26th January selfie contest

કોંગ્રેસ-NCP શિવસેનાને ટેકો આપશે તો પોતાની રાજકીય કબર ખોદવાનું કામ કરશે

PC: twitter.com

આમ તો રાજકારણમાં કોઈ કાયમી ફોર્મ્યુલા હોતી નથી. પોતાના અંગત સ્વાર્થ માટે વિચારતા રાજકારણીઓએ પોતાના સ્વાર્થ કરતા ઉપર ઉઠી ટૂંકા ફાયદાનો વિચાર છોડી લાંબા ગાળાનું વિચારી દેશ માટે હિતકારી નિર્ણય લેવો જોઈએ. રામ મંદિરનો નિર્ણય તો સુપ્રીમ કોર્ટે લઈ લીધો પરંતુ હવે આખા દેશની નજર મહારાષ્ટ્રમાં કોણ સરકાર બનાવવા જઈ રહ્યુ છે તેની ઉપર છે. મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામ જાહેર થયાને પંદર દિવસ થઈ ગયા છે. ભાજપ સાથે સંયુકત રીતે ચૂંટણી લડનાર શિવસેનાની મુખ્યમંત્રી થવાની મમતને કારણે મહારાષ્ટ્રમાં સરકાર બની શકી નથી. ભાજપ પાસે સૌથી વધુ બેઠક હોવા છતાં બહુમતી નહીં હોવાને કારણે એકલા હાથે સરકાર બનાવવી અઘરી છે. આ સમયમાં મહારાષ્ટ્રના કોંગ્રેસ અને એનસીપીના શિયાળ જેવા નેતાઓના મોંઢામાંથી સત્તાની લાળ ટપકી રહી છે. તેઓ રાહ જોઈ બેઠા છે કે ભાજપના મોંઢામાંથી સત્તાની પુરી પડે અને તેમના મોંઢામાં આવી જાય. પણ રાજકારણનું એકડીયુ ભણેલા ટપોરી છાપ નેતાને પણ સમજાય છે શિવસેનાને ટેકો આપવાની ભૂલ કરી એનસીપી અને કોંગ્રેસે પોતાની રાજકિય કબર ખોદવાની જરૂર નથી.

મહારાષ્ટ્ર જેવી સ્થિતિ 1990માં ગુજરાતમાં હતી. 1990માં ભાજપ અને જનતા દળ ગુજરાતે સંયુકત રીતે ચૂંટણી લડી સત્તા હાંસલ કરી. ગુજરાતમાં કોંગ્રેસ સાફ થઈ ગઈ હતી. સતત સત્તામાં રહેલી કોંગ્રેસ જયારે હારી ત્યારે પ્રજાનો આદેશ માથે ચઢાવી વિરોધ પક્ષમાં બેસવાની જરૂર હતી. પણ સત્તા લાલચુ કોંગ્રેસે ભાજપે સરકાર છોડી દેતા ચીમનભાઈ પટેલની સરકારને ટેકો આપવાની ભૂલ કરી સત્તામાં ભાગીદારી મેળવી હતી. કોંગ્રેસે કરેલી ભૂલનો અંત આવ્યો નહીં. 1996માં જયારે ભાજપને ફરી સત્તા મળી અને શંકરસિંહ વાઘેલાએ પહેલા કેશુભાઈ પટેલની અને પછી સુરેશ મહેતાની સરકાર તોડી ત્યારે પણ કોંગ્રેસે શંકરસિંહને ટેકો આપ્યો હતો. જેનું પરિણામ એવું આવ્યું કે ચીમનભાઈ પટેલની સરકાર અને શંકરસિંહ સામે જયારે ભ્રષ્ટાચારનો આરોપ થતો હતો ત્યારે ભ્રષ્ટ સરકારનો કોંગ્રેસ ટેકો આપી રહી છે તેવી છાપ ગુજરાતના મતદારોમાં ગઈ. જેનું પરિણામ આજ સુધી કોંગ્રેસ ભોગવી રહી છે.

હવે તેવી સ્થિતિ મહારાષ્ટ્માં નિર્માણ થઈ છે. મહારાષ્ટના જનતાએ ભાજપ અને શિવસેનાને સત્તા બનાવવાનો અને કોંગ્રેસ-એનસીપીને વિરોધ પક્ષમાં બેસવાનો આદેશ આપ્યો છે. પરંતુ શિવસેનાની આડોડાઈને કારણે મામલો ઘોંચમાં પડયો છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે શુ નક્કી થયુ હતું તેની આપણને ખબર નથી. અમિત શાહે ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરેને કયુ વચન આપ્યુ તેની આપણી પાસે જાણકારી નથી. ભાજપ અને શિવસેનામાંથી કોનો મુખ્યમંત્રી થશે તે તેમનો આંતરિક મામલો છે. સવાલ શિવસેનાને કોંગ્રેસ-એનસીપીએ ટેકો આપવો જોઈએ કે નહીં તેનો છે. પરિણામ પ્રમાણે શિવસેના એકલા હાથે સત્તા મેળવી શકે તેમ નથી. તેને કોંગ્રેસ અને એનસીપીના ટેકાની જરૂર પડે તેમ છે. પરંતુ કોંગ્રેસ અને એનસીપીએ નક્કી કરવાનું છે કે શિવસેનાને ટેકો આપવાના પરિણામ શુ આવી શકે છે.

હિન્દુ મુસ્લિમના મુદ્દે ભાજપનો જાહેર અને ખાનગી ચહેરો અલગ છે. જયારે શિવસેના તે મુદ્દે સ્પષ્ટ છે. તેઓ દેશના મુસ્લિમોને પસંદ જ કરતા નથી. વાત માત્ર હિન્દુ મુસ્લિમ પુરતી સીમિત નથી. શિવસેના તો મહારાષ્ટ્રમાં વસતા ગુજરાતી અને ઉત્તર ભારતીયોની હાજરી પણ સહન કરી શકતા નથી. ભૂતકાળમાં શિવસેનાએ ગુજરાતીઓ અને ઉત્તર ભારતીયોને નિશાન બનાવેલા છે. આમ મુદ્દો માત્ર હિન્દુત્વ પુરતો સીમિત નથી. પણ જે શિવસેના પ્રાદેશિકતા વાદમાં માને છે તેવા પક્ષને ટેકો આપી કોંગ્રેસ એનસીપી પોતાને કયાં ચોકઠામાં ગોઠવવામાં માગે છે. કદાચ શિવસેનાને ટેકો આપી થોડા મહિના માટે કોંગ્રેસ અને એનસીપી ભાજપને સત્તાથી દુર રાખી શકશે પણ મહારાષ્ટ્રના રાજકારણમાં કોંગ્રેસ અને એનસીપી હાંસીયામાં ધકેલાઈ જશે.  હાલમાં છે તેની કરતા પણ વધારે ખરાબમાં સ્થિતિમાં આવી જશે. આમ ભાજપને થનાર નુકશાન કરતા થોડોક પણ રાજકીય સ્વાર્થ સમજાય તો શિવસેનાને ટેકો આપવો જોઈએ નહીં.

(પ્રશાંત દયાળ)

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp