આજનો દિન મહાન: 39 વર્ષ, 5 માસ અને 24 દિવસનું આયુષ્ય

PC: americanbazaaronline.com

‘મને એ વાતનું ગૌરવ છે કે હું હિન્દુ છું. હું જે દેશમાંથી આવું છું ત્યાં બઘાં ધર્મોનું સન્માન થાય છે. મને એ વાતનું ગૌરવ છે કે મારા દેશના અનેક સંતો અને મહાત્માઓએ પરમેશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે. અહીં મનુષ્ય માત્ર નહીં, સંપૂર્ણ સરાચર સૃષ્ટિ એકાત્માનો અનુભવ કરે છે. કેટલીક નાની નાની જગાએથી વહેતી નદીઓ અંતે તો સમુદ્રને જ મળે છે તેમ અલગ અલગ ધર્મ-સંપ્રદાયમાં જન્મેલા મનુષ્યોન અંતે તો એક જ પરમાત્માની પાસે પહોંચે છે. કોઈ ધર્મ ઊતરતો નથી કોઈ ધર્મ શ્રેષ્ઠમ નથી.’ 

સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ‘મહાન સિદ્ધિઓ માટે ત્રણ વસ્તુઓની આવશ્યકતા હોય છે. પ્રથમ હૃદયપૂર્વકની લાગણી..... બીજું, લોકોના દુઃખ દૂર કરવા માટે મીઠાશભર્યા વચનો..... અને ત્રીજું, પર્વત સમાન મુશ્કેલીઓને પાર કરવાની ઈચ્છાશક્તિ.... જો તમારામાં આ ત્રણ બાબતો હશે તો તમે ચમત્કારો બતાવી શકશો. તમારે છાપાઓમાં લેખો છપાવવાની જરૂર નહીં રહે. તમારો ચહેરો જ દીપી ઊઠશે. તમે ગુફામાં રહેતા હશો તો પણ એ પથ્થરની દીવાલો સોંસરા તમારા વિચારો નીકળશે અને સેંકડો વર્ષો સુધી ગુંજતા ગુંજતા જગતભરમાં ઘૂમ્યા કરશે, અને અંતે એ કોઈ એકના મગજમાં ચોંટી જઈને કદાચ ત્યાં કાર્યમાં પરિણમશે. વિચારની, સચ્ચાઈની અને શુદ્ધ હેતુની આવી શક્તિ છે.’

જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દૃઢ ઇચ્છાશક્તિ હોવા જોઇએ. ‘સ્ટેન્ડ અપ, બી બોલ્ડ, બી સ્ટ્રોન્ગ એન્ડ ટેક ઘી હોલ રિસ્પોન્સિબીલીટી ઓન યોર સોલ્ડર્સ ‘સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે ‘લોકો પોતાને ઠીક લાગે તેમ ભલે ભારતના પુનરૂત્થાનની વાતો કર્યા કરે, પરંતુ જેણે આખી જિંદગી ભારતના હિત માટે કાર્ય કર્યું છે અગર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, એવા એક અદના આદમી તરીકે હું તમને કહી દઉં કે તમે આધ્યાત્મિક શક્તિવાળા નહીં બનો ત્યાં સુધી ભારતનો કોઈ ઉદ્ધાર થવાનો નથી. સૌ પહેલા આપણા નવયુવકો તાકાતવાન બનવા જોઇએ.’

તેમના શબ્દોમાં કહી એ તો ‘ગરીબોને પ્રકાશ આપો, પણ પૈસાદારોને વધુ પ્રકાશ આપો કારણ કે તેમને ગરીબો કરતા એની વિશેષ જરૂર છે. અશિક્ષિતોને પ્રકાશ આપો, પણ સુશિક્ષિતોને વધુ પ્રકાશ આપો, કારણ કે આપણા જમાનાના શિક્ષણની અહંતા જબરદસ્ત છે.’ જે કંઈ કરો તે બધું યજ્ઞરૂપે કે ઈશ્વરને સમર્પણરૂપે કરો. સંસારમાં રહો ભલે, પણ સંસારના થઈને ન રહો. કમળના પાંદડાની જેમ રહો. કમળનું મૂળ કીચડમાં છે, પણ તે સર્વદા અલિપ્ત રહે છે. લોકો તમને ગમે તે કરે છતા તમારો પ્રેમ સૌને આપો.

સમગ્ર વિશ્વને શક્તિ અને સામર્થ્યનો સંદેશ આપનારા સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી-1963ના રોજ બંગાળમાં થયો હતો. રામકૃષ્ણ પરમહંસની કૃપાથી એમની આધ્યાત્મિક જિજ્ઞાસા પરિતૃત્પ થઇ હતી. શિકાગો  શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં વ્યાખ્યાનો દ્વારા ધર્મધુરંધરોને મંત્રમુગ્ધ કરી દેનાર સ્વામી વિવેકાનંદની સાચી શક્તિની ઓળખ તો ત્યારપછી જ હિન્દુસ્તાનને થઇ હતી. પોતાના ગુરૂ રામકૃષ્ણની સ્મૃતિમાં તેમણે શ્રી રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી.

વેદાંત કેસરી સ્વામી વિવેકાનંદ સંન્યાસી થયા તે પહેલા નાસ્તિક અથવા અશ્રદ્ધાળુ તો ન હતા, પરંતુ એમના સ્વભાવની એક ખાસિયત એ હતી કે કોઈ વાતનો પુરેપુરો સંતોષ થયા પછી જ તેનો સ્વીકાર કરતા હતા. કોઈપણ વ્યક્તિ કે વાતના સ્વીકાર પહેલા એની યથાર્થતાની એ બને તેટલી બધી જ કસોટી કરતા, એને કોઈપણ પ્રકારની ઉતાવળ કર્યા વિના બનતી બધી જ રીતે તપાસતા, અને પછી એની યથાર્થતા કે ઉત્તમતાની પુરેપુરી પ્રતીતિ થતા, એનો એવો તો સંપુર્ણપણે સ્વીકાર કરતા કે કદી તેને છોડતા જ નહીં.

જન્મે નરેન્દ્રનાથ દત્ત 19મી સદીના ગુઢવાદી સંત રામકૃષ્ણના પરમ શિષ્ય રામકૃષ્ણ મિશનના સ્થાપક છે. તેમને યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય આપવામાં આવે છે. તેમણે આત્મનો મોક્ષાર્થમ્ જગદ્વિતાય ચ  (आत्मनॊ मोक्षार्थम् जगद्धिताय च) (પોતાની મુક્તિ માટે અને વિશ્વના કલ્યાણ માટે)ના સિદ્ધાંત પર શ્રી રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. વિવેકાનંદે 1902ના જુલાઇ માસની ચોથી તારીખે શુક્રવારે 39 વર્ષ, 5 માસ અને 24 દિવસનું આયુષ્ય ભોગવીને મહાસમાધિ લીધી હતી.

આધુનિક ભારતમાં હિન્દુધર્મના પુનરોદ્ધારમાં વિવેકાનંદને મુખ્ય પરિબળ સમા ગણવામાં આવે છે. તેઓએ 11મી સપ્ટેમ્બર-1893માં શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને જ્યારે તેમણે તેમના પ્રવચનની શરૂઆતમાં ‘અમેરિકાના ભાઇઓ તથા બહેનો’ સંબોધન કર્યું ત્યારે તેમના આ સંબોધન માટે 7000ની જનમેદનીએ ઉભા થઇને બે મિનિટ સુધી તાળીઓ પાડી હતી.

સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે. મહાત્મા ગાંધી, સુભાષચન્દ્ર બોઝ, અરવિંદ ઘૉષ, રાધાકૃષ્ણન જેવા અન્ય રાષ્ટ્રિય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો. અમેરિકાના અખબારોએ સ્વામી વિવેકાનંદ વિશે નોંધ્યુ કે ‘તેઓ ધર્મ સંસદની સૌથી મહાન વ્યક્તિ હતા’ અને ‘સંસદમાં સૌથી વધારે પ્રભાવ ધરાવનાર તથા સૌથી વધારે લોકપ્રિય પુરુષ હતા.’

20મી સદીના ભારતના ઘણા નેતાઓ અને તત્વચિંતકોએ વિવેકાનંદની અસરનો સ્વીકાર કર્યો છે. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારીએ નોંધ્યુ હતું કે ‘વિવેકાનંદે હિન્દુ ધર્મને બચાવ્યો અને ભારતને બચાવ્યુ.’ સુભાષ ચંદ્ર બોઝના જણાવ્યા અનુસાર વિવેકાનંદ ‘આધુનિક ભારતના ઘડવૈયા છે’ અને મોહનદાસ ગાંધી માટે વિવેકાનંદના પ્રભાવથી ‘તેમના દેશપ્રેમમાં હજારગણી વૃદ્ધિ’ થઈ હતી.

12મી જાન્યુઆરીએ તેમની યાદમાં તેમના જન્મદિવસને ભારતમાં રાષ્ટ્રીય યુવક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ સૌથી ઉત્તમ શ્રદ્ધાંજલિ છે, કારણ કે સ્વામી વિવેકાનંદના મોટાભાગના લખાણો ભારતીય યુવાઓ વિશે હતા અને તેમાં આધુનિક વિશ્વમાં સંપૂર્ણપણે જોડાઈને ભારતના પ્રાચીન મૂલ્યોને કઈ રીતે જાળવી રાખવા તે અંગે સૂચન હતા.

સ્વામી વિવેકાનંદે ભારતની સ્વાતંત્ર્ય ચળવળને વ્યાપક પ્રેરણા આપી હોવાનું સ્વીકારાયુ છે. તેમના લખાણોએ સ્વાતંત્ર્ય સેનાનીઓની આખી પેઢીને પ્રેરણા આપી હતી, જેમાં ઔરબિંદો ઘોષ અને બાઘા જતિનનો પણ સમાવેશ થતો હતો.

ફ્રેન્ચ નોબેલ વિજેતા, રોમેઈન રોલેન્ડ લખે છે, ‘તેમના શબ્દો મહાન સંગીત છે, શબ્દસમૂહો બીથોવન જેવા છે, પ્રેરણાદાયી કાવ્યો હેન્ડલ કોરસની માર્ચ જેવા છે. ત્રીસ વર્ષનું અંતર હોવા છતા પુસ્તકોના પાનામાં છૂટાછવાયા પથરાયેલા તેમના વક્તવ્યોને ઝીલતી વખતે હું રોમાંચિત થઈ જઉં છું અને મારું શરીર જાણે કે વીજળીના આંચકા અનુભવે છે. મહાનાયકના હોઠમાંથી સળગતા શબ્દો નીકળતા હશે ત્યારે કેટલા આંચકા, કેટલા બધા ઈંગિતો ઉત્પન્ન થતા હશે!'

વિવેકાનંદે જમશેદજી તાતાને ભારતની શ્રેષ્ઠતમ સંસ્થાઓ પૈકીની એક ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સની સ્થાપના કરવા પ્રેરણા આપી હતી. વિદેશમાં મેક્સ મૂલર સાથે તેમના થોડાક સંવાદો હતા. સ્વામી વિવેકાનંદ દ્વારા અપાયેલ વૈદિક તત્વજ્ઞાનના ઉપદેશથી પ્રભાવિત થનાર લોકોમાં નિકોલા તેસ્લા પણ હતા. બ્રિટિશ સંસ્થાનવાદી વહીવટકર્તાઓ અને ખ્રિસ્તિ મિશનરીઓએ હિન્દુઓને જ્ઞાતિના બંધનમાં ઝકડાયેલ, મૂર્તિ પૂજામાં માનતા જડ લોકો તરીકે ચીતર્યા હતા, પરંતુ પશ્ચિમના શ્રોતાઓ સમક્ષ આ તમામ ભ્રમને તોડીને ભારતના પ્રાચીન શિક્ષણને તેના શુદ્ધતમ સ્વરૂપમાં રજૂ કરીને સ્વામી વિવેકાનંદે હિન્દુઓમાં ગૌરવની લાગણી પુનઃસ્થાપિત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp