આ દેશમાં પ્રોપર્ટી ડીલર્સ ઘઉં અને લસણના બદલામાં વેચી રહ્યા છે ઘર!

PC: aajtak.in

ચીનમાં એક રિયલ એસ્ટેટ કંપનીએ ખરીદદારોને લલચાવવા માટે એક અનોખી રીત શોધી કાઢી છે. કંપનીએ ઘર ખરીદવાની ઈચ્છા ધરાવનારા લોકો પાસે ડાઉન પેમેન્ટના બદલામાં ઘઉં અને લસણને સ્વીકારવાનું શરૂ કર્યુ છે.

આ રિયલ એસ્ટેટ કંપની હેનાન સ્થિત સેન્ટ્રલ ચાઈના રિયલ એસ્ટેટ છે, જેણે આ જાહેરાત પણ પ્રકાશિત કરી છે. આ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, ઘર ખરીદવા માટે ઘઉં આપો.

આ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, ખરીદારો ઘર ખરીદવા માટે ડાઉન પેમેન્ટ માટે બે યુઆન પ્રતિ કૈટીના દરથી ઘઉંનો ઉપયોગ કરી શકે છે. કૈટી ચીનનું એક યુનિટ છે, જે લગભગ 500 ગ્રામ બરાબર હોય છે.

અહીં તમને જણાવી દઈએ કે એક ઘરની ખરીદી માટે ડાઉન પેમેન્ટ 160,000 યુઆન છે.

સેન્ટ્રલ ચાઇના રિયલ એસ્ટેટના એક સેલ્સ એજન્ટે જણાવ્યું કે, વિસ્તારના ખેડૂતોને મુખ્ય રીતે આકર્ષિત કરવા માટે આ પ્રકારની જાહેરાત શરૂ કરવામાં આવી છે. કંપનીનું આ પ્રમોશન સોમવારે શરૂ થયું છે અને 10 જુલાઇ સુધી રહેશે. એજન્ટે પોતાની ઓળખ નહીં બતાવવાની શરત પર જણાવ્યું કે, કંપની 600,000 થી 900,000 યુઆન સુધીના ઘર વેચી રહી છે.

ગત મહિને સેન્ટ્રલ ચાઇનાએ એક અન્ય જાહેરાત પ્રકાશિત કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઘર ખરીદવા માટે ઇચ્છતા પાંચ યુઆન પ્રતિ કૈટીના દરથી ડાઉન પેમેન્ટ માટે લસણનો ઉપયોગ કરી શકે છે. જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, લસણના આ પ્રમોશનથી 852 લોકો પ્રભાવિત થયા અને 30 ડીલ થઈ. લસણ અને ઘઉંની જથ્થાબંધ બજાર કિંમત 1.5 યુઆન પ્રતિ ગ્રામ છે.

અહીં તમને જણાવી દઈએ કે, ચીનમાં કોરોનાના કારણે પ્રોપર્ટી બજારમાં લાંબા સમયથી ઘટાડો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરીથી મે દરમિયાન પ્રોપર્ટી કંપનીઓ વેચાણ વધારવાને લઇને સંઘર્ષ કરતી દેખાઈ. આ જ કારણ રહ્યું છે કે, ફ્રી પાર્કિંગ લોટ અને ઘર ખરીદ્યા પછી રિનોવેશન જેવી લોભાવનારી ઓફર આપીને રોકાણકારોનું ધ્યાન ખેંચવામાં આવ્યું.

આ વર્ષે ચીનના ઘણા શહેરોમાં પણ પ્રોપર્ટી ખરીદીને લઈને નિયમોમાં છુટ આપવામાં આવી. તેનો હેતુ આ સેક્ટરને ફરીથી પુનઃજીવિત કરવાનો છે. નાના-નાના ડાઉન પેમેન્ટ અને સબસીડી જેવા પગલાંઓથી ખરીદદારોને લોભાવવામાં આવી રહ્યા છે. પ્રોપર્ટી એજન્ટનું કહેવું છે કે, લોકોની ખરીદશક્તિ એકવાર ફરીથી વધી રહી છે, પરંતુ દેશમાં આર્થિક અનિશ્ચિતતાના કારણે આને હમણાં ટર્નિંગ પોઈન્ટ કહેવું ઉતાવળ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp