મોદી સરકાર કોવિડ મહામારીની પરિસ્થિતિનું ખૂબ જ યોગ્ય રીતે સંચાલન કરી રહી છેઃ શાહ

PC: PIB

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, મોદી સરકાર કોવિડ મહામારીની પરિસ્થિતિનું ખૂબ જ યોગ્ય રીતે સંચાલન કરી રહી છે અને દિલ્હીમાં પણ સ્થિતિ હાલમાં નિયંત્રણ હેઠળ છે. એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, દિલ્હીમાં કોઇ પ્રકારે સામુદાયિક સંક્રમણ નથી અને ચિંતાનું કોઇ જ કારણ નથી. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ જૂનના બીજા સપ્તાહમાં એક નિવેદનમાં કહ્યું હતું કે, દિલ્હીમાં સ્થિતિ ખરાબ છે અને જુલાઇના અંત સુધીમાં દેશની રાજધાની દિલ્હીમાં કોવિડથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 5.5 લાખ સુધી પહોંચી જશે, જેના કારણે લોકોમાં ભારે ચિંતા અને ગભરાટનો માહોલ ઉભો થયો હતો.

અમિત શાહે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દિલ્હી સરકારની પોતાની જવાબદારી છે કે તેઓ દિલ્હીની પરિસ્થિતિને સારી રીતે સંભાળવા માટે યોગ્ય પગલાં લે પરંતુ નાયબ મુખ્યમંત્રીએ કરેલી આ ટિપ્પણી પછી ભારત સરકારે તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર પડી છે. વધુ પરીક્ષણોના કારણે હવે, ચેપગ્રસ્ત લોકોની સંખ્યાનો દર વધ્યો છે, પરંતુ તેનાથી સામેની બાજુ જોઇએ તો, ફાયદો એ થયો છે કે, જેમનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને જેમના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે તેઓ હવે આઇસોલેશનમાં રહેશે અને તેના કારણે હવે ચેપનો વધુ ફેલાવો અટકશે.

તેમણે જણાવ્યું હતું કે, પરીક્ષણની સંખ્યા અનેકગણી વધારી દેવામાં આવી છે. અમિત શાહે માહિતી આપી હતી કે, 14 જૂને દિલ્હીમાં 9,937 બેડ ઉપલબ્ધ હતા તેની સરખામણીએ અત્યારે 30,000 બેડ ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ઘરે ઘરે જઇને સર્વે કરવાની કામગીરી 30 જૂન સુધીમાં પૂરી થઇ જશે. આ ઉપરાંત, સેરોલોજિકલ સર્વે પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp