દિલ્હીમાં ફરી પાછું 'ખેડૂત આંદોલન', રસ્તાઓ બંધ, જાણો શું છે માંગ
દિલ્હીને ફરી એકવાર ખેડૂતોના આંદોલનનો સામનો કરવો પડી શકે છે. નોઈડા-ગ્રેટર નોઈડા તેમજ આસપાસના જિલ્લાઓમાંથી હજારો ખેડૂતો 2 ડિસેમ્બરે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. લગભગ 3 કલાક સુધી ચાલેલી ઓથોરિટી સાથેની બેઠક પછી ખેડૂતોએ આ નિર્ણય લીધો છે. જેમાં ખેડૂતોએ પોતાની માંગણીઓ રજુ કરી હતી, તેમ છતા કોઈ સકારાત્મક પરિણામ મળી શક્યું નથી. ખેડૂતોના વિરોધ પ્રદર્શનને કારણે વહીવટીતંત્રે અનેક માર્ગો પર ટ્રાફિક એડવાઈઝરી બહાર પાડી છે.
મીડિયા સૂત્રના અહેવાલ મુજબ, ખેડૂતો ભારતીય કિસાન પરિષદ (BKP), કિસાન મજદૂર મોરચા (KMM) અને સંયુક્ત કિસાન મોરચા (SKM) સહિત અન્ય ઘણા જૂથોના બેનર હેઠળ આ આંદોલનમાં ભાગ લેશે. 2જી ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે નોઈડાના મહામાયા ફ્લાયઓવર પર ખેડૂતો એકઠા થશે અને દિલ્હી તરફ કૂચ કરશે. ખેડૂતો પગપાળા અને ટ્રેક્ટર પર દિલ્હી તરફ કૂચ કરશે. આ માર્ચમાં ગૌતમ બુદ્ધ નગર, આગ્રા, અલીગઢ અને બુલંદશહર સહિત 20 જિલ્લાના ખેડૂતો ભાગ લેશે.
મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, 1 ડિસેમ્બરના રોજ પોલીસ, જિલ્લા મેજિસ્ટ્રેટ, ગ્રેટર નોઈડા ઓથોરિટી, નોઈડા ઓથોરિટી અને યમુના ઓથોરિટીના અધિકારીઓ સાથે ખેડૂતોની બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતો તરફથી અનેક મહત્વની માંગણીઓ મુકવામાં આવી હતી. જો કે અધિકારીઓએ ખેડૂતોની માંગણીઓ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. ત્યાર પછી ખેડૂત નેતાઓએ સ્પષ્ટ કર્યું કે, તેઓ તેમની માંગણીઓને લઈને દિલ્હી કૂચ કરશે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, જો તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો તેમનું આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.
હવે એ જાણી લઈએ કે, ખેડૂતો શા માટે વિરોધ કરવા માંગે છે. નોઈડા-ગ્રેટર નોઈડાના ખેડૂતોના કહેવા પ્રમાણે, તેમને યોગ્ય વળતર નથી મળી રહ્યું. ખેડૂતોએ કહ્યું કે, ગોરખપુરમાં બની રહેલા હાઈવે માટે ચાર ગણું વળતર આપવામાં આવ્યું છે, જ્યારે ગૌતમ બુદ્ધ નગરને તેનાથી વંચિત રાખવામાં આવ્યું છે. ખેડૂતોના મતે છેલ્લા 10 વર્ષમાં સર્કલ રેટ પણ વધ્યો નથી. તેને વધારવો જોઈએ. સાથે જ ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં 10 ટકા વિકસિત પ્લોટ આપવા, હાઈ પાવર કમિટીની ભલામણો અને નવા જમીન સંપાદન કાયદાના લાભોનો સમાવેશ થાય છે. ખેડૂતો એમ પણ ઈચ્છે છે કે, ભૂમિહીન ખેડૂતોના બાળકોને રોજગાર અને પુનર્વસનનો લાભ મળવો જોઈએ.
ખેડૂતોની સંભવિત કૂચને ધ્યાનમાં રાખીને ગૌતમ બુદ્ધ નગર પોલીસે ટ્રાફિક એડવાઈઝરી બહાર પાડી છે. દિલ્હી સરહદને અડીને આવેલા ગૌતમ બુદ્ધ નગરની તમામ સરહદો પર અવરોધો લગાવીને સઘન ચેકિંગ કરવામાં આવશે. જેના કારણે લોકોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
🚨यातायात एडवाइजरी🚨
— POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) December 1, 2024
यातायात हेल्पलाइन नं०–9971009001 pic.twitter.com/cs0pgES6SG
એડવાઈઝરી મુજબ, મુસાફરોને શક્ય હોય તેટલો મેટ્રોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. નોઈડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે થઈને યમુના એક્સપ્રેસ વેથી દિલ્હી જતા માર્ગો પર માલસામાનના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ટ્રાફિક સંબંધિત કોઈપણ અસુવિધા માટે હેલ્પલાઈન નંબર 9971009001 પણ બહાર પાડવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp