ભાજપ સાથે ફરી જશે નીતિશ કુમાર? JDU અધ્યક્ષે કર્યો મોટો ખુલાસો

PC: indiatoday.in

જનતા દળ યુનાઈટેડના (JDU) સંસદીય બોર્ડના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાના નિવેદન બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, નીતિશ કુમાર એકવાર ફરી ભારતીય જનતા પાર્ટી સાથે જઈ શકે છે. જોકે, હવે આ અંગે જનતા દળ યુનાઈટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે આ વાતને નકારી કાઢી છે કે તેમની પાર્ટીના કોઈપણ નેતા ભાજપના સંપર્કમાં છે.

જનતા દળ યુનાઈટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું, JDUનો કોઈ પણ નેતા ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં નથી. ભાજપના સંપર્કમાં જે લોકો હતા, તેઓ પાર્ટીમાંથી જતાં રહ્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે, જો ઉપેન્દ્ર કુશવાહ ભાજપના સંપર્કમાં હોવાની વાત કરી રહ્યા છે તો આનો જવાબ તેઓ જ આપી શકે છે કે, કોણ ભાજપના સંપર્કમાં છે.

ઉપેન્દ્ર કુશવાહા JDUથી કેમ નારાજ છે, આ સવાલના જવાબમાં લલન સિંહે કહ્યું કે આનો જવાબ પણ તેઓ જ આપી શકશે. લલન સિંહે કહ્યું, પાર્ટીએ તેમને પૂરેપૂરું સન્માન આપ્યું છે અને જ્યારે પણ તેમણે મુલાકાત માટે સમય માંગ્યો છે, ત્યારે CM નીતિશ કુમારે સમય આપ્યો છે. આ સાથે જ તેમણે કંઈપણ વાત જણાવી છે તો તાત્કાલિક તેનું નિરાકરણ કરવામાં આવ્યું છે. તે છતાં પણ તેઓ કેમ નારાજ છે, તેનો જવાબ તેઓ જ આપી શકશે.

આ અગાઉ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે, મારી પાર્ટીમાં જે જેટલો મોટો નેતા છે, તે તેટલો જ ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે. દિલ્હીમાં સારવાર બાદ પટના પરત ફરતી વખતે ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે, હવે આ ચર્ચાનો શું મતલબ કે અમે ક્યાં જઈ રહ્યા છો. ભાજપમાં અમે બે ત્રણ વખત ગયા. પાર્ટી પોતાની રણનીતિ પ્રમાણે જે જરૂરી હોય છે તે કરે છે. આ પછી એ વાતની ચર્ચા થવા લાગી હતી કે, નીતિશ કુમારની પાર્ટી એકવાર ફરી ભાજપની સાથે જઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જનતા દળ યુનાઈટેડ પાર્લામેન્ટરી બોર્ડના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા સતત એવા નિવેદનો આપી રહ્યા છે, જેનાથી એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેમની અને મુખ્યમંત્રી નીતિશ કુમારની સાથે બધુ બરાબર નથી ચાલી રહ્યું. એટલું જ નહીં ઉપેન્દ્ર કુશવાહા ભાજપમાં સામેલ થવાના હોવાની પણ અટકળો લગાવવામાં આવી રહી છે. આ અટકળોની વચ્ચે ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, હાલના દિવસોમાં નીતીશ કુમાર નબળા પડી ગયા છે. જેના કારણે JDU નબળી પડી રહી છે. બીજી તરફ નીતીશ કુમારને જ્યારે ઉપેન્દ્ર કુશવાહાને લઈને સવાલ કરવામાં આવ્યો, તો તેમણે કહ્યું, મને કંઈ નહીં પૂછો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp