આસામમાં બીફ બેનથી પરેશાન પાડોશી BJP MLAએ કહ્યું- સાપ, વીંછી,બીફ બધું જ ખાશે!
CM હિમંતા બિસ્વા સરમાની BJP સરકારે આસામમાં જાહેરમાં બીફ પર પ્રતિબંધ મૂક્યો હતો. મેઘાલયની દક્ષિણ શિલોંગ સીટના BJP ધારાસભ્ય સનબોર શુલઈએ આ નિર્ણયનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. હવે તેની એક પ્રતિક્રિયા ખુબ વાયરલ થઈ રહી છે. આમાં તેઓ કહી રહ્યા છે કે, મેઘાલયમાં લોકો પોતાની પસંદનું કંઈપણ ખાઈ શકે છે, સાપ, બીફ કે વીંછી. મેઘાલય આસામની પડોશમાં છે અને ત્યાં પણ BJP સમર્થિત સરકાર છે.
સનબોર શુલ્લાઈના નિવેદન પર ગીતો વગાડવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેને હિપ હોપ મ્યુઝિક સાથે જોડીને રેપ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, બીફ પ્રતિબંધ ચૂંટણીનો મુદ્દો હોવો જોઈએ. અને તેઓ સુનિશ્ચિત કરશે કે મેઘાલયમાં આવો પ્રતિબંધ ક્યારેય લગાવવામાં ન આવે.
મેઘાલયમાં BJPના સહયોગી અને રાજ્યની મુખ્ય શાસક પાર્ટી નેશનલ પીપલ્સ પાર્ટીના મંત્રી રક્કમ સંગમાએ પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે મજાકના સ્વરમાં કહ્યું કે, મેઘાલયે આનો લાભ લેવો જોઈએ. મેઘાલયના બર્નિહાટ, ખાનપારા વિસ્તારમાં સારી હોટેલો ખોલવી જોઈએ અને સારી બીફ કરી પીરસવી જોઈએ. જેથી આસામના લોકો મેઘાલય આવે, સારું ખાય અને પાછા જાય.
આ સાથે CM સરમાના બીફ પ્રતિબંધના નિર્ણયને લાગુ કરવામાં આવતી મુશ્કેલીઓની પણ વાત થઈ રહી છે. કારણ કે આસામના ઘણા વિસ્તારોમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ગૌમાંસનું સામાન્ય રીતે સેવન કરવામાં આવે છે. ખાસ કરીને તહેવારો દરમિયાન.
આસામના CMએ 'આસામ કેટલ પ્રિઝર્વેશન એક્ટ 2021' હેઠળ રેસ્ટોરાં, સામુદાયિક મેળાવડા અને જાહેર સ્થળોએ બીફ પીરસવા અને ખાવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. નિષ્ણાતો કહી રહ્યા છે કે, આ એક વહીવટી નિર્ણય હતો તેટલો જ તે રાજકીય હતો. CM સરમાએ આ નિર્ણય દ્વારા કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.
હકીકતમાં, નવેમ્બર મહિનામાં આસામની 5 બેઠકો પર વિધાનસભા પેટાચૂંટણી યોજાઈ હતી. BJP અને તેના સાથી પક્ષોએ તમામ 5 બેઠકો જીતી હતી. આ પછી કોંગ્રેસના કેટલાક નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, CM સરમા અને તેમની પાર્ટીએ ચૂંટણી જીતવા માટે મુસ્લિમ બહુલ સમાગુરી વિસ્તારમાં મતદારોમાં બીફનું વિતરણ કર્યું હતું. CMએ કહ્યું હતું કે, કોંગ્રેસ પણ બીફને ખોટું માને છે, તેથી તેઓ બીફ પર પ્રતિબંધ મુકવાથી ખુશ છે.
હકીકતમાં, ક્રિસમસ નજીક આવી રહી છે. આવી સ્થિતિમાં આસામના ડિફૂ પ્રદેશના પીઢ આદિવાસી નેતા અને પૂર્વ રાજ્ય મંત્રી હોલીરામ તેરાંગે પણ આ નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે. મીડિયા સૂત્રો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું, 'કાર્બી અને ડિમાસાસ સમુદાયના લોકો બીફ ખાતા નથી. પરંતુ નાગા અને કુકી સમુદાયના ઘણા લોકો બીફ ખાય છે. તે સામાન્ય રીતે સામુહિક ભોજન અને જાહેર તહેવારોનો એક ભાગ છે. મને નથી લાગતું કે આવા વૈવિધ્યસભર સમુદાય સાથે બીફ પીરસવા પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ શક્ય છે. આ નિર્ણયને સખત રીતે લાગુ કરવાનો કોઈપણ પ્રયાસ સંવેદનશીલ બની શકે છે.'
2011ની વસ્તી ગણતરી મુજબ, આસામની વસ્તીના 61.7 ટકા હિંદુ છે, જ્યારે મુસ્લિમો 34.33 ટકા છે. ત્યાં 3.74 ટકા ખ્રિસ્તીઓ છે અને અંદાજિત આદિવાસી વસ્તી 12.4 ટકા છે. આમાં સૌથી વધુ વિવિધતા કાર્બી આંગલોંગ, વેસ્ટ કાર્બી આંગલોંગ અને દિમા હસાઓ જિલ્લાઓમાં છે.
આ જિલ્લાઓમાં 15 માન્યતા પ્રાપ્ત જનજાતિઓ છઠ્ઠી અનુસૂચિ હેઠળ આવે છે. જેમાં કાર્બી, દિમાસા, કુકી જનજાતિ, નાગા જનજાતિ, મિઝો જનજાતિ, હમાર, ખાસી અને ગારોનો સમાવેશ થાય છે.
હાફલોંગ સ્થિત દિમાસા સ્ટુડન્ટ્સ યુનિયનના જનરલ સેક્રેટરી પ્રમિત સેંગયુંગે પણ બીફ પ્રતિબંધ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે, આ નિર્ણયથી પ્રદેશની વિવિધતાને નુકસાન થશે અને તેનાથી તણાવ વધી શકે છે. સેંગયુંગે કહ્યું કે તેમનો સમુદાય બીફ ખાતો નથી, પરંતુ તેમના જિલ્લામાં 13 આદિવાસી સમુદાયો છે, જેમાંથી મોટાભાગના ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે. તેમણે કહ્યું કે આદિવાસી સમુદાયોની સંમતિ વિના આવું કોઈ પગલું ન ભરવું જોઈએ. જેનાથી લાગણીઓને ઠેસ પહોંચી શકતી હોય. સેંગયુંગે કહ્યું કે કેટલાક સમુદાયો તહેવારો દરમિયાન બીફ પીરસે છે અને જો કે તેમને નથી લાગતું કે આવા પ્રતિબંધથી તેમને વધુ અસર થશે, તે આવકારદાયક નિર્ણય નથી.
આસામ સરકારે આ નિર્ણય એક સપ્તાહ પહેલા જ લાગુ કરી દીધો હતો. પરંતુ આજદિન સુધી આ અંગે કોઈ ગંભીર સત્તાવાર પગલું ભરવામાં આવ્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp