મણિપુરમાં સ્ટારલિંક જેવું ઉપકરણ મળવાથી એજન્સીઓ સતર્ક! મસ્કના જવાબે ચોંકાવ્યા

PC: freepressjournal.in

મણિપુરમાં સ્ટારલિંક જેવા ઉપકરણના મળવાથી ગભરાટ ફેલાઈ ગયો છે અને સુરક્ષા એજન્સીઓ તેની તપાસ કરી રહી છે. આ દરમિયાન સ્પેસએક્સના ફાઉન્ડર એલોન મસ્કનું નિવેદન સામે આવ્યું છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. હકીકતમાં, એલોન મસ્કએ કહ્યું કે ભારત ઉપર સ્ટારલિંક સેટેલાઇટ બીમ બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે તેણે તે તમામ દાવાઓને પણ ફગાવી દીધા, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, મણિપુરમાં સ્ટારલિંક ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સુરક્ષા દળોએ તાજેતરમાં ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના કેરાઓ ખુનૌમાં દરોડા દરમિયાન શસ્ત્રો અને દારૂગોળો સાથે કેટલાક ઇન્ટરનેટ ઉપકરણો જપ્ત કર્યા હતા. ભારતીય સેનાના સ્પીયર કોર્પ્સે જપ્ત કરાયેલી વસ્તુઓની તસવીરો ટ્વિટર પર શેર કરી હતી. આ પછી, સોશિયલ મીડિયા યુઝર્સે જોયું કે એક ઉપકરણ પર 'સ્ટારલિંક લોગો' હતો અને તે બિલકુલ સ્ટારલિંક ઉપકરણ જેવું દેખાતું હતું. રાજ્ય પોલીસના જણાવ્યા અનુસાર, કેરાઓ ખુનૌ પાસેથી જપ્ત કરાયેલ વસ્તુઓમાં 'ઇન્ટરનેટ સેટેલાઇટ એન્ટેના, ઇન્ટરનેટ સેટેલાઇટ રાઉટર અને આશરે 20 મીટર લાંબો FTP કેબલ'નો સમાવેશ થાય છે.

તેના તરફ ઈશારો કરીને એક એક્સ યુઝરે પોસ્ટ કર્યું, '@Starlinkનો આતંકવાદીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આશા છે કે @elonmusk આ તરફ ધ્યાન આપશે અને આ ટેકનોલોજીના દુરુપયોગને નિયંત્રિત કરવામાં મદદ કરશે.' આના પર એલોન મસ્કે જવાબ આપ્યો, 'આ ખોટું છે. ભારત ઉપર સ્ટારલિંક સેટેલાઇટ બીમ બંધ કરી દેવામાં આવ્યા છે. આ પછી, સવાલ ઉઠવા લાગ્યો કે જો આ ઉપકરણ સ્ટારલિંકનું નથી, તો તે કયું ઉપકરણ છે અને તેના પર સ્ટારલિંકનો લોગો ક્યાંથી આવ્યો. હવે સુરક્ષા એજન્સીઓ આ અંગે તપાસ કરી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્ટારલિંક જેવા સાધનોની પુનઃપ્રાપ્તિએ એજન્સીઓને પણ તપાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે કે, સાધનો સંઘર્ષગ્રસ્ત રાજ્યમાં કેવી રીતે પહોંચ્યા. મસ્કની સ્ટારલિંક, જે સેટેલાઇટ ઈન્ટરનેટ સેવાઓ પૂરી પાડે છે, તેની પાસે ભારતમાં ઓપરેટ કરવા માટેનું લાઇસન્સ નથી. ગયા વર્ષે મેથી મણિપુરમાં મેઇતેઈ અને કુકી જૂથો વચ્ચે જાતિય અથડામણોમાં 250થી વધુ લોકો માર્યા ગયા અને હજારો લોકો બેઘર થઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp