સ્થાનિક લોકડાઉનને કારણે એપ્રિલમાં 75 લાખ લોકોએ નોકરી ગુમાવીઃ CMIE

PC: medium.com

દેશમાં કોરોનાની બીજી લહેરને અકુંશમાં લેવા માટે કેટલાંક રાજયોએ સ્થાનિક સ્તરે નાંખેલા લોકડાઉનને કારણે રોજગારી પર માઠી અસર પડી છે. સ્થાનિક લોકડાઉનને કારણે એપ્રિલ મહિનામાં 75 લાખ લોકોએ નોકરી ગુમાવી છે.તો બીજી તરફ બેરોજગારીનો દર ઉચ્ચત્તમ શિખર પર પહોંચીને 8 ટકા પર પહોંચી ગયો છે. આ આંકડા સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)એ રજૂ કર્યા છે. CMIEનું માનવું છે કે આગામી સમય રોજગારી માટે વધારો કપરો જોવા મળી શકે તેમ છે.

CMIEના મેનેજિંગ ડિરેકટર અને સીઇઓ મહેશ વ્યાસનું કહેવું છે કે રોજગાર ક્ષેત્રમાં આગળ પણ સ્થિતિ પડકારરૂપ રહેશે. તેમણે કહ્યું કે માર્ચની સરખામણીએ એપ્રિલમાં 75 લાખ લોકોની નોકરી ગઇ છે .જેને કારણે બેરાજગારીના દરમાં વધારો થયો. સેન્ટરના પ્રારંભિક આંકડામાં જણાવાયું છે કે એપ્રિલમાં રાષ્ટ્રીય બેરોજગારી દર 7.9 ટકા, શહેરી વિસ્તારમાં 9.78 ટકા અને  ગ્રામીણ ક્ષેત્રમાં 7.13 ટકા રહ્યો. માર્ચ મહિનામાં રાષ્ટ્રીય બેરોજગારીનો દર 6.50 ટકા હતો.

મહેશ વ્યાસનું કહેવું છે કે કોરોનાની બીજી લહેરમાં સ્થાનિક સ્તરે નાના નાના લોકડાઉન લગાવવામાં આવી રહ્યા છે. આ દરમ્યાન માત્ર આવશ્યક સેવાઓને જ પરવાનગી આપવામાં આવી રહી છે. જેને કારણે આર્થિક ગતિવિધિઓ ધીમી પડી છે.જેની અસર નોકરીઓ પર પડી છે. વ્યાસે કહ્યું કે મને એ નથી ખબર કે કોરોનાની બીજી લહેરની પીક કયારે આવશે, પણ રોજગારના મોર્ચે તનાવને જોઇ શકું છું.

CMIEના મહેશ વ્યાસે કહ્યું કે જો કે સારી વાત એ છે કે અત્યારે સ્થિતિ પહેલાં લોકડાઉન જેવી નથી. ગયા વર્ષે લોકડાઉનમાં બેરોજગારીનો દર 24 ટકા સુધી પહોંચી ગયો હતો.

દેશમાં કોરોનાના આંકડા પર નજર નાંખીએ તો છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 3.55 લાખ નવા કેસ દેશમાં આવ્યા છે. છેલ્લાં 24 કલાકમાં 3436 લોકોના મોત થયા છે. પોઝિટિવ વાત જોઇએ તો છેલ્લાં 24 કલાકમાં દેશમાં 3.18 લાખ લોકો કોરોનાને માત આપીને સાજા થઇ ગયા છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 2.02 કરોડ લોકો સંક્રમિત થયા છે. એની સામે અત્યાર સુધીમાં 1.66 કરોડ લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 2.22 લાખ લોકોના કોરોનાને કારણે મોત થયા છે. એકટીવ દર્દીઓની સંખ્યા દેશમાં 34.43 લાખ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp