26th January selfie contest

15 મિનિટમાં ATM કાપવાની ટ્રેનિંગ, પ્રથમ પ્રયાસમાં 'વિદ્યાર્થીઓ'એ ઉડાવ્યા 40 લાખ

PC: twitter.com

“ત્યાં નોકરીઓ બહુ વધારે નથી, જે છે તેમાં ભરતી થવા માટે લાખો લોકોને પાર કરવા પડે છે. જો તમે તે લોકોને પાર કરીને નોકરી મેળવી પણ લીધી તો પણ તમારું ભવિષ્ય સુરક્ષિત નથી. કંપનીની આર્થિક સ્થિતિ વણસી જતાં તે કંપની ક્યારે બહારનો રસ્તો બતાવશે તે ખબર નથી. તો ભાઈ, આપણે જ કંઈક નવું શરુ કરીએ.' ભાગ્યે જ કોઈ એવું હશે જેણે આવી વાતો સાંભળી ન હોય. વાત પણ ઠીક જ છે. પરંતુ જો સાચી વાતને ખોટી રીતે સમજવામાં આવે અથવા તેનો અમલ ખોટી રીતે કરવામાં આવે તો ભયંકર ઘટના બનવાનો ભય રહે છે. લખનઉના સુલતાનપુરમાં એક ઘટના સામે આવી છે. થોડા દિવસો પહેલા અહીંના એક ATMમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હતી. હવે એ જાણવા મળ્યું છે કે, ચોરોએ બિહારમાં રહેતા એક વ્યક્તિ પાસેથી આ ATM કાપવાનું શીખ્યા હતા.

રિપોર્ટ અનુસાર, સુધીર મિશ્રા નામના વ્યક્તિએ ક્રિમિનલ 'સ્ટાર્ટઅપ' શરૂ કર્યું છે. આમાં ATMને તોડીને કે કાપીને પૈસા ચોરી કરવાનું શીખવવામાં આવે છે. તેના સ્થાપક સુધીરને 'ATM બાબા' (ATM બાબા બિહાર લખનઉ) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્યક્તિ બેરોજગાર યુવાનોને પોતાના વિદ્યાર્થીઓ બનાવે છે. તેમને 15 મિનિટમાં ATM કેવી રીતે તોડવું તે શીખવે છે. ત્યાં લગાવેલા CCTVથી કેવી રીતે બચવું. અને તાલીમ પછી, જ્યારે વિદ્યાર્થીઓ (એટલે કે ચોર) ખરેખર વ્યવહારુ જ્ઞાન મેળવવા માટે ATMમાંથી પૈસાની ચોરી કરવા નીકળે છે, ત્યારે આ સજ્જન તેમને ફોન પર માર્ગદર્શન પણ આપે છે.

રિપોર્ટ અનુસાર આ ટ્રેનિંગમાંથી પાસ આઉટ થયેલા ચાર યુવકો પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. તેણે 3જી એપ્રિલે લખનઉના સુલતાનપુર રોડ પરના ATMમાંથી 40 લાખ રૂપિયાની ચોરી કરી હતી. પોલીસની પૂછપરછમાં તેણે પોતાના 'ગુરુ' અને 'ગુરુકુળ'નો પર્દાફાશ કર્યો છે.

પોલીસે ચોરીમાં માત્ર ચાર લોકોની સંડોવણી હોવાની માહિતી આપી છે. તેઓએ સંપૂર્ણ પ્લાનિંગ સાથે ATMમાંથી ચોરી કરી હતી. બે વ્યક્તિ ATMમાંથી પૈસાની ચોરી કરતા હતા. બાકીના બે બહાર વોચ રાખવા ઉભા હતા. ચોરી કરતા પહેલા આરોપીઓએ CCTV કેમેરા પર કાળી શાહી લગાવી દીધી હતી જેથી તેમની ઓળખ ન થઈ શકે. આ લોકો તેમની સાથે ત્રણ ગેસ પાઈપ, એક સિલિન્ડર રેગ્યુલેટર, છ આરી બ્લેડ, એક મોટો સ્ક્રુડ્રાઈવર, બે પ્લિયર અને એક હથોડી લઈને આવ્યા હતા. આ સાધનોની મદદથી મશીનને કાપવામાં આવ્યું હતું. 15 થી 16 મિનિટમાં ચારેય આરોપીઓ પૈસાની ચોરી કરીને નાસી ગયા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટના અંગે જોઈન્ટ પોલીસ કમિશનર નિલાબ્જા ચૌધરીએ જણાવ્યું કે, ચોરાયેલા પૈસા લઈ જવા માટે વાદળી રંગની બલેનો કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચારેય આરોપીઓની એક જ વાહન સાથે ધરપકડ કરવામાં આવી છે. તેમની ઓળખ નીરજ મિશ્રા, રાજ તિવારી, પંકજ કુમાર પાંડે અને કુમાર ભાસ્કર ઓઝા તરીકે કરવામાં આવી છે. આ લોકોએ પોલીસને જણાવ્યું કે 40 લાખ રૂપિયાની ચોરીનું કાવતરું ATM બાબાએ ઘડ્યું હતું.

જોઈન્ટ કમિશ્નર ઓફ પોલીસ (ક્રાઈમ) નિલાબ્જા ચૌધરીએ જણાવ્યું હતું કે, 'ATM બાબાએ ચોરીની જવાબદારી તેમના નજીકના મિત્ર નીરજ મિશ્રાને સોંપી હતી. નીરજ સાથે અન્ય ત્રણ લોકોએ લખનઉના ATMને નિશાન બનાવ્યું હતું. પહેલા બે લોકોએ ચોરીના વિસ્તારની બાઇક પર રેકી કરી હતી. ત્યારબાદ ચાર લોકોએ મળીને ચોરીને અંજામ આપ્યો હતો. ચોરીના સમયે ATM બાબા બિહારમાં હતા. તે આ તમામ આરોપીઓ સાથે મોબાઈલ દ્વારા સંપર્કમાં હતો.

પોલીસે જણાવ્યું કે આરોપીના ફ્લેટમાંથી ATM તોડવાના સાધનો મળી આવ્યા છે. તેની પાસે પલ્સર બાઇક પણ છે. જેના પર બેસીને રેકી કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, સુધીર મિશ્રા સાથે તેની પત્ની પણ યુવકોને ATM કાપીને ચોરી કરવાની તાલીમ આપવામાં સામેલ છે. DCP વિનીત જયસ્વાલે આ અંગે જણાવ્યું હતું કે, 'સુધીર મિશ્રા ઉર્ફે ATM બાબા ઉપરાંત તેમની પત્ની રેખા મિશ્રા પણ આ કામમાં સામેલ છે. તે ગામની પ્રધાન છે. રેખા મિશ્રા ગેંગ પર નજર રાખે છે. હવે પોલીસ પાંચ નામવાળા અને ચાર અજાણ્યા આરોપીઓની શોધમાં છે.'

 

હાલ સુધીર અને તેની પત્ની પોલીસની પકડમાંથી બહાર છે. તેની શોધખોળ ચાલુ છે. પોલીસનું કહેવું છે કે, ટૂંક સમયમાં તમામ આરોપીઓને પકડી લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp