અખિલેશે છોડ્યો સાથ, CM ઓમર કરે છે નખરા, શું થશે ઈન્ડિયા ગઠબંધનનું?
કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024માં શાનદાર પ્રદર્શન કર્યું તો પાર્ટીએ તેનો શ્રેય તેના નેતા રાહુલ ગાંધીને આપ્યો. એવું લાગી રહ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી હાંસિયામાં રહેલી કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર સક્રિય થશે. પરંતુ છેલ્લા છ મહિનાના રાજકીય ઉથલપાથલ પર નજર કરીએ તો એવું થતું દેખાતું નથી. એક પછી એક INDIA એલાયન્સના સાથીદારો રાહુલ ગાંધીના નેતૃત્વની આવડત પર સવાલો ઉઠાવી રહ્યા છે. CM ઓમર અબ્દુલ્લા હોય કે અખિલ યાદવ હોય કે CM મમતા બેનર્જી… એક પછી એક બધા રાહુલની કોંગ્રેસનો હાથ મજબૂતીથી પકડવાને બદલે છોડી રહ્યા હોય તેમ લાગે છે.
એક દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લા કોંગ્રેસ પાર્ટી વિશે ઘણું બધું બોલ્યા હતા અને તેમણે કહ્યું કે, કોંગ્રેસે વારંવાર ચૂંટણી હાર્યા પછી EVM પર સવાલ ઉઠાવવાની પ્રથા બંધ કરવી જોઈએ. તેમણે કહ્યું કે જ્યારે તમે આ EVMનો ઉપયોગ કરીને સંસદમાં 100થી વધુ બેઠકો જીતી લીધી હતી, તો પછી તમે થોડા મહિનાઓ પછી પાછા ફરીને એમ ન કહી શકો કે અમને આ EVM પસંદ નથી કારણ કે આ વખતે ચૂંટણીના પરિણામો અમે ઈચ્છતા હતા તે રીતે આવ્યા નથી. કોંગ્રેસ જમ્મુ-કાશ્મીર સરકારનો હિસ્સો છે પરંતુ તેમ છતાં તેમની પાસે આ કેન્દ્રશાસિત પ્રદેશની સરકારમાં કોઈ મંત્રી નથી. અબ્દુલ્લાએ રાજ્યની રાજનીતિમાં કોંગ્રેસ પાર્ટીને બહુ મહત્વ આપ્યું નથી.
INDIA ગઠબંધનના સહયોગી અખિલેશ યાદવ પણ કોંગ્રેસ પાર્ટીથી દૂર થતા હોય તેમ લાગી રહ્યું છે. આ તરફ સમાજવાદી પાર્ટી મહારાષ્ટ્રના મહાવિકાસ અઘાડી ગઠબંધનમાંથી પણ બહાર આવી ચૂકી છે. બીજી તરફ દિલ્હી ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આમને-સામને છે. જ્યારે, અખિલેશ યાદવ કોંગ્રેસથી દૂર જઈને અરવિંદ કેજરીવાલ સાથે ઉભા જોવા મળે છે. આજે એટલે કે 16મી ડિસેમ્બરે AAPએ દિલ્હીમાં BJPને ઘેરવા માટે 'મહિલા અદાલત' નામનો વિશેષ કાર્યક્રમ યોજ્યો છે. જેમાં અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવ એક મંચ પર સાથે જોવા મળશે. આ પહેલા પણ UP પેટાચૂંટણી દરમિયાન અખિલેશ યાદવ કોંગ્રેસ પ્રત્યે પોતાનું કડક વલણ બતાવી ચુક્યા છે. ત્યારપછી કોંગ્રેસ સાથે વાત કર્યા વિના તેમણે તમામ સીટો પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. ત્યાર પછી કોંગ્રેસ પાર્ટીએ UP પેટાચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો.
કોંગ્રેસ પાર્ટી ઇચ્છે છે કે, રાહુલ ગાંધીને INDIA ગઠબંધનના પ્રમુખ બનાવવામાં આવે. જોકે, સાથી પક્ષો આ માટે તૈયાર નથી. CM મમતા બેનર્જીએ INDIA ગઠબંધનની કમાન પોતાના હાથમાં લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અખિલેશ યાદવ સહિત અનેક વિપક્ષી દળોએ ગઠબંધનમાં CM મમતાને મોટી જવાબદારી આપવાનું સમર્થન કર્યું હતું. બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીએ CM મમતાને કમાન્ડ આપવાની ફોર્મ્યુલા પર ચુપકીદી સેવી હતી અને ન તો તેના માટે હા પાડી છે, ન તો તેના માટે ના પાડી છે.
અહીં મોટો પ્રશ્ન એ છે કે, CM મમતા બેનર્જી હોય કે, અખિલેશ યાદવ, CM ઓમર અબ્દુલ્લા હોય કે, કેજરીવાલ. કોંગ્રેસ પાર્ટી અને તેના નેતા રાહુલ ગાંધીનું નેતૃત્વ સ્વીકારવા કેમ કોઈ તૈયાર નથી? હાલમાં, જો INDIA ગઠબંધનમાં સ્થિતિની દ્રષ્ટિએ જોવામાં આવે તો, કોંગ્રેસ સૌથી વધુ લોકસભા બેઠકો જીતનારી સૌથી મોટી પાર્ટી છે. આમ છતાં તમામ પક્ષો શા માટે રાહુલ ગાંધીના નેતૃત્વ પર શંકા કરે છે? વર્તમાન સ્થિતિને જોતા એવું લાગે છે કે, રાજ્યોમાં કોંગ્રેસની સતત હાર તેનું મુખ્ય કારણ છે. હરિયાણા જેવા રાજ્યમાં કોંગ્રેસની જીત નિશ્ચિત જણાતી હતી, પરંતુ તેમ છતાં પાર્ટી કંઈ ખાસ કરી શકી નથી. જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ સન્માનજનક બેઠકો જીતી શકી નથી. આપણે બધાએ મહારાષ્ટ્રમાં MVAની હાલત તો જોઈ જ છે. આ પહેલા મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના ચૂંટણી પરિણામોએ પણ રાહુલ ગાંધીના નેતૃત્વની ગુણવત્તા પર સવાલો ઉભા કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp