CM ફડણવીસે હળવા અંદાજમાં વિધાનસભામાં કરી ભવિષ્યવાણી!, DyCM પવાર બનશે CM..

PC: divyamarathi.bhaskar.com

મહારાષ્ટ્રની નવી સરકારે હવે તેનું કામ કરવાનું ચાલુ કરી દીધું છે. આ દરમિયાન, વિધાનસભાના વર્તમાન સત્રમાં CM દેવેન્દ્ર ફડણવીસે DyCM અજિત પવાર વિશે કંઈક એવું કહ્યું કે, જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનું વાતાવરણ બની ગયું. CM ફડણવીસે કહ્યું કે, તેમની શુભેચ્છાઓ DyCM અજિત પવાર સાથે છે અને તેઓ ચોક્કસપણે એક દિવસ મહારાષ્ટ્રના CM બનશે. આ ટિપ્પણી વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન કરવામાં આવી હતી. CM ફડણવીસે આ નિવેદન ખૂબ જ હળવા અંદાજમાં કહ્યું છે...

હકીકતમાં મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે પોતાના સંબોધનમાં DyCM અજિત પવારના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે DyCM અજિત પવારનો વહીવટી અનુભવ અને મહેનતનું સ્તર અસાધારણ છે. તમને કાયમી DyCM કહેવામાં આવે છે, પરંતુ મારી શુભકામના એવી છે કે, તમે એક દિવસ જરૂર CM બનો.

CM ફડણવીસે વિધાનસભામાં આ વાત કહી. ત્યાં હાજર સભ્યોએ તેમની ટિપ્પણીને તાળીઓથી વધાવી હતી, જેનાથી વાતાવરણ એકદમ આનંદમય બની ગયું હતું.

આ દરમિયાન CM ફડણવીસે DyCM એકનાથ શિંદેનો પણ ઉલ્લેખ કર્યો હતો. CM ફડણવીસે કહ્યું કે, DyCM અજિત પવાર સવારે કામ કરે છે કારણ કે તેઓ સવારે વહેલા ઉઠે છે. હું બપોરથી મધરાત સુધી કામ કરું છું. અને તમે બધા એ જાણો છો કે, રાત્રે કોણ કામ કરે છે. CM ફડણવીસે આ વાત મજાકના સ્વરમાં કહી હતી, પરંતુ તેને DyCM શિંદેના કામ પ્રત્યેના સમર્પણનો પુરાવો પણ માનવામાં આવી રહ્યો છે.

CM ફડણવીસ અહીં જ અટક્યા નથી. તેમણે કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં વિપક્ષોએ તેમને નિશાન બનાવ્યા છે. તેમના પર અંગત રીતે પણ હુમલો કરવામાં આવ્યો હતો. પરિવારને પણ બક્ષવામાં આવ્યો ન હતો. સવારથી સાંજ સુધી 5-7 લોકો ફક્ત તેમના અને તેમના પરિવાર વિશે જ ચર્ચા કરતા હતા. જેના કારણે મહારાષ્ટ્રના લોકોમાં તેમના પ્રત્યે સહાનુભૂતિ જાગી.

CM ફડણવીસે કહ્યું કે, સમાજને એક થવાની જરૂર છે. સમાજ એક થશે તો પ્રગતિ થશે. એટલા માટે અમે સૂત્ર આપ્યું હતું, 'એક હૈ તો સૈફ હૈ' સૂત્રને મહારાષ્ટ્રના લોકોનું સમર્થન મળ્યું. જેના કારણે મહાયુતિનો શાનદાર વિજય થયો હતો. છેલ્લા 5 વર્ષ પરિવર્તનના રહ્યા હતા. આજે જાતિ જેટલી લોકોના દિમાગમાં છે તેટલી નેતાઓના દિમાગમાં નથી.

આ સમગ્ર વાતચીત દરમિયા CM ફડણવીસ ચોક્કસપણે હળવા મૂડમાં હતા, પરંતુ આ નિવેદન વાયરલ થયું હતું. DyCM અજિત પવારે તાજેતરમાં જ છઠ્ઠી વખત DyCM તરીકે શપથ લીધા છે. અહીં તમને જણાવી દઈએ કે, DyCM અજિત પવારના નેતૃત્વમાં NCPએ તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. લોકસભાની ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન છતાં તેમણે આ વખતે જોરદાર પ્રદર્શન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp