અલ્લાહની ઈચ્છાથી બહુમતીમાં હશે મુસ્લિમો, આખા દેશ પર રાજ કરશે: ફિરહાદ હકીમ
મંત્રી અને કોલકાતાના મેયર ફિરહાદ હકીમ, જેઓ CM મમતા બેનર્જીના આશીર્વાદથી ભૂલ પર ભૂલ કરી રહ્યા છે તો પણ તેના પર એક્શન લેવાતા નથી, તેઓ ઘણી વાર ઉશ્કેરાટમાં આવીને નિયંત્રણ બહારના નિવેદનો આપતા રહે છે. આવું જ કંઈક ફરી પાછું બન્યું છે. ત્યાર પછી હવે TMC પાર્ટી તેમના નિવેદનોના બચાવમાં સામે આવી છે. આમ પણ, ફિરહાદ હકીમ શરૂઆતથી જ વિવાદાસ્પદ નિવેદનો સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તેમના નિવેદનો અંગે વિરોધ અને હોબાળો સિવાય, તેમની સામે કોઈપણ પ્રકારની ન્યાયિક, વહીવટી અથવા પક્ષ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેના કારણે તેઓ નિર્ભય થઈને આવા વિવાદાસ્પદ નિવેદનો આપતા રહે છે.
શુક્રવારે અલ્પસંખ્યક વિદ્યાર્થીઓના એક કાર્યક્રમમાં ગયેલા ફિરહાદ હકીમે એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં આપણે 33 ટકા છીએ. આખા દેશમાં આપણે 17 ટકા છીએ, તેથી જ આપણને લઘુમતી કહેવામાં આવે છે. પરંતુ આવનારા દિવસોમાં આપણે લઘુમતી નહીં રહીએ. અમને લાગે છે કે, અલ્લાહની ઈચ્છા હશે તો આપણે બહુમતીમાં હોઈશું. તેમણે કહ્યું કે કઈ પણ થાય છે તો મીણબત્તીઓ લઈને રેલી નીકાળે છે. એવો દરજ્જો હોવો જોઈએ કે, તમે ન્યાય ન મંગાવા માટે નહીં પણ તમે ન્યાય આપવા સક્ષમ હશો.
કોલકાતાના મેયર અને તૃણમૂલ કોંગ્રેસ સરકારમાં મંત્રી ફિરહાદ હકીમ દ્વારા આપવામાં આવેલા તાજેતરના વિવાદાસ્પદ નિવેદન પર તૃણમૂલ નેતા કુણાલ ઘોષે કહ્યું કે, CM મમતા બેનર્જીની સરકારમાં પશ્ચિમ બંગાળમાં તમામ ધર્મના લોકો સન્માન સાથે રહે છે. કુણાલ ઘોષે કહ્યું કે, 'ફિરહાદ હકીમે અત્યાર સુધી શું કહ્યું છે તેની સંપૂર્ણ વિગતો અમારી પાસે નથી. તેથી તેમણે જે કહ્યું તેમાંથી એક-બે વાક્યો પસંદ કરીને તેના પર ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં. CM મમતા બેનર્જીની સરકાર સહિત તમામ ધર્મના લોકો હિન્દુઓ, મુસ્લિમો અને અન્ય ધર્મો એક જ પ્રકારના સન્માન સાથે રહે છે અને અમે બધા ધર્મો અને સમુદાયો પ્રત્યે આદર અને સન્માનભાવ રાખીએ છીએ. અમે હમણાં તેના પર ટિપ્પણી કરીશું નહીં.'
કોલકાતાના મેયર ફિરહાદ હકીમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના સૌથી અગ્રણી લઘુમતી નેતાઓમાંના એક છે. તેઓ CM મમતા બેનર્જીના સૌથી વિશ્વાસુ નેતા પણ માનવામાં આવે છે. તેઓ વિધાનસભામાં કોલકાતા પોર્ટ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને છેલ્લા ઘણા સમયથી આ લઘુમતી પ્રભુત્વવાળી બેઠક પરથી સતત જીતી રહ્યા છે. 2011માં બંગાળમાં પહેલીવાર CM મમતા બેનર્જી સત્તા પર આવ્યા ત્યારથી તેઓ સતત મંત્રી પદ સંભાળી રહ્યા છે.
CM મમતા બેનર્જીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત બનેલી સરકારમાં પણ તેમને મંત્રી બનાવવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ પશ્ચિમ બંગાળ સરકારમાં શહેરી વિકાસ અને મ્યુનિસિપલ અફેર્સ અને હાઉસિંગના કેબિનેટ મંત્રી તરીકે પણ કામ કરી રહ્યા છે. તેઓ કોલકાતા પોર્ટથી તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય છે. જ્યારે, CM મમતા બેનર્જી સાથે મતભેદોને પગલે નવેમ્બર 2018માં કોલકાતાના મેયર પદ પરથી ભૂતપૂર્વ પ્રધાન શોભન ચેટર્જીએ રાજીનામું આપ્યા પછી, CM મમતાએ મેયરની જવાબદારી ફિરહાદને સોંપી દીધી હતી. ત્યારથી તેઓ કોલકાતાના 38માં મેયર તરીકે સેવા આપી રહ્યા છે.
તે અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તે નારદ સ્ટિંગ કેસમાં પણ આરોપી છે. CBIએ નારદ સ્ટિંગ કેસમાં ફિરહાદ સહિત તૃણમૂલના ઘણા નેતાઓની ધરપકડ પણ કરી હતી. જોકે, ત્યાર પછી તેમને કલકત્તા હાઈકોર્ટમાંથી શરતી જામીન મળી ગયા હતા. હકીમ તેના વિવાદાસ્પદ નિવેદનો માટે ખૂબ જ બદનામ છે. 3 જુલાઈ, 2024ના રોજ આપેલા એક નિવેદનમાં તેણે બિન-મુસ્લિમોને કમનસીબ ગણાવ્યા હતા અને જાહેરમાં તેમને ઈસ્લામ સ્વીકારવા માટે આહ્વાન કર્યું હતું. એપ્રિલ 16માં, કોલકાતા, ખિદિરપુર અને મટીયાબુર્જના મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોને 'મિની પાકિસ્તાન' તરીકે ગણાવ્યા હતા. 21 ફેબ્રુઆરીના રોજ તેમને કોલકાતાની એક મસ્જિદમાં રાજકીય ભાષણ આપતા જોવા અને સાંભળવામાં આવ્યા હતા.
વિધાનસભામાં વિપક્ષના નેતા સુભેન્દુ અધિકારીએ પણ શહેરી વિકાસ મંત્રી ફિરહાદ હકીમના નિવેદન પર ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે, તેઓ (ફિરહાદ) ઈચ્છે છે કે લોકો તેનો ધર્મ સ્વીકારે. તેઓ સપનું જોઈ રહ્યા છે કે, વસ્તી દ્વારા તેઓ બહુમતીમાં હશે. જો તેમની સંખ્યા વધશે તો બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં જે થઈ રહ્યું છે તે જ થશે. જ્યારે તેમની વસ્તી 50 ટકા વધે છે, ત્યારે મુસ્લિમો પર્સનલ લો બોર્ડ શરૂ કરે છે. તેઓ બંધારણમાં માનતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp