ચૂંટણી પહેલા સચિન પાયલોટનો ફરી ગેહલોત સામે મોર્ચો,વસુંધરા રાજે પર એક્શન નથી લેતા

PC: theprint.in

રાજસ્થાન કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલોટે પોતાની જ સરકારના મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે ફરી એક વખત મોર્ચો માંડતા રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. પાયલોટે રવિવારે જયપુરમાં એક પ્રેસ કોન્ફરસમાં કહ્યું કે, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સામે ગેહલોતને અનેક વખત લેખિતમાં ફરિયાદ કરી છે છતા આજ સુધી તેમણે કાર્યવાહી કરી નથી એટલે ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવા માટે 11 એપ્રિલે મહાન સમાજ સુધારક જ્યોતિબા ફુલેની જન્મ જયંતિના દિવસે 1 દિવસનું ઉપવાસ આંદોલન કરવામાં આવશે. પાયલોટની જાહેરાતને કારણે રાજસ્થાનના રાજકારણમાં હંગામો મચી ગયો છે. રાજસ્થાનમાં આગામી દિવસોમા વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે પાયલોટના આંદોલનની જાહેરાતને કારણે કોંગ્રેસી નેતાઓના જીવ ઉંચા થઇ ગયા છે.

સચિન પાયલોટે રવિવારે જયપુરમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે લોકોના નામ પર અશોક ગેહલોત સામે નિશાન સાધી દીધું હતું. પાયલોટે કહ્યું કે તમે વસુંધરા રાજે સામે કાર્યવાહી નથી કરતા તો લોકો એમ માનશે કે ગેહલોત અને વસુંધરા રાજેની મીલીભગત છે. તેમણે કહ્યું કે વારંવાર ફરિયાદ કરવા છતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલાતે વસુંધરા રાજે સામે કોઇ પગલા લીધા નથી. પાયલોટે 45000 કરોડના ગોટાળાનો આરોપ લગાવ્યો છે.

પાયલોટે કહ્યું કે સાડા ચાર વર્ષ થયા છતા હજુ CBIને કેસ સોંપવામાં આવ્યો નથી. એટલે આખરે નાછુટકે મારે ઉપવાલ આંદોલનનું શસ્ત્ર ઉપાડવું પડ્યું છે. તેમણે કહ્યુ કે 2013માં જ્યારે અમારી સરકાર હતી અને તે વખતની ચૂંટણીમાં અમે હારી ગયા હતા અને રાજસ્થાનમાં વસુંધરા રાજેની સરકાર બની હતી. તે વખતે અમે વસુંધરા રાજેના અનેક કૌભાંડો લોકો સમક્ષ જાહેર કર્યા હતા. એ વાતને કદાચ લોકોએ સ્વીકારી હતી અને 2018માં ફરી એકવાર કોંગ્રેસને રાજસ્થાનમાં સત્તા મળી. અમારી પાસે વસુંધરા રાજે સામે અનેક પુરાવા છે અને જ્યારે પ્રજાને કૌભાંડો સામે પગલાં લેવાનું વચન આપેલું છે ત્યારે અમારી જ સરકાર નિષ્ક્રીય બની ગઇ છે.

આ પહેલાં પણ સચિન પાયલોટ અશોક ગેહલોત સામે મોર્ચો માંડી ચૂક્યા છે. જયપુરમા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પાયલોટે મુખ્યમંત્રી ગેહલોતના જુના વીડિયો પણ મીડિયાને બતાવ્યા હતા.

હજુ થોડા સમય પહેલાં જ જ્યારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ચાલી રહી હતી ત્યારે મુખ્યમંત્રીની ખુરશીને લઇને અશોક ગેહલોત અને સચીન પાયલોટ વચ્ચે રાજકીય અથડામણ થઇ હતી અને તેના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp