આસામની ભાજપ સરકારનો મોટો નિર્ણય, 4 જિલ્લાઓ ભેગા કરાશે, કારણ ન આપ્યું

PC: amarujala.com

આસામ કેબિનેટે શનિવારે ચાર જિલ્લાઓને હાલના જિલ્લાઓ સાથે મર્જ કરવાનો અને 14 સ્થળોએ ફરીથી સીમાઓ નક્કી કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય વિધાનસભા અને સંસદીય બેઠકો માટે સીમાંકન કવાયત શરૂ કરવાની ચૂંટણી પંચ (EC)ની સમયમર્યાદાના એક દિવસ પહેલા લેવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં આસામ કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેના અનુસાર વિશ્વનાથ જિલ્લો સોનિતપુર સાથે, હોજઈને નૌગાંવ સાથે, બજાલીને બારપેટા સાથે અને તમૂલપુરને બક્સામાં જોડવામાં આવશે. આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે અને જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આસામમાં જિલ્લાઓની સંખ્યા હવે 35 થી ઘટીને 31 થઈ જશે.

આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે, હું આજે લીધેલા નિર્ણયોથી બહુ સહજ નથી, પરંતુ કેટલીકવાર આપણે વહીવટી જરૂરિયાતો અને આસામના સારા ભવિષ્ય માટે, રાજ્યના લોકોની એકંદર સુખાકારીને ધ્યાનમાં રાખીને કેટલાક પગલાં લેવા પડે છે.

સરમાએ કહ્યું, આ એક ટ્રાંજિશનલ તબક્કો છે અને સીમાંકનની કવાયત પૂરી થયા પછી, અમે ચાર જિલ્લાઓને ફરીથી જીવંત કરીશું. આ દરમિયાન ચારેય જિલ્લામાં ન્યાયિક, પોલીસ અને વહીવટી કચેરીઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. મુખ્યમંત્રીએ કહ્યું કે વહીવટી કારણોસર 14 વિસ્તારોની સીમાઓ ફરીથી નક્કી કરવામાં આવશે.

27 ડિસેમ્બરના રોજ, ચૂંટણી પંચે 126 વિધાનસભા અને 14 સંસદીય બેઠકોના નવા સીમાંકનની જાહેરાત કરી હતી અને 1 જાન્યુઆરીથી નવા વહીવટી એકમોની રચના પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમણે કહ્યું કે કામરૂપ (ગ્રામીણ) જિલ્લામાં આવતા ઉત્તરી ગુવાહાટીના મ્યુનિસિપલ વિસ્તારને હવે કામરૂપ (મેટ્રોપોલિટન) જિલ્લામાં સામેલ કરવામાં આવશે. સરમાએ કહ્યું, આ નિર્ણયોની જરૂર હતી. મારા કેબિનેટ સાથીદારો આ વિસ્તારોની મુલાકાત લેશે અને સ્ટેકહોલ્ડર્સ સાથે વાત કરશે અને સમજાવશે કે અમારે તેમને લેવાની જરૂર કેમ છે. હું આશા રાખું છું કે જનતા અમારા વિચારને સમજશે અને અમને સહકાર આપશે.

સરમાએ કહ્યું કે, અમારે આ નિર્ણયો વર્ષના અંતિમ દિવસે લેવા પડ્યા કારણ કે ચૂંટણી પંચે પહેલેથી જ સીમાંકનની કવાયત શરૂ કરી દીધી છે અને આવતીકાલથી કવાયત પૂરી ન થાય ત્યાં સુધી અમે આવા કોઈ પગલાં લઈ શકીશું નહીં. અમે એક પછી એક આ પગલાં લઈ શક્યા હોત, પરંતુ અમારે તેમને એક જ સમયે એક સાથે જોડવા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp