સંસદ પર ઘર્ષણ, BJPના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષ ઈજાગ્રસ્ત, જાણો આખો મામલો

PC: khabarchhe.com

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ પ્રતાપ સારંગી ઘાયલ થયા છે. BJP સાંસદ સારંગીનો દાવો છે કે, તેઓ રાહુલ ગાંધીના ધક્કાથી ઘાયલ થયા છે. હાલમાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. BJP આ મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR પણ દાખલ કરાવી શકે છે. આ સિવાય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ઈજાગ્રસ્ત થયા હોવાની કોંગ્રેસે માહિતી આપી છે. મલ્લિકાર્જુન ખડગેએ સ્પીકરને પણ પત્ર લખ્યો હતો કે, ધક્કામુક્કીમાં હું નીચે બેસી ગયો હતો અને મારા જે ઘૂંટણમાં ઓપરેશન કરાવ્યું હતું, તેના પર ઈજા થઈ છે.

સારંગીએ કહ્યું કે હું દાદર પર ઉભો હતો. રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો અને તે સાંસદ મારા પર પડ્યો, જેના કારણે હું પડી ગયો અને ઘાયલ થયો.

કોંગ્રેસના સાંસદોએ આ ધક્કામુક્કીને લઈને સ્પીકરને ફરિયાદ કરી છે. BJP સાંસદોએ ધક્કામુક્કી કર્યા અંગેની રાહુલ ગાંધી તરફથી ફરિયાદ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે, BJPના સાંસદોએ રાહુલ ગાંધીને ધક્કો માર્યો હતો.

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પ્રહલાદ જોશી રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા છે. આ બંને પ્રતાપ સારંગીની તબિયત જાણવા હોસ્પિટલ પહોંચ્યા છે.

PM નરેન્દ્ર મોદીને સંસદ સંકુલમાં BJP સાંસદ સાથે ધક્કામુક્કી થયાની જાણ કરવામાં આવી છે.

BJPના પ્રવક્તા સંબિત પાત્રા રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા અને પ્રતાપ સારંગીની ખબર પૂછી. હોસ્પિટલમાંથી આવ્યા પછી પાત્રાએ જણાવ્યું કે, હાલ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત ICUમાં છે. બંનેનું ઘણું લોહી વહી ગયું છે. તેમને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, રાહુલ ગાંધી સામંતવાદી છે. સામંતવાદી રાહુલે ધક્કો માર્યો. આ દેશ તેમની મિલકત નથી. આ પરિવાર કરવા શું માંગે છે?

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સંસદ પરિસરમાં થયેલી ધક્કામુક્કી પર રાહુલ ગાંધીને આડે હાથ લીધા અને કહ્યું કે, હું રાહુલ ગાંધીને સવાલ કરવા માંગુ છું કે, આ શારીરિક શક્તિનું પ્રદર્શન કરવાની જગ્યા નથી. જો દરેક વ્યક્તિ પોતાની શક્તિ દર્શાવવા લાગે તો સંસદ કેવી રીતે ચાલશે? પહેલવાનગીરી બતાવવાનો અર્થ શું છે? આ કરાટે અથવા કુંગફુ માટેનું સ્થાન નથી. આ કોઈ રાજાની ખાનગી મિલકત નથી પણ લોકશાહીનું મંદિર છે. આ હોશિયારી બતાવવાની જગ્યા નથી. સંસદ એ કોઈ કુસ્તીનું મંચ નથી. રાહુલે શારીરિક તાકાત બતાવી છે. આ બોક્સિંગનો અખાડો નથી. હું રાહુલ ગાંધીની નિંદા કરું છું.

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે સંસદ એ કોઈ કુસ્તીનું પ્લેટફોર્મ નથી. રાહુલ ગાંધીએ સાંસદો સામે પોતાની તાકાતનું પ્રદર્શન ન કરવું જોઈએ.

સૂત્રોનો ઉલ્લેખ કરીને અહેવાલ આપવામાં આવ્યો છે કે, BJP પ્રતાપ સારંગી કેસમાં પ્રદર્શન કર્યાના વીડિયોની તપાસ કરી રહી છે. ધક્કો મારવાના આરોપની ખરાઈ કરવા માટે કે, જો રાહુલ BJPના સાંસદને ધક્કો મારતા વીડિયો જોવા મળે છે, તો BJP રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરી શકે છે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, પ્રહલાદ જોશી અને કાયદા મંત્રી અર્જુન મેઘવાલ રામ મનોહર લોહિયા હોસ્પિટલ જઈ રહ્યા છે. તેઓ મંત્રી પ્રતાપ સિંહ સારંગીની હાલત જાણવા હોસ્પિટલ પહોંચી રહ્યા છે.

પ્રતાપ સારંગીના આરોપો પછી રાહુલ ગાંધીએ કહ્યું કે, બધું કેમેરામાં કેદ થયેલું છે. હું સંસદમાં જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. BJPના સાંસદોએ મને ધક્કો માર્યો અને ધમકાવ્યો. ખડગે જીને પણ ધક્કો મારવામાં આવ્યો હતો. ધક્કો મારવાથી અમને કંઈ થતું નથી. BJPના સાંસદો અમને સંસદમાં જતા નહીં રોકી શકે.

રાહુલે કહ્યું કે, હું સંસદની અંદર જવા માંગતો હતો. સંસદમાં જવું એ મારો અધિકાર છે, મને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અમને સંસદમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. BJPના સાંસદો ધક્કામુક્કી કરી રહ્યા હતા.

રાહુલ ગાંધીએ કહ્યું કે, આ સંસદનું પ્રવેશદ્વાર છે. BJPના સાંસદો મને ધક્કો મારી રહ્યા હતા અને ધમકીઓ આપતા હતા. BJPના સાંસદોએ પ્રવેશદ્વાર રોકી દીધો હતો. તેઓ મને સતત ધક્કો મારી રહ્યા હતા અને ધમકાવતા હતા.

આ મામલે INDIA બ્લોક આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. INDIA બ્લોક રાજ્યસભામાં બાબા સાહેબ આંબેડકર પર ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદન સામે વિરોધ કૂચ કરી રહ્યું છે, તેમના રાજીનામા અને માફી માંગવાની માંગણી કરી રહ્યું છે. સંસદમાં આંબેડકરની પ્રતિમાથી મકર દ્વાર સુધી આ પદયાત્રા કાઢવામાં આવી રહી છે.

INDIA બ્લોકના સાંસદો વાદળી વસ્ત્રો પહેરીને આંબેડકરની પ્રતિમાથી ચાલીને મકર દ્વાર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે, ગૃહમંત્રી અમિત શાહે આંબેડકરનું અપમાન કર્યું છે. તેનો ગુનો અક્ષમ્ય છે. સમગ્ર તંત્ર તેમને બચાવવામાં લાગેલું છે. ગૃહમંત્રીએ જે કહ્યું છે, અમે તે જ વાત કરી રહ્યા છીએ. તેમના શબ્દોને ટ્વિસ્ટ કરવામાં આવ્યા નથી. તેઓ માફી માંગવાને બદલે ધમકીઓ આપી રહ્યા છે. અમે તેમની ધમકીઓથી ડરવાના નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp