દિલ્હી એરપોર્ટ પર કસ્ટમને ઘણી ટોફી મળી, તેને ખોલતા તેમાંથી આટલું સોનું મળ્યું

PC: x.com

શું તમને ટોફી ખાવાનું ગમે છે? અને આમ પણ ચોકલેટ ખાવાનું કોને ના ગમે, એક બે રૂપિયાની હોય કે તેની કિંમત ગમે તેટલી હોય, તમને ગમતી હોય તો તમે ગમે તે રીતે તેને ખરીદીને ખાવાના જ છો, અહીં તમને એક સવાલ પૂછવાનો કે તમે કેટલી કિંમતની ટોફી ખાધી છે, 2 રૂપિયાની, 5 રૂપિયાની કે 10 રૂપિયાની? કે તેનાથી પણ મોંઘી... ચાલો જવા દો, પરંતુ શું તમે ક્યારેય 17 લાખ રૂપિયાની ટોફી વિશે સાંભળ્યું છે? કદાચ તમે વિચારતા હશો કે આ વળી 17 લાખ રૂપિયાની ટોફી છે કે સોનાનો સિક્કો? તમે ખરું વિચાર્યું છે, કારણ કે તે સામાન્ય ટોફી નહોતી પણ તેની અંદર ચોકલેટના બદલે સોનુ લપેટેલું હતું.

મીડિયા સૂત્રના અહેવાલ મુજબ અધિકારીઓને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક વ્યક્તિ પાસેથી ટોફીના રેપરમાંથી સોનું મળી આવ્યું હતું. 11 ડિસેમ્બરે કસ્ટમ અધિકારીઓ દ્વારા ચેકિંગ દરમિયાન યુવક પાસેથી 17 લાખ રૂપિયાથી વધુની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. કસ્ટમ વિભાગે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી છે.

કસ્ટમ વિભાગે ટ્વિટર પર શેર કરેલી પોસ્ટમાં જણાવ્યું કે, રાજસ્થાનનો 22 વર્ષનો યુવક બુધવારે એટલે કે 11 ડિસેમ્બરે દોહાથી દિલ્હી પહોંચ્યો હતો. તેણે મુસાફરી પછી એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓને ચકમો આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેની આ યુક્તિ અધિકારીઓના હાથે ઝડપાઈ ગઈ હતી. યુવકને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

અહેવાલો અનુસાર, અધિકારીઓને આ યુવક પાસેથી ઘણી બધી ટોફી મળી આવી હતી. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, વ્યક્તિએ ટોફીના રેપરમાં સોનાની ચેઈન (અંદાજે 240 ગ્રામ) છુપાવી હતી. આ સોનાની ચેનની કિંમત લગભગ 17.47 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

કસ્ટમ્સ વિભાગે પોસ્ટમાં આગળ લખ્યું કે, 'બાજ નજર ધરાવતા અધિકારીઓએ સામાનનો એક્સ-રે કાઢતી વખતે શંકાસ્પદ તસવીરો જોઈ. જીવન કદાચ ચોકલેટનું બોક્સ હોઈ શકે છે, પરંતુ કસ્ટમ હંમેશા છેલ્લી પસંદગી લે છે.'

થોડા સમય પહેલા ફિલ્મ 'ક્રુ' રિલીઝ થઈ હતી. ફિલ્મમાં ત્રણેય એર હોસ્ટેસ ટોફીમાં છૂપાવીને સોનાની દાણચોરી કરતી હતી, સંભવ છે કે યુવકે પણ આવો જ વિચાર કરીને એરપોર્ટ પર છેતરપિંડી કરવાનું વિચાર્યું હશે. પરંતુ અધિકારીઓએ તેની યુક્તિ ખૂબ જ સરળતાથી પકડી લીધી. હાલ યુવક સામે તસ્કરીનો ગુનો નોંધવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp