સરકારના કયા નિર્ણયને કારણે ડૉક્ટરો છે નારાજ, બ્લેક પટ્ટી બાંધી કર્યું કામ

PC: medicaldialogues.in

ભારતમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. જેણે સૌ કોઈની ચિંતા વધારી દીધી છે. દેશમાં લોકડાઉન હોવા છતાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જાણ હોય તો, પ્રધાનમંત્રી મોદીએ 25 માર્ચના રોજ કોરોનાના પ્રસારને રોકવા માટે દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. ત્યારબાદ 14 એપ્રિલે પ્રધાનમંત્રી મોદીએ ફરી એકવાર દેશમાં  લોકડાઉનનો સમય 19 દિવસના માટે વધારી દીધો હતો. 19 દિવસ લંબાવેલા લોકડાઉનની અવધિ 3 મેના રોજ ખતમ થવાની હતી, પણ તે પહેલા જ કેન્દ્રએ બે અઠવાડિયા માટે ફરી લોકડાઉન લંબાવ્યું હતું. 17 મે સુધી તે લાગૂ હતું. 17 મેના રોજ સાંજે કેન્દ્ર સરકારે ફરી બે અઠવાડિયા માટે લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો. જે હવે દેશમાં 31 મે સુધી લાગૂ રહેશે.

તેની સાથે જ કેન્દ્રએ કોરોના પીડિતોની સારવારમાં લાગેલા ડૉક્ટરો માટે પણ નવી ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. જેમાં કોવિડ વોર્ડમાં ડ્યૂટી કરનારા દરેક ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફને ડ્યૂટી પછી ક્વોરેન્ટાઈન સુવિધા ન આપવાની વાત કહેવામાં આવી હતી. સરકારના આ નિર્ણયથી દેશભરના સ્વાસ્થ્યકર્મીઓએ તેનો વિરોધ કર્યો છે. તેના માટે તેમણે શુક્રવારે વિરોધ સ્વરૂપે બ્લેક રિબન બાંધી કામ કર્યું હતું.

રિપોર્ટ અનુસાર, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દરેક ડૉક્ટરો અને સ્ટાફને ડ્યૂટી પછી ક્વોરેન્ટાઈન સુવિધા ન આપવાની અને તેને ખાલી કરવાના આદેશ આપ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે, માત્ર એજ મેડિકલ સ્ટાફને ક્વોરેન્ટાઈન સુવિધા આપવામાં આવશે જેમને કોરોનાથી વધારે ખતરો છે. દેશભરના ડૉક્ટર અને સ્વાસ્થ્યકર્મી સરકારના આ નિર્ણયના વિરોધમાં છે.

ડૉક્ટરોનું કહેવું છે કે, સરકારે આ નિર્ણયને પાછો ખેંચવો જોઈએ. કારણ કે કામ કર્યા પછી ઘરે જવાથી તેમના પરિવારને પણ કોરોનાનો ખતરો વધી જશે. માટે Federation Of Resident Doctors Association India (FORDA)ના ડૉક્ટરોએ સરકારના આ નિર્ણયનો વિરોધ કરવા માટે સૌને કાળી પટ્ટી પહેરી કામ કરવાનું કહ્યું. તેમના આ પ્રોટેસ્ટની અમુક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તમે પણ જુઓ...

વિરોધ પ્રદર્શનને વધતા જોઈ ઘણા હોસ્પિટલ પ્રશાસને તેમને ત્યાં કેન્દ્રના આ આદેશ પર 1 અઠવાડિયા માટે રોક લગાવી દીધી છે. તો ડૉક્ટરોનું કહેવું છે કે, જ્યાં સુધી આ આદેશને સંપૂર્ણ રીતે પાછો ખેંચી લેવામાં આવે નહીં ત્યાં સુધી તેઓ કાળી પટ્ટી બાંધીને કામ કરતા રહેશે.

Federation Of Resident Doctors Association India (FORDA)ના અધ્યક્ષ ડૉ. શિવાજી દેવ બર્મને આ સંદર્ભમાં કેન્દ્રી. સ્વાસ્થ્ય મંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે આ મામલે પગલા લેવા અને તેમની માગ પૂરી કરવાની અપીલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp