નરેન્દ્રભાઈ ! ભાજપના માલેતુજાર નેતાઓ અનામતનો ત્યાગ કરે તેવું કંઈક કરો

PC: scoopwhoop.com

આદરણીય,

નરેન્દ્રભાઈ, કુશળ હશો...

આજે આપના જન્મ દિવસે આપને ઘણી શુભકામનાઓ સાથે ગુજરાતમાં આપ આવ્યા છો, ત્યારે એક ગુજરાતી તરીકે આપનું સ્વાગત કરૂ છુ.તમે જે બોલો છો, તેમાં એક તાકાત હોય છે, જેના કારણે જ દેશના કરોડો લોકો તમારી વાત સાંભળે છે. અને તે પ્રમાણે કરે છે,તમે કાયમ ગરીબોની ચીંતા કરતા આવ્યા છો. ગરીબ ઘરમાં ચુલો ફુકતી ગરીબ સ્ત્રીના ઘરે ગેસ કનેકશન આવે તેના માટે તમે ઉચ્ચ મધ્યમવર્ગના લોકોને ગેસની સબસીડી છોડવા માટે અપીલ કરી અને લાખો લોકોને
તમારી અપીલની અસર થઈ, જેના પરિણામ સ્વરૂપ જે ખરેખર ગરીબ છે તેમના રસોડોમાં સબસીડી સાથેનો ગેસ સીલીંડર પહોંચ્યો.

કઈક આવી જ સ્થિતિ અનામતની છે, આઝાદીના આટલા વર્ષ પણ પછી અનામતનો લાભ આપ્યા પછી જેઓ અનામતના અધિકારી છે, તેમાંથી બહુ ઓછા લોકોને લાભ મળ્યો, અને જેમને અનામતનો લાભ મળ્યો તેમને ઉત્તરોત્તર વધુ લાભ મળ્યો, ગુજરાત સહિત દેશના અનેક રાજયમાં અનામતને લઈ સ્થિતિ નાજુક છે.દેશના તમામ પક્ષના નેતાઓ, ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલા અધિકારીઓ અને અનામતની વ્યાખ્યામાં આવતા માલેતુજારો સંભવ છે કે તેમને અનામતનો લાભ મળ્યો તેના કારણે તેઓ અહિયા સુધી પહોંચ્યા છે.

પણ હજી કરોડો લોકો એવા છે, જેમને અનામતનો લાભ મળવો જોઈએ, તેઓ ગરીબી અને શિક્ષણના અભાવે ત્યાંને ત્યાં જ છે.તો જેમને લાભ મળ્યો અને તેઓ સક્ષમ થયા ,તેમણે પોતાના જ લોકો માટે હવે અનામતનો ત્યાગ કરવો જોઈએ તેવુ મને લાગે છે. હું તમને ગુજરાતના એક રાજ અને સમાજ નેતાની ઉદાહરણ રૂપ ઘટના તરફ ધ્યાન દોરવા માગુ છે. આમ તો તેઓ તમારા વૈચારિક વિરોધી રહ્યા છે. પણ એક સમયના તમારા સાથી અને ભાજપના ધારાસભ્ય રહ્યા છે. હું ડૉ કનુ કલસરીયાની વાત કરૂ છુ.

ડૉ કલસરીયાએ એક માણસ અને એક ડૉકટર તરીકે સમાજ માટે શુ કામ કર્યુ છે તે મારે કહેવાની જરૂર નથી, તેઓ આર્થિક રીતે પછાત વર્ગમાંથી આવે છે, થોડા વર્ષો પહેલા તેમની દિકરી ધ્રુતી કલસરીયાએ ધોરણ-12ની પરિક્ષા પાસ કરી અને તેને પણ પોતાના પિતાની જેમ ડૉકટર થવુ હતું, પણ ડૉ કલસરીયાએ તાકીદ કરી હતી કે બેટા આપણને ભલે અનામતનો લાભ મળતો હોય તો પણ હું ડૉકટર થયો હોવાને કારણે તને અભ્યાસ માટે જરૂરી સગવડ મળી ગઈ હતી, તેથી તુ કઈ રીતે પછાત ગણાય, તો જે ખરેખર પછાત છે, તેનો લાભ છીનવી આપણે અનામત બેઠક ઉપર એમબીબીએસમાં પ્રવેશ લેવાનો નથી. ધ્રુતી જયારે પ્રવેશ લેવા મેડીકલ કોલેજમાં પ્રવેશ લેવા ગઈ ત્યારે તેને અનામત બેઠક ઉપર પ્રવેશ મળતો હતો , પણ તેને સામાન્ય બેઠક ઉપર પ્રવેશ માંગ્યો પણ ત્યાં મેરીટ ઉંચુ જતુ હોવાને કારણે ધ્રુતીને પ્રવેશ મળ્યો નહીં.

ધ્રુતી કલસરીયાએ ફરી મહેનત કરી અને સામાન્ય બેઠક ઉપર જ પ્રવેશ મેળવવા માટે જરૂરી માર્ક મેળવ્યા અને એમબીબીએસ પુરૂ કર્યુ, ત્યાર બાદ માસ્ટર ડીગ્રીમાં પણ સ્વેચ્છાએ અનામતનો લાભ છોડયો અને સામાન્ય બેઠકમાં પ્રવેશ મળે તેની મહેનત કરી આજે ડૉ ધ્રુતી કલસરીયા ડૉકટર તરીકેને સેવા આપે છે. આપણને એક કનુ કલસરીયા અને એક ધ્રુતી કલસરીયાથી ચાલશે નહી, આપણી પાસે અનેક કલસરીયાઓ હોવા જોઈએ, જેમને અનામતનો લાભ મળે છે. પણ હવે તેઓ સક્ષમ હોવાને કારણે સ્વેચ્છાએ અનામતનો લાભ જતો કરી પોતાના બાંધવોને , જેને લાભ મળ્યો નથી, તેમના માટે અનામત છોડે તો મને લાગે છે કે જે અનામતનો વિરોધ કરી રહ્યા છે, તેમને પણ અનામત લેનારના ઉદાર દિલના દર્શન થશે.

પણ સારી શરૂઆત ઘરેથી જ કરવી જોઈએ, નરેન્દ્રભાઈ આપના જ પક્ષના પંચાયતના નેતાથી લઈ સંસદ ભવન પહોચેલા નેતાઓ તમે અપીલ કરો કે તમે અનામતને કારણે અહિયા સુધી પહોંચ્યા હવે આ બસમાંથી ઉતરી બીજાને બેસવાનો તક આપો, તો બીજો માણસ પણ સ્કુલના દરવાજે, નોકરીના સ્થળે, વેપારના સ્થળે અને સંસદ ભવન સુધી તમારી જેમ પહોંચી શકે. તમે મારી વિનંતી સમજયા હશો, મને આશા છે કે તમે એક વિચારક છો, અને તમને કોઈ પણ સારા વિચારનો સ્વીકાર કરતા સંકોચ થતો નથી.

ફરી એક વખત જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ.

એક ગુજરાતી

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp