તૂટેલી મૂર્તિઓ, સ્વસ્તિક લખેલી ઈંટો-કૂવાનો ઈતિહાસ...જાણો ખોદકામમાં શું મળ્યું?

PC: x.com

ઉત્તર પ્રદેશનો સંભલ જિલ્લો છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. પહેલા જામા મસ્જિદના સર્વે અંગે આદેશ આપવામાં આવ્યો. પછી તોડફોડ, આગચંપી અને ભારે હિંસા થઈ. ત્યાર પછી પોલીસ કાર્યવાહી શરૂ થઈ હતી. આ બધાની વચ્ચે હવે બીજું એક મંદિર મળી આવ્યું છે, જેનું અતિક્રમણ કરીને છેલ્લા 46 વર્ષથી દબાવી રાખવામાં આવ્યું હતું. દરવાજા ખોલવા પર જાણવા મળ્યું કે, આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ છે અને શિવલિંગ પણ સ્થાપિત છે. જોકે મામલો આટલેથી જ અટક્યો નહોતો. તાજેતરમાં જ્યારે મંદિર પાસે જે કુવો છે તેને ખોદવાનું કામ શરૂ થયું ત્યારે તેમાંથી મૂર્તિઓ નીકળવા લાગી. આ બધું જોઈને બધા લોકો ચોંકી ગયા. અત્યાર સુધીમાં 15 થી 20 ફૂટ કૂવો ખોદવામાં આવ્યો છે. આ દરમિયાન તૂટેલી મૂર્તિઓ, સ્વસ્તિક લખેલી ઇંટો વગેરે મળી આવ્યા હતા. આવી સ્થિતિમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કૂવામાં વધુ 'ઈતિહાસ' છુપાયેલો હોઈ શકે છે. કાર્બન ડેટિંગ દ્વારા સત્ય શોધવાની માંગ ઉઠી રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે, આ આખો મામલો સંભલ શહેરના ખગ્ગુ સરાય વિસ્તારનો છે, જ્યાં 46 વર્ષ પછી શિવ મંદિર ખુલવાના ત્રીજા દિવસે એક કૂવામાંથી 3 મૂર્તિઓ મળી આવી હતી. આ પાર્વતી, ગણેશ અને કાર્તિકેય/લક્ષ્મીજીની મૂર્તિઓ હોવાનું કહેવાય છે. હકીકતમાં, સંભલમાં કોમી રમખાણો પછી 1978થી બંધ રાખવામાં આવેલા આ મંદિરને પોલીસ-પ્રશાસન દ્વારા તાજેતરમાં ખોલવામાં આવ્યું છે.

લગભગ ચાર દાયકા (લગભગ 46 વર્ષ) કરતાં વધુ સમયથી બંધ રહેલું આ મંદિર ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે એક ટીમ આ વિસ્તારમાં વીજળી ચોરી અને અતિક્રમણની ધરપકડ કરવા અને તેણે રોકવા માટે અહીં પહોંચી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ એક પ્રાચીન શિવ મંદિર છે અને તેની પાસે એક કૂવો પણ મળ્યો છે. અતિક્રમણને કારણે કૂવો ઢંકાઈ ગયો છે અને તેના ખોદકામ દરમિયાન ત્રણ મૂર્તિઓ અને તેના પર સ્વસ્તિકવાળી ત્રણ ઈંટો પણ મળી આવી છે.

ખોદકામ દરમિયાન કૂવાની અંદરથી વધુ મૂર્તિઓ મળવાની શક્યતા છે. ખોદકામને કારણે પ્રતિમાઓ વધુ તૂટી ન જાય તે આશંકાથી હાલ પુરતું ખોદકામ બંધ કરી દેવામાં આવ્યું છે. સાથે જ મૂર્તિઓ મળ્યા પછી સ્થાનિક હિન્દુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમણે ઢોલ અને નગારા-મંજીરા વગેરે સાધનો વડે પૂજાની સાથે ભજન અને કીર્તન ગાવાનું પણ શરૂ કર્યું છે. હાલ ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

આ દરમિયાન, સંભલના DM રાજેન્દ્ર પેન્સિયાએ કહ્યું છે કે, લગભગ 46 વર્ષ પછી ખોલવામાં આવેલા મંદિર અને કૂવાની કાર્બન ડેટિંગ માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને પત્ર લખવામાં આવ્યો છે. આ મંદિરમાં ફરીથી પૂજા તો શરૂ થઈ ગઈ છે.

પરંતુ આ ઘટના પછી સંભલમાં મોટા તોફાનોની યાદ પણ તાજી થઈ ગઈ છે. આ રમખાણને સંભલના 'ફડકાંડ' તરીકે ઓળખવામાં આવે છે. દાવો કરવામાં આવે છે કે, આ રમખાણો પછી અહીંની હિંદુ વસ્તી પોતાના ઘરો વેચીને ભાગી ગઈ હતી. ત્યાર પછીના દિવસોમાં આ મંદિર અને કૂવો પણ અતિક્રમણનો ભોગ બન્યા હતા.

રાજ્યના CM યોગી આદિત્યનાથે પણ વહીવટીતંત્ર દ્વારા સંભલમાં કોમી રમખાણો પછી 1978થી બંધ રાખવામાં આવેલા મંદિરને ફરીથી ખોલવા પર પ્રતિક્રિયા આપી છે. CM યોગીએ કહ્યું, 'આ મંદિર રાતોરાત પ્રગટ નથી થયું, બલ્કે તે આપણા સનાતન વારસા અને આપણા ઈતિહાસની સત્યતાને રજૂ કરે છે.'

પ્રયાગરાજ મહાકુંભના એક કાર્યક્રમમાં CM યોગીએ 46 વર્ષ પહેલા સંભલમાં બનેલી દુ:ખદ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં હિંસામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. CM યોગીએ પૂછ્યું, દાયકાઓ પછી પણ નરસંહારના એ ગુનેગારોને સજા માટે અદાલતમાં કેમ ન લાવવામાં આવ્યા?

બીજી તરફ, સંભલના સ્થાનિક લોકોનો દાવો છે કે, આ મંદિર સાંપ્રદાયિક રમખાણો અને હિંદુ વસ્તીના વિસ્થાપનને કારણે 1978થી બંધ હતું. નગર હિંદુ મહાસભાના સંરક્ષક વિષ્ણુ શંકર રસ્તોગી (82)એ જણાવ્યું કે, તેઓ તેમના જન્મથી જ ખગ્ગુ સરાઈમાં રહે છે. 1978ના રમખાણો પછી હિન્દુ સમુદાયને આ વિસ્તાર છોડીને ભાગવું પડ્યું હતું. ત્યારથી અમારા કુલગુરુને સમર્પિત આ મંદિર બંધ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp