મંદિર-મસ્જિદ પર ભાગવતના નિવેદનનું અફઝલ અંસારીએ કર્યું સમર્થન, થરૂર પણ બોલ્યા

PC: x.com/AfzalAnsariMP

RSSના વડા મોહન ભાગવતે દેશમાં સદ્ભાવનાની હિમાયત કરી હતી અને મંદિર-મસ્જિદને લઈને શરૂ થયેલા નવા વિવાદો પર નારાજગી વ્યક્ત કરી હતી. તાજેતરના વિવાદો પર પોતાના વિચારો વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પછી કેટલાક લોકો એવું વિચારે છે કે, આવા વિવાદો ઉભા કરીને તેઓ 'હિંદુઓના નેતા' બની જશે.

લેક્ચર સિરીઝ 'સહજીવન વ્યાખ્યાન માલા'માં 'ભારત-વિશ્વગુરુ' વિષય પર બોલતા, મોહન ભાગવતે કહ્યું, 'વિશ્વને એ બતાવવાની જરૂર છે કે, દેશ એક સાથે સદભાવનાથી રહી શકે છે.' ભારતીય સમાજના બહુલવાદ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે રામકૃષ્ણ મિશનમાં નાતાલની ઉજવણી કરવામાં આવે છે, તે ફક્ત આપણે જ કરી શકીએ છીએ કારણ કે આપણે હિન્દુ છીએ.'

મોહન ભાગવતનું આવું નિવેદન આવ્યા પછી અનેક નેતાઓની પ્રતિક્રિયાઓ આવી છે. સમાજવાદી પાર્ટીના સાંસદ અફઝલ અન્સારીએ કહ્યું, 'અમે ભાગવતના નિવેદનને આવકારીએ છીએ. કેટલાક નેતાઓ પ્રખ્યાત થવાના પ્રયાસમાં નિમ્ન કક્ષાએ ઉતરી જઈને કોઈ ચોક્કસ ધર્મના નેતા બનાવની કોશિશ કરે છે, હવે ભાગવત બોલ્યા છે, અમે તેમનું સ્વાગત કરીએ છીએ.'

આ દરમિયાન, SP સાંસદ મોહીબુલ્લા નદવીને જ્યારે મોહન ભાગવતના નિવેદન સાથે સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે કહ્યું, 'અત્યાચાર વધી રહ્યા છે, તેમાં કોઈ નક્કર હકીકત નથી હોતી. BJP જૂઠનો આશરો લે છે. BJP જે કરે છે તે ખેદજનક છે.'

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે મોહન ભાગવતના નિવેદન પર કહ્યું, 'હું ભાગવત જીના નિવેદન સાથે સંપૂર્ણ રીતે સહમત છું. બધી મસ્જિદોની નીચે શિવલિંગ શોધવાની જરૂર નથી. ઈતિહાસમાં ઘણું બધું થયું છે, 21મી સદીમાં આગળ વિચારવાનો સમય આવી ગયો છે. ભારત વિશે વિચારવાનો સમય આવી ગયો છે.'

SPના સાંસદ ધર્મેન્દ્ર યાદવે કહ્યું, 'મોહન ભાગવત, તમે BJPને કેમ નિયંત્રિત નથી કરી રહ્યાં? અમે કૈલાશ માનસરોવરને ચીનથી મુક્ત કરાવવા માટે આહ્વાન કરીએ છીએ. જો આપણે તે કરી શકીશું તો તે મોટી વાત હશે. દરેક મસ્જિદમાં આ લોકો વિવાદ ઊભો કરે છે.'

કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું, 'કહેવાનું અને કરવામાં કોઈ ફરક ન હોવો જોઈએ. સૂચન સારું છે, પરંતુ આ સલાહ એવા લોકોને આપવી જોઈએ જેઓ સંયમ જાળવવા અને ભારતના કાયદામાં વિશ્વાસ રાખવા અને કાયદાકીય વ્યવસ્થાને અનુસરવા માટે આ બધું કરે છે.'

જ્યારે, ભાગવતના નિવેદન પર, બિહારના પૂર્વ DyCM તેજસ્વી યાદવે કહ્યું, 'BJPનું તો આ જ કામ છે આવા બધા મુદ્દાઓ પર વાત કરવાનું. BJPએ દેશની પ્રગતિ, ભાઈચારો, લોકશાહી, ખેડૂતો અને બંધારણ પર પણ ચર્ચા કરવી જોઈએ.'

ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના જનરલ સેક્રેટરી યાસુબ અબ્બાસે આ મુદ્દે કહ્યું, 'હું RSSના વડા મોહન ભાગવતના નિવેદનનું સ્વાગત કરું છું. દરેક મસ્જિદની નીચે મૂર્તિની શોધ કરવી, દરેક મઝારની નીચે મંદિરની શોધ કરવી તે દેશની એકતા માટે બિલકુલ યોગ્ય નથી, કેટલીક વિદેશી તાકાતો છે, જે બંને તરફ જોરશોરથી કામ કરી રહી છે, એક તરફ હિંદુઓને કહી રહી છે તમે મૂર્તિ શોધો, તમે શિવલિંગ શોધો અને બીજી તરફ તે મુસ્લિમોને તેનો વિરોધ કરવા અને અલ્લાહુ અકબરના નારા લગાવવા કહે છે.'

તેમણે વધુમાં કહ્યું હતું કે, 'ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ સમયે દેશ માટે એ મહત્વનું છે કે, મંદિરો અને મસ્જિદો, જ્યાં લોકો માનસિક શાંતિ માટે જાય છે, તેમને વિવાદોમાં ન ખેંચવા જોઈએ. તેને રાજનીતિમાં ન લાવવું જોઈએ. જ્યાં મંદિર બની ગયું, ત્યાં મંદિર છે, જ્યાં મસ્જિદ બની ગઈ, ત્યાં મસ્જિદ છે. જો ઇન્સાનિયતનું લોહી વહેશે તો માનવી ક્યાં જશે?'

યાસૂબ અબ્બાસે કહ્યું કે, અમે અમારી બેઠકમાં તેનો અવાજ ઉઠાવ્યો કે, આ બધું બંધ થવું જોઈએ. કેટલાક લોકો સસ્તી લોકપ્રિયતા માટે અને નેતા બનવા માટે આવા મુદ્દા ઉઠાવતા હોય છે, જેથી કરીને કોઈ પણ રીતે તેઓ રાજકારણમાં પ્રવેશી શકે, ક્યાંકથી MP કે MLC બની શકે.

તેમણે વધુમાં કહ્યું કે, સરકારે આગળ આવવું પડશે. રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, આવા મુદ્દા ઉઠાવનારાઓ સામે કાર્યવાહી કરવી પડશે. જ્યારે સરકાર સખત પગલાં લેશે, ત્યારે બીજા અટકી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp