ડેમેજ કન્ટ્રોલના રાઉન્ડની વિજેતા છે ભારતીય જનતા પાર્ટી

15 Nov, 2017
09:31 AM
PC: thehinducentre.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં સમરાંગણમાં ભાજપે ઓપરેશન ડેમેજ કન્ટ્રોલ શરૂ કરી દીધું છે. શરૂઆત બહુ ચર્ચિત પાટીદાર અનામત આંદોલનથી થઈ છે. પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા યુવાનો પૈકી કેટલાક યુવાનોએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો અને હવે વારો હાર્દિક પટેલને આવ્યો છે. હવે પછી અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીનો નંબર લાગશે.

ભાજપે ત્રણેય યુવા નેતાઓ પર લગામ કસવાની રણનીતિ બનાવી છે. તેવામાં તથાકથિત સીડીએ પાટીદાર સમાજમાં ખળભળાટ મચાવી દીધો છે. હાર્દિક સામે આરોપ મૂકીને અશ્વિન નામના યુવાને પાટીદાર અનામત આંદોલનની કરોડરજ્જુ પર જ સીધો પ્રહાર કરી દીધો છે. હાર્દિકે લીગલ કાર્યવાહી કરવાની વાત કહી છે. હાર્દિકે કહ્યું છે કે ગુજરાતની ચૂંટણીમાં ગંદી રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ પણ હાર્દિકનાં બચાવમાં ઉતરી આવી.

આ એક વાત થઈ..હાર્દિક પટેલ સામે પાટીદાર સમાજનાં મિશ્ર પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે. પરંતુ જે હોજથી જાય છે તે બુંદથી આવી શકતું નથી. હાર્દિકનાં માથે કાળી લગાડી દેવામાં હાલ તો સફળતા મળેલી દેખાય છે.

બીજી તરફ અન્ય સમાજો પૈકી દલિત અને ઠાકોર સમાજ સાથે ભાજપે સારા એવા પેચઅપને પાર પાડવામાં પાછલા સપ્તાહથી સારી એવી સફળતા હાંસલ કરી છે. ભાજપનાં નેતાઓની બોડી લેંગ્વેજ બિલ્કુલ બદલાઈ જવા પામી છે. ભાજપ ધીરે ધીરે સરકાર વિરોધી મોજાને થાળે પાડવાની કોશિશ કરી રહ્યો છે અને સોશિયલ મીડિયા ઉપરાંત પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાનાં માધ્યમથી લોકો સાથે સીધો સંપર્ક બનાવી પોતાની તરફ માહોલ બનાવી રહ્યો છે. ભાજપે વડાપ્રધાન મોદીનાં પત્રને ઘરે ઘર પહોંચાડવા જન સંપર્ક અભિયાન શરૂ કર્યું છે. ગુજરાતનાં લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે પીએમ મોદીને જીતાડવાનાં છે. ભાજપનું ડેમેજ ક્ન્ટ્રોલ કેટલું કારગત નિવડે છે એ મહત્વનું બની રહેશે.

આ ઉપરાંત સરકારી તંત્ર દ્વારા પણ સરકારની સિધ્ધીઓને લોકો સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. હવે જાતિગત રાજકારણને ઠેકાણે પાડવા માટે ભાજપનું નેતાગણ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: