શું મંત્રી પદ ન મળતા ગુસ્સે થયેલા ભુજબળ DyCM અજિત પવારને દોડતા કરશે?
મહારાષ્ટ્રમાં મહાયુતિને જીત તો ખુબ આસાનીથી મળી ગઈ, પરંતુ સરકાર બનાવવી ખુબ મુશ્કેલ કામ હતું. CM પદને લઈને ઘણી ઉઠાપટક થઇ હતી. લગભગ 12 દિવસના સસ્પેન્સ પછી દેવેન્દ્ર ફડણવીસ CM બન્યા. પરંતુ ફરી એકવાર પોર્ટફોલિયોમાં ફાળવવામાં વિલંબ થયો અને સસ્પેન્સના વાદળો છવાઈ ગયા. હાલમાં જ CM દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં ઘણી ખટપટ અને વિલંબ વચ્ચે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. હવે જ્યારે કેબિનેટનું વિસ્તરણ થઇ ગયું છે, છતાં પણ ઝઘડાનો અંત આવ્યો નથી. મહાયુતિમાં મંત્રી પદ ન મળવાને કારણે ભારે નારાજગી જોવા મળી રહી છે. NCPના છગન ભુજબળને મંત્રી ન બનાવાતા તેઓ ભારે ગુસ્સામાં છે. હવે તેમણે પોતાની પાર્ટીના વડા DyCM અજિત પવાર પર પ્રહારો શરૂ કર્યા છે. છગન ભૂજબળ સ્પષ્ટ કહી રહ્યા છે કે, CM ફડણવીસ તેમને મંત્રી બનાવવા માંગતા હતા, પરંતુ DyCM અજિત પવાર તૈયાર ન હતા.
મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત સમાચાર અનુસાર, NCPના વરિષ્ઠ નેતા છગન ભુજબળ મહાયુતિ 2.0 સરકારમાં મંત્રી પદ ન મળવાથી નારાજ છે. તેઓ એટલા બધા ગુસ્સામાં છે કે, તેઓ સીધા DyCM અજિત પવારને ટાર્ગેટ કરી ને કહી રહ્યા છે કે, તેઓ કંઈ રમવાનું રમકડું નથી. હા, છગન ભુજબળે મંગળવારે પોતાની જ પાર્ટીના વડા DyCM અજિત પવાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, મને ખબર છે કે, CM મને કેબિનેટમાં સામેલ કરવા માંગતા હતા અને મેં તેની પુષ્ટિ પણ કરી હતી. જેમ BJPમાં CM દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનામાં DyCM એકનાથ શિંદે નિર્ણયો લે છે, તેવી જ રીતે NCPમાં DyCM અજિત પવાર અંતિમ નિર્ણય લે છે.'
બળવાખોર વલણ અપનાવતા છગન ભુજબળે કહ્યું હતું કે, 'હું કોઈ રમવાનું રમકડું નથી, કે જેની સાથે તેઓ તેમની મરજી મુજબ રમી શકે.' તેમની નારાજગીનું બીજું કારણ એ પણ છે કે, પક્ષમાં કોઈ નિર્ણય માટે તેમનો અભિપ્રાય લેવામાં આવતો નથી. તેમણે કહ્યું, 'જ્યારે હું અન્ય પક્ષોમાં હતો ત્યારે મારા વિચારોને મહત્વ આપવામાં આવતું હતું, પછી તે શિવસેના હોય, કોંગ્રેસ હોય કે શરદ પવારની NCP.' હકીકતમાં, છગન ભુજબલ અવિભાજિત NCPના તે વરિષ્ઠ નેતાઓમાંના એક છે, જેમણે DyCM અજિત પવારે પક્ષ છોડ્યો ત્યારે તેમને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, શરદ પવાર તેમના રાજકીય ગુરુ છે. આમ છતાં તેમણે DyCM અજિત પવારને સમર્થન આપવાનો નિર્ણય લીધો હતો. DyCM અજિત પવાર જ તેમને NCPમાં લાવ્યા અને મહારાષ્ટ્રના અધ્યક્ષ બનાવ્યા. આ પછી તેઓ બે વખત DyCM પણ રહ્યા.
છગન ભુજબળે કહ્યું, 'કોઈપણ નિર્ણય લેતા પહેલા પાર્ટીમાં ચર્ચા થવી જોઈએ. BJPની યાદી પણ ચર્ચા માટે દિલ્હી જાય છે. પવાર સાહેબ (શરદ પવાર) પણ તે વસ્તુઓ પર વાતચીત કરતા. પરંતુ અહીં છેલ્લે સુધી કોઈને ખબર નથી થતી કે શું થવાનું છે.' તેમણે કહ્યું, 'NCP માત્ર ત્રણ નેતાઓ, DyCM અજિત પવાર, પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરે દ્વારા ચલાવવામાં આવે છે. ચૂંટણીની ટિકિટ આપવાથી લઈને મંત્રીઓ અને વિભાગો ફાળવવાના નિર્ણયો લેવા સુધી દરેક બાબતમાં અમારું કોઈ યોગદાન જ નથી.'
છગન ભુજબળે ફરી વખત કહ્યું કે, CM દેવેન્દ્ર ફડણવીસ તેમને કેબિનેટમાં લેવા ઇચ્છતા હતા. તેમણે કહ્યું કે આ એકદમ પાક્કી માહિતી છે. પરંતુ NCPમાં અંતિમ નિર્ણય DyCM અજિત પવાર દ્વારા જ લેવામાં આવે છે.' જો કે, તેમણે એમ પણ કહ્યું કે, મંત્રી પદ ન મળવું એટલો મોટો મુદ્દો નથી, જેટલી તેમની અવગણના કરવામાં આવે છે. તેમના સમર્થકોએ તેમને NCP (અજિત જૂથ) છોડવાની માંગ કરી છે. છગન ભુજબળ OBC નેતા છે. હાલ તેઓ તેમના સમર્થકોની સલાહ લઈ રહ્યા છે. તેઓ જલ્દી જ બધાને પોતાની ભવિષ્યના પગલાંથી વાકેફ કરશે. સૂત્રોનું કહેવું છે કે, છગન ભુજબળ અજીત જૂથની NCPથી અલગ થઈ શકે છે. હવે જોવાનું એ રહે છે કે તેઓ આવું ક્યારે કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp