હોમ મિનિસ્ટર અમિત શાહ કોરોના પોઝિટિવ, ટ્વીટ કરીને આપી જાણકારી

PC: twitter.com/AmitShah

આખા દેશમાં કોરોનાનો કહેર છે, ત્યારે એક ચોંકાવનારા ખબર સામે આવ્યા છે. દેશના હોમ મિનિસ્ટર અમિત શાહ કોરોના પોઝિટિવ આવ્યા છે, આ અંગે અમિત શાહે પોતે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, કોરોનાના શરૂઆતના લક્ષણ દેખાતા મેં ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત સારી છે, પરંતુ ડૉક્ટર્સની સલાહ પર હું હોસ્પિટલમાં એડમીટ થઇ રહ્યો છું. મારી અપીલ છે કે, તમારામાંથી જે પણ કોઇ મારા સંપર્કમાં આવ્યા હોય, તેઓ કૃપયા પોતાને આઇસોલેટ કરીને પોતાની તપાસ કરાવે.

ઉલ્લેખનીય છે કે, અમિત શાહ છેલ્લા કેટલાય દિવસથી ઘણા કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા હતા. અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ તેમના સંપર્કમાં આવ્યા હતા. કોરોનાએ દેશના અનેક નેતાઓને પોતાની ચપેટમાં લઇ લીધા છે. ઘણા નેતાના નિધન પણ થયા છે.

ગઇકાલે જ તેઓ લોકમાન્ય તિલકની 100મી પુણ્યતિથિના કાર્યક્રમમાં ગયા હતા...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં મહાન સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય બાળ ગંગાધર તિલકની 100મી પુણ્યતિથિ નિમિત્તે ‘લોકમાન્ય તિલક-સ્વરાજથી આત્મનિર્ભર ભારત’ વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય વેબિનારનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદના ઉપક્રમે આ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, લોકમાન્ય બાળ ગંગાધર તિલકે ભારતની સ્વતંત્રતાની ચળવળને શબ્દશઃ સંપૂર્ણ બનાવવા માટે મહત્વની ભૂમિકા નિભાવી હતી. સ્વતંત્રતાની ચળવળમાં તિલકે અજોડ યોગદાન આપ્યું હતું, તેમણે પોતાના જીવનની દરેક ક્ષણ રાષ્ટ્રને સમર્પિત કરી હતી અને ક્રાંતિકારીઓની આદર્શવાદી પેઢીનું સર્જન કર્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે લઇને જ રહીશ’ સૂત્ર લોકમાન્ય તિલકે આપ્યું હતું, જે હંમેશા ભારતની સ્વતંત્રતાની ચળવળના ઈતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે. અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, આ સૂત્ર આપણા સમયમાં બોલવામાં કદાચ સહજ લાગી શકે છે પરંતુ 19મી સદીમાં સંખ્યાબંધ લોકોએ આ બોલવાની હિંમત કરી હતી અને તેને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા માટે તેમના જીવનનું બલિદાન આપી દીધું હતું. તિલકે આપેલું આ સૂત્ર ભારતીય સમાજને જાગૃત કરવામાં અને સ્વતંત્રતાની ચળવળને લોક ચળવળમાં રૂપાંતરિત કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, લોકમાન્ય તિલકજી પૂર્વે, લોકો ‘ગીતા’ના ‘સંયમ’ વિશે જાણતા હતા પરંતુ તિલકજી જ્યારે જેલમાં હતા ત્યારે, તેમણે ‘ગીતા રહસ્ય’ લખ્યું અને ગીતામાં ઉલ્લેખિત ‘કર્મયોગ’ને લોકો સમક્ષ લાવ્યા. તિલકનું ‘ગીતા રહસ્ય’ હજુ પણ લોકો માટે માર્ગદર્શક છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, છટાદાર વક્તા, ઉત્તમ વિચારક, તત્વચિંતક, સહજ લેખક અને સમાજ સુધારક હોવા છતાં પણ તિલક હંમેશા નિરાભિમાની રહીને પાયાના સ્તરે જોડાયેલા રહ્યા હતા.

અમિત શાહે વધુમાં ઉમેર્યું હતું કે, રાષ્ટ્ર તરીકે ભારત, ભારતીય સંસ્કૃતિ અને ભારતીય રીતરિવાજો અંગેનો તિલકજીનો વિચાર આજે પણ એટલો જ સાંદર્ભિક છે. યુવાનોનો અનુરોધ કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, જો કોઇ ભારતના કિર્તીમાન ઈતિહાસ અને ભારતીય સંસ્કૃતિ વિશે જાણવા માંગતા હોય તો, તેમણે બાળ ગંગાધર તિલકના લખાણો સમજવા પડશે. તેમણે યુવાનોને એવી પણ સલાહ આપી હતી કે, તેમના સાહિત્યિક લખાણનું વાંચન કરવાથી તિલકના મહાન વ્યક્તિત્વ વિશે તેમને નવું જ્ઞાન મળશે અને તેમના જીવનમાંથી પ્રેરણા લઇને, યુવાનો પોતાના જીવનમાં નવી ઊંચાઇએ શિખરો સર કરવા માટે સમર્થ બનશે. અમિત શાહે જણાવ્યું હતું કે, ભારતીય ભાષાઓ અને ભારતીય સંસ્કૃતિમાં લોકમાન્ય તિલકનો વિશ્વાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારની નવી શિક્ષણ નીતિમાં સ્પષ્ટ ઝળકે છે. તિલકના વિચારોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવા ભારત અને આત્મનિર્ભર ભારતની દૂરંદેશી દ્વારા પ્રોત્સાહન મળી રહ્યું છે.

દેશમાં કુલ કેસ 1750723....

દેશની વાત કરીએ તો 2 ઓગસ્ટ સવારે 8 કલાક સુધીના રિપોર્ટ મુજબ દેશમાં નવા 54735 કેસ સામે આવ્યા છે, જેની સાથે કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 1750723 પર પહોંચી ગઈ છે અને અત્યારસુધીમાં દેશમાં 37364 લોકોના મોત થયા છે. જ્યારે 567730 એક્ટિવ કેસ છે અને 1145629 સાજા થયા છે. આજે 51255 લોકો સાજા થયા છે. આજે 853 લોકોના મોત થયા છે. કુલ ટેસ્ટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 4,63,172 ટેસ્ટ થયા છે અને અત્યારસુધીમાં કુલ  1,98,21,831 ટેસ્ટ થયા છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 431719 કન્ફર્મ કેસ છે, જ્યારે ત્યારબાદ તામિલનાડુમાં 251738 કેસ છે. આંધ્ર પ્રદેશમાં પણ 150209 કેસ છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં 15316 મોત થયા છે, જ્યારે તામિલનાડુમાં 4034 અને આંધ્ર પ્રદેશમાં 1407 મોત થયા છે. મહારાષ્ટ્રમાં આજે 9601 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે તામિલનાડુમાં 5879 અને આંધ્ર પ્રદેશમાં 9276 કેસ નવા સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 266883 લોકો રિકવર થઇ ગયા છે, જ્યારે તામિલનાડુમાં 190966 અને આંધ્ર પ્રદેશમાં 76614 લોકો રિકવર થઇ ગયા છે.

અન્ય રાજ્યોની વાત કરીએ તો કર્ણાટકમાં 5172 ઉત્તર પ્રદેશમાં 3587, પશ્ચિમ બંગાળમાં 2589, તેલગાંણામાં 2083, બિહારમાં 3007 અને આસામમાં 1457 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે વિશ્વની વાત કરીએ તો કુલ 17,396,943 પોઝિટિવ કેસો દુનિયામાં આવી ગયા છે અને 675,060 લોકોના મોત થયા છે. આજે દુનિયાભરમાં 289,321 નવા કેસ સામે આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp