બોલો, ઇન્કમટેક્સ ઓફિસની કેન્ટીનમાં બેસીને ચાલતી હતી નકલી ભરતી, આ રીતે પકડાયા

PC: jagran.com

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં નકલી નોકરી અપાવતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. ચોંકાવનારી વાત એ હતી કે ગેંગના માણસો ઇન્કમટેક્સ ઓફિસની કેન્ટીનમાં બેસીને જ નોકરી આપવાનો ખેલ કરી રહ્યા હતા. આ ગેંગ નોકરી અપાવવાના બહાને લોકો પાસેથી 3 લાખ રૂપિયાથી માંડીને 5 લાખ રૂપિયા સુધીની રકમ વસુલતી હતી.

છેલ્લા 15 દિવસથી આ ટોળકી લખનૌ સ્થિત આવકવેરા વિભાગની કેન્ટીનમાં લોકોના ઈન્ટરવ્યુ લઈ રહી હતી. આ બાબતે કોઈ અધિકારીને ભનક સુદ્ધાં નહોતી આવી. આજતકના અહેવાલ મુજબ, આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે છેતરપિંડીનો ભોગ બનેલી વ્યક્તિએ પોલીસ અને અધિકારીઓને આ અંગે ફરિયાદ કરી. પોલીસે આ કેસમાં પ્રિયંકા નામની મહિલા અને અન્ય 7 લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી આવકવેરા વિભાગના સ્ટેમ્પ અને ઘણા દસ્તાવેજો પણ મળી આવ્યા છે.

તાજેતરમાં, આવકવેરા વિભાગમાં સ્પોર્ટ્સ ક્વોટાની ઘણી જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ગોમતીનગર સ્થિત ઓફિસમાંથી ઇન્ટરવ્યુ લેટર આપવામાં આવ્યા હતા. જેના આધારે વિભાગમાં બનાવટનો ખેલ ચાલી રહ્યો હતો. આ ગેંગના લોકોએ ફ્રી જોબ એલર્ટ આપતી વેબસાઈટ પર આ માટે નોટિફિકેશન કર્યું હતું. જે પછી ટોળકી લોકોને ઈન્ટરવ્યુ માટે બોલાવતી હતી.

લખનૌમાં આવકવેરા વિભાગમાં ચાલી રહેલા નકલી ઇન્ટરવ્યુઓ વહીવટી અધિકારીઓ હોવાનો ઢોંગ કરીને ગેંગના સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યા હતા. ઈન્ટરવ્યુ લીધા બાદ ગેંગના સભ્યો લોકોને એપોઈન્ટમેન્ટ લેટર આપી દેતા હતા. નિમણૂક પત્ર આપ્યા બાદ ટોકન મની તરીકે 3 થી 5 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. આ ટોળકીએ અનેક લોકો પાસેથી પૈસા પડાવી લીધા હતા.

મંગળવારે , 22 નવેમ્બરે કેટલાંક અધિકારીઓ કેન્ટીનમાં ગયા હતા તો કેટલાંક નવા ચહેરાં નજરે પડ્યા હતા. અધિકારીઓએ પુછ્યું તો એ લોકોએ કહ્યુ કે પ્રિયંકા મિશ્રાને મળવા આવ્યા છીએ. આ પછી અધિકારીઓએ પૂછપરછ કરી તો લોકો ત્યાંથી ભાગવા લાગ્યા. જ્યારે આ ગેંગ સાથે સંકળાયેલી પ્રિયંકા આવી ત્યારે આખા કૌભાંડનું રહસ્ય સામે આવ્યું હતું. વિભાગીય સૂત્રોએ જણાવ્યું કે મુલાકાત દરમિયાન કેન્ટીન પાસે બે મહિલાઓ હાજર રહેતી હતી. આ ગેંગ પાસે વિભાગના અધિકારીઓની સંપૂર્ણ માહિતી હતી. અધિકારીઓ ક્યારે આવે છે? કયો અધિકારી ક્યાં બેસે છે? નિમણૂક કયા અધિકારીની સહીથી થાય છે?

આ ટોળકી બેરોજગારોનો આખો ડેટા તૈયાર કરતી હતી. આ ડેટાને આધારે નકલી ઇન્ટરવ્યૂના  ખેલ ચાલતા હતા. અત્યાર સુધીમાં આ ટોળકીઅ બસોથી વધારે લોકોના ઇન્ટરવ્યૂ કરી દીધા છે. આવકવેરા વિભાગે પોલીસમાં FIR નોંધાવી છે. મહિલા પ્રિયંકા સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp