કેજરીવાલે આ લોકોને ચેતવ્યા- 'ખોટું કામ ન કરતા નહીંતર...'
દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા, આમ આદમી પાર્ટીના વડા અને પૂર્વ CM અરવિંદ કેજરીવાલે રવિવારે ભારતીય જનતા પાર્ટી પર રાષ્ટ્રીય રાજધાનીમાં ચૂંટણી પ્રક્રિયામાં છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હીના પૂર્વ CMએ દાવો કર્યો હતો કે BJP ઓપરેશન લોટસ હેઠળ મતદાર યાદી સાથે છેડછાડ કરી રહી છે. તેમણે કહ્યું કે આ ઓપરેશન 15 ડિસેમ્બરથી ચાલી રહ્યું છે. અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ 15 દિવસમાં તેમણે લગભગ 5000 વોટ ડિલીટ કરવા અને 7500 વોટ ઉમેરવાની અરજીઓ આપી છે. જો તમે વિધાનસભાના કુલ મતદારોના લગભગ 12 ટકા મતદારોને પ્રભાવિત કરી રહ્યા છો, તો પછી ચૂંટણી કરાવવાની શું જરૂર છે? ચૂંટણીના નામે એક પ્રકારની રમત ચાલી રહી છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું, 'BJPએ દિલ્હીમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. તેમની પાસે ન તો CM પદ માટે કોઈ ચહેરો છે, ન કોઈ વિઝન છે કે ન કોઈ વિશ્વસનીય ઉમેદવાર. કોઈપણ કિંમતે ચૂંટણી જીતવા માટે, તેઓ મતદાર યાદીમાં છેડછાડ જેવી અપ્રમાણિક રણનીતિ અપનાવી રહ્યા છે.' કેજરીવાલે વધુમાં આરોપ લગાવ્યો કે, 'આ કામગીરી આગામી દિલ્હી રાજ્યની વિધાનસભા ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કરવામાં આવી હતી.'
AAPના વડા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'જ્યારે ચૂંટણી પંચે બે મહિના સુધી ડોર-ટુ-ડોર વોટિંગ કાર્ડ બનાવ્યા, હવે 15 દિવસમાં આ હજારો લોકો ક્યાં ગયા અને ક્યાં ક્યાં વોટિંગ કાર્ડ બનાવાઈ રહ્યા છે. BJP બહારથી લોકોને લાવીને નકલી વોટિંગ કાર્ડ બનાવી રહી છે. અધિકારીઓ, તમે ખોટું કામ ન કરતા. કાગળો પર તમારી સહીઓ હશે, જે દિવસે સરકાર બદલાશે, તે વખતે તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે.' એટલું જ નહીં, અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી વિધાનસભા સીટ પર મતદાર યાદીમાં નામ ઉમેરવા અને દૂર કરવા માટેની અરજીઓમાં વધારા અંગે જિલ્લા ચૂંટણી અધિકારીને એક પત્ર લખ્યો છે.
ભારતીય જનતા પાર્ટીએ અરવિંદ કેજરીવાલ પર વળતો પ્રહાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, આ એ જ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી છે, જે કહેતા હતા કે BJP રોહિંગ્યાઓને લાવી છે. શું તમને લાગે છે કે તે રોહિંગ્યાઓ કોઈપણ સંજોગોમાં BJPને મત આપશે. તેમણે મત માટે તેઓને અહીં સ્થાયી કર્યા છે. તેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવે તો લોકશાહી માટે સારું રહેશે. દિલ્હીના ચૂંટણી પરિણામો હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા જ હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp