જમ્મુ-કાશ્મીરના CM ઓમરે PM મોદીના વખાણ કર્યા, શું ઘાટીમાં કંઈ થવાનું છે

PC: twitter.com

PM નરેન્દ્ર મોદી સોમવારે જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ પહોંચ્યા. અહીં તેમણે Z-MORH ટનલનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લા, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી પણ તેમની સાથે હાજર હતા. ટનલના ઉદ્ઘાટન પછીના પોતાના સંબોધનમાં, CM ઓમર અબ્દુલ્લાએ કેન્દ્રશાસિત પ્રદેશમાં શાંતિપૂર્ણ ચૂંટણી યોજવા બદલ PM મોદીનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, તમે 4 મહિનામાં તમારું વચન પાળ્યું અને તમે જે કહ્યું તે પૂર્ણ કર્યું. તમે ખીણમાં કોઈપણ ખલેલ વિના ચૂંટણીઓ યોજી. CM ઓમરના આ વખાણથી તો ચર્ચા થઈ રહી છે કે કાશ્મીર ઘાટીના રાજકારણમાં કંઇક નવા જૂની થાય તો નવાઈ નહીં, આમ પણ કોંગ્રેસ હજુ પણ ઓમર સરકારને બહારથી જ ટેકો આપી રહી છે.

જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લાએ કહ્યું, 'તમે (PM મોદી) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર શ્રીનગરમાં તમારા કાર્યક્રમ દરમિયાન 3 ખૂબ જ મહત્વપૂર્ણ વાતો કહી હતી. તમે કહ્યું હતું કે, તમે દિલના અંતરને અને દિલ્લીના અંતરને દૂર કરવા પર કામ કરી રહ્યા છો અને આ ખરેખર તમારા કાર્ય દ્વારા સાબિત થાય છે. તે દરમિયાન તમે જમ્મુ અને કાશ્મીરના લોકોને કહ્યું હતું કે, ખૂબ જ ટૂંક સમયમાં ચૂંટણીઓ યોજાશે અને લોકોને તેમના મત દ્વારા તેમની સરકાર પસંદ કરવાની તક મળશે. તમે તમારો મુદ્દો રજૂ કર્યો અને 4 મહિનાની અંદર ચૂંટણીઓ યોજાઈ ગઈ. નવી સરકાર ચૂંટાઈ આવી અને તેનું પરિણામ એ આવ્યું કે, હું અહીં CM તરીકે તમારી સાથે વાત કરી રહ્યો છું.

તેમણે કહ્યું કે, લોકોએ ઉત્સાહપૂર્વક ચૂંટણીમાં ભાગ લીધો હતો અને ક્યાંય પણ કોઈ ગોટાળા કે સત્તાના દુરુપયોગની ફરિયાદ મળી નથી. CM ઓમર અબ્દુલ્લાએ વધુમાં કહ્યું, 'PM, તમે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું વચન પણ આપ્યું હતું.' લોકો મને આ વિશે પૂછતા રહે છે અને હું તેમને યાદ અપાવતો રહું છું કે, PM મોદીએ ચૂંટણી યોજવાનું પોતાનું વચન પૂરું કર્યું. મને વિશ્વાસ છે કે, ટૂંક સમયમાં આ વચન પણ પૂર્ણ થશે અને જમ્મુ અને કાશ્મીર ફરી એકવાર આ દેશનું એક રાજ્ય બનશે.'

CM ઓમરે કહ્યું કે, PM મોદીના પ્રયાસોને કારણે, સરહદ પર યુદ્ધવિરામથી અંદરના અંતરિયાળ વિસ્તારોને ઘણો ફાયદો થયો છે. તેમણે કહ્યું કે, માછિલ, ગુરેઝ, કરનાહ કે કેરન હોય, વધુ પ્રવાસીઓના આગમનને કારણે લોકોને વિકાસ અને પર્યટનના સંદર્ભમાં ફાયદો થઈ રહ્યો છે. CM ઓમરે એમ પણ કહ્યું કે, સોનમર્ગમાં Z-મોરહ ટનલના ઉદઘાટન સાથે, ઉપરના વિસ્તારોના લોકોને હવે મેદાનો તરફ મુસાફરી કરવાની જરૂર રહેશે નહીં, કારણ કે આખું વર્ષ રોડ કનેક્ટિવિટી ઉપલબ્ધ રહેશે.

તેમણે ગયા વર્ષે ગગનગીરમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા Z-MORH ટનલ બાંધકામ પ્રોજેક્ટમાં સામેલ 7 નાગરિકોને યાદ કર્યા. ગાંદરબલ જિલ્લામાં ગગનગીર અને સોનમર્ગને જોડતી આ 6.5 Km લાંબી બે-લેનવાળી ટનલનું નિર્માણ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રૂ. 2,700 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે. આ સુરંગમાં 7.5 મીટર પહોળો ઇમરજન્સી એક્ઝિટ રૂટ પણ છે. CM ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, Z-MORH ટનલ ગાંદરબલ જિલ્લામાં આવેલા સોનમર્ગ રિસોર્ટને પ્રખ્યાત ગુલમર્ગ સ્કીઇંગ રિસોર્ટ શહેરની જેમ શિયાળુ રમતગમત સ્થળ તરીકે વિકસાવવા સક્ષમ બનાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp