VHPના કાર્યક્રમમાં અલ્હાબાદ હાઈ કોર્ટના જજે કહ્યું- બહુમતીના હિસાબે ચાલશે દેશ

PC: PIB

અલ્હાબાદ હાઈકોર્ટના જજ જસ્ટિસ શેખર કુમાર યાદવ 8 ડિસેમ્બરે વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું કે, હિંદુઓ એવી અપેક્ષા રાખતા નથી કે, મુસ્લિમો તેમની સંસ્કૃતિનું પાલન કરે, બલ્કે તેઓ ફક્ત એટલું ઈચ્છે છે કે, તેઓ તેનો અનાદર ન કરે. તેમણે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCC વિશે પણ વાત કરી. આ સાથે જ તેમણે કહ્યું કે, આ ભારત છે અને તે બહુમતીની ઈચ્છા પ્રમાણે ચાલશે.

આ કાર્યક્રમમાં ઘણા વકીલો અને VHP કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. તેમને સંબોધતા જસ્ટિસ શેખર કુમારે વધુમાં કહ્યું કે, અમે અમારા બાળકોને જન્મથી જ સહનશીલતા અને દયા શીખવીએ છીએ. અમે તેમને પ્રાણીઓ અને પ્રકૃતિને પ્રેમ કરવાનું શીખવીએ છીએ. બીજાના દુઃખને લીધે આપણે દુઃખી થઈએ છીએ. પણ તમે તેવું અનુભવતા નથી. શા માટે... જ્યારે તમે પ્રાણીઓને તેમની સામે મારશો, તો તમારું બાળક સહનશીલતા અને દયા કેવી રીતે શીખશે?

મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે ભારતના બહુમતી વિશે પણ વાત કરી. જસ્ટિસ શેખર કુમારે કહ્યું, મને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે, આ ભારત છે અને તે બહુમતીની ઈચ્છા પ્રમાણે ચાલશે.

હિંદુ રીતિ-રિવાજો માનવા અને મહિલાઓના આદર અંગે તેમણે કહ્યું હતું કે, 'અમને એવી અપેક્ષા નથી કે, તમે લગ્ન કરતી વખતે અગ્નિની આસપાસ સાત ફેરા લો... અમે અપેક્ષા નથી રાખતા કે, તમે ગંગામાં ડૂબકી મારો... પરંતુ અમે તમારી પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે, તમે દેશની સંસ્કૃતિ, દેવતાઓ અને મહાન નેતાઓનો અનાદર ન કરો. તમે તે સ્ત્રીનું અપમાન ન કરો, જેને હિંદુ શાસ્ત્રો અને વેદોમાં દેવીનું સ્થાન આપવામાં આવ્યું છે.'

અહીં તમને જણાવી દઈએ કે, પ્રયાગરાજમાં VHP લીગલ સેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં જસ્ટિસ શેખર કુમારે 'UCCની બંધારણીય આવશ્યકતા' વિશે વાત કરી. આ દરમિયાન જસ્ટિસ શેખર કુમારે કહ્યું હતું કે, તમે ચાર પત્નીઓ રાખવાનો, હલાલા કરવાનો અથવા ટ્રિપલ તલાક કરવાનો હકનો દાવો કરી શકતા નથી. મહિલાઓને ભરણપોષણ આપવાનો ઇનકાર કરવો અને અન્ય પ્રકારના અન્યાયના કામો કરશો નહીં. શાહ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે પણ સંમતિ આપી હતી કે, પીડિત છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાને ભરણપોષણ ભથ્થું આપવામાં આવે. પરંતુ તત્કાલીન કેન્દ્ર સરકારે કેટલાક લોકો સમક્ષ પોતે આત્મસમર્પણ કરી દીધું હતું.

જસ્ટિસ શેખર કુમારે વધુમાં કહ્યું કે, હિંદુ સમાજે સતી પ્રથા અને બાળ વિવાહ સહિત અનેક ખરાબ પ્રથાઓમાંથી મુક્તિ મેળવી લીધી છે. તેમણે કહ્યું કે, ભૂલોનો સ્વીકાર કરીને સમયસર તેને સુધારી લેવામાં કંઈ ખોટું નથી. તેમણે કહ્યું કે, હિંદુ હોવાને કારણે તેઓ પોતાના ધર્મનું સન્માન કરે છે. પરંતુ આનો અર્થ એ નથી કે તેમની અન્ય ધર્મો કે આસ્થાઓ પ્રત્યે કોઈ ખરાબ ઈચ્છા છે. UCC પર વાત કરતા તેમણે કહ્યું કે, યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ની હિમાયત કરનાર માત્ર RSS, VHP કે હિન્દુઓ જ નથી. દેશની સર્વોચ્ચ અદાલત પણ આનું સમર્થન કરે છે.

જો કે, તેમણે વધુમાં કહ્યું કે, તેમણે જે કહ્યું તે કોઈ ખાસ ધર્મ માટે નથી કહ્યું. તેમણે કહ્યું, આ આપણા બધાને લાગુ પડે છે. દરેક ધર્મે પોતે બધી ખોટી પ્રથાઓથી દૂર રહેવું જોઈએ. જો તેઓ આમ નહીં કરે, તો દેશ તેના તમામ નાગરિકો માટે એક સમાન કાયદા લાવશે.

તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) 2025માં તેનું શતાબ્દી વર્ષ ઉજવશે. તેમણે એ પણ જણાવ્યું કે, કેવી રીતે સંઘ પરિવાર અને તેની શાખા VHP દેશ માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કામ કરી રહી છે. તેમણે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની પણ પ્રશંસા કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે આ વાતો કરવા માટે કોઈ તેમને પ્રશ્ન કરી શકે નહીં. કારણ કે તેઓ કાયદાની વાત કરી રહ્યા છે અને મીડિયા આ ભાષણમાં જે ઈચ્છે તે છાપી શકે છે. જસ્ટિસ દિનેશ પાઠક પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જો કે, તેમણે કાર્યક્રમનું ઉદ્ઘાટન તો કર્યું પરંતુ ત્યાં તેમણે કોઈ ભાષણ આપ્યું ન હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp