કોણ છે ડલ્લેવાલ, જેમના આમરણાંત ઉપવાસથી મોદી સરકાર ટેન્શનમાં છે

PC: x.com

ખેડૂતોનું આંદોલન કેન્દ્ર સરકાર માટે ગળાનું હાડકું સાબિત થાય તેમ છે. પંજાબ અને હરિયાણાની ખનૌરી બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલ 28 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે. દેખીતી રીતે સરકારને એ સમજાતું નથી કે, ખેડૂતોના આંદોલનને દિલ્હી આવતા કેવી રીતે રોકવું. કેન્સરથી પીડિત ડલ્લેવાલની હાલત કફોડી બની રહી છે, બીજી તરફ સંસદની સ્ટેન્ડિંગ કમિટીએ ખેડૂતોની માંગને મંજૂર કરી છે. હવે સરકારની મુશ્કેલી એ છે કે, ન તો ખેડૂતો સ્વીકારવા તૈયાર છે કે ન તો સરકાર ખેડૂતોની દરેક માંગણી સ્વીકારવાની સ્થિતિમાં છે. સરકાર સામે સૌથી મોટી સમસ્યા એ છે કે, બંને તરફથી કોઈ મજબૂત નેતા વચલો માર્ગ શોધવા માટે આગળ નથી આવી રહ્યા.

પંજાબ અને હરિયાણાની સરહદ, ખનૌરી બોર્ડર પર 27 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલની હાલત સતત બગડી રહી છે. જો કે, સુપ્રીમ કોર્ટના આદેશ પર, વિરોધ પ્રદર્શન સ્થળની નજીક એક અસ્થાયી હોસ્પિટલ બનાવવામાં આવી છે. પરંતુ જે પ્રકારે ખેડૂતોએ મનમાં નક્કી કરી રાખ્યું છે કે તેમની તબિયત બગડશે તો પણ વહીવટી તંત્રને તેઓની તપાસ કરવા માટે હાથ લગાવવા દેવામાં આવશે નહીં. આના પરથી સમજી શકાય છે કે, પરિસ્થિતિ કેટલી તણાવપૂર્ણ હોઈ શકે છે. ખેડૂત નેતાઓ સરકારને ચેતવણી આપી રહ્યા છે કે, જો તેઓ ડલ્લેવાલને બળજબરીથી ઉંચકી લેવાનો પ્રયાસ કરશે તો પોલીસ પ્રશાસનને ખેડૂતોની લાશો પરથી પસાર થવું પડશે. મતલબ કે તે એક ખુલ્લો પડકાર છે. પ્રશાસન ડલ્લેવાલ સુધી ન પહોંચે તે માટે ખેડૂતોએ બેરીકેટના છ સ્તરો બનાવ્યા છે. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, જ્યાં સુધી કેન્દ્ર ખેડૂતોને MSPની કાયદેસર ગેરંટી, ખેડૂતોને દેવામાંથી મુક્ત કરવા વગેરે સહિતની અન્ય માંગણીઓ પૂરી નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. શુક્રવારે ડલ્લેવાલનું ચેકઅપ કરનાર ડૉક્ટરોની ટીમે કહ્યું કે, ખેડૂત નેતાની હાલત ઘણી ખરાબ રીતે બગડી ગઈ છે. તેઓ તેમનો હાથ પણ ઉંચો નથી કરી શકતા અને આંખો પણ ખોલી શકવામાં અસમર્થ છે. કલ્પના કરો કે, જો ડલ્લેવાલને કંઈક થાય તો કેવો મોટો હંગામો થઈ શકે છે.

આ દરમિયાન, સંસદની સ્થાયી સમિતિએ જે રીતે ખેડૂત નેતાઓના મુદ્દાઓને સમર્થન આપ્યું છે, તેનાથી ખેડૂત નેતાઓને નૈતિક પ્રોત્સાહન મળ્યું છે. મીડિયા સૂત્રોના એક અહેવાલ અનુસાર, આ સંસદીય સમિતિનો ઉલ્લેખ કરીને ડલ્લેવાલેએ સુપ્રીમ કોર્ટને પત્ર લખીને અપીલ કરી છે કે, સંસદીય સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણો અંગે કેન્દ્રને સૂચના આપવામાં આવે. મીડિયા સૂત્રોના એક અહેવાલમાં જણાવાયું છે કે, એક સંસદીય પેનલે મંગળવારે સરકારને કૃષિ પેદાશો માટે કાયદેસર રીતે બંધનકર્તા લઘુત્તમ ટેકાના ભાવ (MSP) લાદવાની ભલામણ કરી હતી, એવી દલીલ કરી હતી કે, આવા પગલાથી ખેડૂતોની આત્મહત્યામાં નોંધપાત્ર ઘટાડો થશે અને નોંધપાત્ર નાણાકીય સ્થિરતા પ્રાપ્ત થઈ શકે છે.

કોંગ્રેસના સાંસદ ચરણજીત સિંહ ચન્નીની આગેવાની હેઠળની કૃષિ, પશુપાલન અને ખાદ્ય પ્રક્રિયા પરની સ્થાયી સમિતિએ કહ્યું છે કે, કમિટી મક્કમતાથી ભલામણ કરે છે કે, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ વહેલી તકે MSPને કાયદાકીય ગેરંટી તરીકે લાગુ કરવા માટે રોડમેપ જાહેર કરે. પેનલે દલીલ કરી હતી કે, કાયદેસર રીતે બંધનકર્તા MSP માત્ર ખેડૂતોની આજીવિકાનું રક્ષણ કરશે નહીં, પરંતુ ગ્રામીણ આર્થિક વિકાસને પણ વેગ આપશે અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષામાં વધારો કરશે. સ્વાભાવિક છે કે, આ ભલામણ પછી ખેડૂતોને તેમની માંગણીઓ પૂર્ણ કરવા માટેની માંગ કરવાની નૈતિક તાકાત મળી છે.

26 નવેમ્બરથી ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલની ભૂખ હડતાળને કારણે ખેડૂતોનું આંદોલન ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ આમરણાંત ઉપવાસે આંદોલનમાં નવો પ્રાણ ફૂંક્યો છે.

રાજ્યના મોટા પક્ષોના નેતાઓ સહિત ધાર્મિક નેતાઓ આ આંદોલનને સમર્થન આપવા આવી રહ્યા છે. ડલ્લેવાલના કારણે લોકો આંદોલનમાં એટલી હદે જોડાયા છે કે, ઘણી જગ્યાએ લોકોએ ટ્રેનો રોકવાના આહવાનનું અનુસરણ કર્યું છે. આ જ કારણ છે કે ખેડૂતોના આંદોલનના બીજા તબક્કાના શરૂઆતના દિવસોમાં લોકોનું ધ્યાન શંભુ બોર્ડરથી ખનૌરી બોર્ડર તરફ ગયું છે. ખરેખર, ખનૌરી બોર્ડર પર જ ડલ્લેવાલની ભૂખ હડતાળ ચાલી રહી છે. ડલ્લેવાલને મળવા માટે ખેડૂત નેતા ગુરુનામ સિંહ ચઢુની પણ ત્યાં પહોંચ્યા હતા. સ્વાભાવિક છે કે, ચઢુનીના સાથે આવવાથી ખેડૂતોનું આંદોલન ફરી એકવાર વેગ પકડે તેવી શક્યતા છે. હરિયાણાના ઘણા ખેડૂત સંગઠનો પણ ખેડૂતોના હજારો ટ્રેક્ટરોની સાથે ખનૌરી બોર્ડરથી લગભગ 5 કિલોમીટર પહેલા ઉભી કરવામાં આવી છે. કોંગ્રેસના સાંસદ ચરણજીત સિંહ ચન્નીએ પણ ખનૌરી બોર્ડર પર પહોંચીને ડલ્લેવાલને મળ્યા. સરકાર પર અવગણનાનો આરોપ લગાવતા ખેડૂતોએ કહ્યું કે, જ્યારે દિલ્હીમાં સાંસદો વચ્ચે ધક્કા મુક્કી થાય છે, ત્યારે દરેક તેમની ખબર પૂછવા માટે ત્યાં જાય છે, પરંતુ અહીં ખેડૂત નેતા 26 દિવસથી ભૂખ હડતાળ પર છે અને કોઈએ તેની ખબર પણ પૂછી નથી. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે 30 ડિસેમ્બરે પંજાબ બંધની અપીલ કરી છે.

ખાલિસ્તાનીઓ શરૂઆતથી જ ખેડૂતોના આંદોલનને સમર્થન આપી રહ્યા છે. આ તેમની વ્યૂહરચના રહી છે. પરંતુ એ પણ સાચું છે કે, જો ડલ્લેવાલને કંઈ થાય કે ખેડૂતો પર કોઈ જબરદસ્તી કરવામાં આવે તો ખાલિસ્તાની તેમની સાથે સહાનુભૂતિ વ્યક્ત કરવા તૈયાર છે. ખાલિસ્તાની ગતિવિધિઓ પણ સતત વધી રહી છે. સોમવારે, પંજાબ પોલીસ અને UP પોલીસ વચ્ચેના સંયુક્ત ઓપરેશનમાં, પીલીભીતમાં એક એન્કાઉન્ટરમાં ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમની પાસેથી બે AK-47 મળી આવી છે. રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. સરકારની નબળાઈનો ફાયદો ઉઠાવવા ખાલિસ્તાનીઓ કંઈ પણ કરવા તૈયાર હશે, તે સ્વાભાવિક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp