રાજ્યના આઠ જિલ્લામાં પણ રાત્રી કર્ફ્યુની જાહેરાત

PC: .Freepressjournal.com

કોરોના મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે. સતત વધતા જતા કેસથી દરેક રાજ્યના આરોગ્ય વિભાગની ચિંતામાં એકાએક વધારો થતો જાય છે. દેશના મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે કડક પગલાં લેવાઈ રહ્યા છે. ત્રણેય રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં રાત્રિ કર્ફ્યૂનું એલાન કરવામાં આવ્યું છે. આ ત્રણ રાજ્ય બાદ હવે રાજસ્થાનના આઠ મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂનું એલાન કરવામાં આવ્યું છે.

રાજસ્થાન રાજ્યમાં પણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્યના મુખ્યમંત્રી અશોક ગહેલોતની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને શનિવારે એક ખાસ બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યના ઉચ્ચ સચીવ તથા આરોગ્ય વિભાગના અધિકારી ખાસ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કોરોનાની બીમારીથી સૌથી વધારે અસરગ્રસ્ત જિલ્લામાં ફરી રાત્રિ કર્ફ્યૂનું એલાન કરવામાં આવ્યું છે. કુલ 8 જિલ્લાઓમાં રાત્રિ કર્ફ્યૂ લાગાવી દેવામાં આવ્યું છે. આ આઠેય જિલ્લાઓમાં રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ રહેશે. રાજસ્થાનના પાટનગર જયપુર સિવાય પણ જોધપુર, કોટા, બીકાનેર, ઉદયપુર, અજમેર, અલવર અને ભીલવાડામાં રાત્રિ કર્ફ્યૂ લાગુ રહેશે. આ તમામ નગરમાં સાંજના 7 વાગ્યા સુધી જ માર્કેટ ખુલી રહેશે. 7 વાગ્યા બાદ માર્કેટની તમામ દુકાનો બંધ કરાવી દેવાશે. જ્યારે લગ્ન પ્રસંગોમાં 100થી વધારે લોકોને જોડાવવા માટેની કોઈ મંજૂરી આપવામાં આવી નથી. આ ઉપરાંત રાજ્યની તમામ મેડિકલ કૉલેજને કોવિડ ફ્રી કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત જ્યાં જે ઓફિસમાં 100થી વધારે કર્મચારીઓ છે ત્યાં માત્ર 80 ટકા સ્ટાફ રાખવા એલાન કરાયું છે. ફરજિયાત માસ્ક પહેરવા આદેશ આપવામાં આવ્યો છે. માસ્ક ન પહેરનાર સામે રૂ.200નો દંડ વધારીને રૂ.500 કરી દેવામાં આવ્યો છે. આ રાત્રિ કર્ફ્યૂમાં લગ્ન પ્રસંગે જતા લોકો, દવાની દુકાનવાળા તથા જીવન જરૂરિયાતની વસ્તુઓના વેપારીઓ, બસ, ટ્રેન તથા વિમાનમાં મુસાફરી કરનારાઓને રાત્રિ કર્ફ્યૂ દરમિયાન છૂટછાટ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ બોલાવેલી બેઠકમાં જે મંત્રીઓ જયપુરમાં હતા એ હાજર રહ્યા હતા. જે જયપુરની બહાર હતા તેમણે વીડિયો કોન્ફરન્સથી આ બેઠકમાં હાજરી આપી હતી. રાજસ્થાન રાજ્યમાંથી કોરોના વાયરસના એક જ દિવસમાં કુલ 3007 નવા કેસ નોંધાયેલા છે. જયપુરમાં 552 કેસ સામે આવતા કામ સિવાય કોઈએ બહાર ન નીકળવા સરકારે અપીલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp