આ શહેરમાં ભિક્ષા આપનારા પર નોંધાશે FIR, 1 જાન્યુઆરીથી લાગૂ

PC: independent.co.uk

અત્યારે સમાજમાં ભિક્ષુકોની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ઘણા લોકોએ આને બિઝનેસ બનાવી લીધો છે. તમે એમને કામ કરવાના બદલામાં પૈસા આપવાની ઓફર કરશો તો પણ તેઓ ના પાડી દેશે, કારણ કે તેમને ભીખ માગીને વધુ પૈસા મળી જાય છે. પણ આને લઈને મધ્ય પ્રદેશમાં એક પગલું ઉઠાવવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશના ઈંદોરને ભિક્ષુકોથી મુક્ત બનાવવા માટે જિલ્લા તંત્રએ કમર કસી લીધી છે.

ઈંદોરના જિલ્લા તંત્રએ 1 જાન્યુઆરી 2025થી ભિક્ષુકોને ભિક્ષા આપનારા વિરુદ્ધ પણ FIR નોંધવાનું નક્કી કર્યું છે. જિલ્લા કલેક્ટર આશિષ સિંહે જણાવ્યું હતું કે, તંત્રએ ઈંદોરમાં ભિક્ષા માગવા પર પ્રતિબંધ અંગે પહેલેથી જ આદેશ જાહેર કરી દીધો છે.

કલેક્ટરે કહ્યું કે, ભિક્ષા માગવા વિરુદ્ધ અમારું જાગરુકતા અભિયાન ડિસેમ્બર મહિનાના અંત સુધી ઈંદોરમાં ચાલશે. જો કોઈ વ્યક્તિ 1 જાન્યુઆરીથી ભિક્ષા આપતો પણ પકડાયો તો તેની સામે FIR નોંધવામાં આવશે. હું ઈંદોરના તમામ લોકોને અપીલ કરું છું, કે ભિક્ષા આપીને પાપના ભાગીદાર ન બનો.

તેમણે કહ્યું કે, તંત્રએ હાલમાં જ લોકોને ભિક્ષા માગવા મજબૂર કરનારી તમામ ગેંગને ઉજાગર કરી છે અને ભિક્ષા માગનારા ઘણા લોકોને પુનર્વાસમાં મદદ પણ કરી છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે દેશના 10 શહેરોને ભિક્ષુકો મુક્ત બનાવવા માટે એક પાયલટ પ્રોજેક્ટની શરૂઆત કરી છે, જેમાં ઈંદોર પણ શામેલ છે.

ઈંદોરને ભિક્ષુકોથી મુક્ત બનાવવા માટે પોલીસ અને તંત્રએ સાથે મળીને 14 ભિક્ષુકોને પકડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન ઈંદોરના રાજવાડાના શનિ મંદિર પાસે ભિક્ષા માગી રહેલી એક મહિલા પાસે 75 હજાર રૂપિયા રોકડા મળ્યા હતા, જે તેણે ફક્ત 10-12 દિવસમાં કમાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp